મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક.
તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને મુંબઈના ભાકલા વિસ્તારમાં ‘ખટાઉ મિલ’ પાસે એક નાનકડી દુકાન શરૂ કરી. એક વર્ષ પછી તેઓ તેમના ગામ પાછા ફર્યા પરંતુ થોડા સમય પછી બાળકોના શિક્ષણ માટે મુંબઈ પાછા ફર્યા.
દામજીભાઈને મુંબઈની ‘ઓસવાલ સ્કૂલ’માં દાખલ કરવામાં આવ્યા. પિતાએ મુંબઈના ‘વરલી’ વિસ્તારમાં ભાગીદારીમાં કરેલી ‘કટલરી શોપ’માં દામજી અને તેમના મોટા ભાઈ જાધવજી રોજ સાંજે શાળા પછી જતા અને પિતાને મદદ કરતા. દામજીભાઈ નાના હતા ત્યારથી જ તેઓ મોટા થઈને ડૉક્ટર બનવા માંગતા હતા આથી શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી મુંબઈની ‘ખાલસા કૉલેજ’માં એડમિશન લીધું અને ડૉક્ટર બનવા માટે વિજ્ઞાન વિષય તરીકે પસંદ કર્યો. કૉલેજશિક્ષણ દરમિયાન તેઓ બીમાર પડ્યા. બે મહિના સુધી હૈદરાબાદના અમીરપેઠના નેચરોપેથી ક્લિનિકમાં રહ્યા. આ દરમિયાન ડૉક્ટર બનવાનો નિર્ણય બદલાઈ ગયો. તેમણે ધંધો કરવાનું નક્કી કર્યું. ઇન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યા બાદ કૉલેજ છોડી દીધી.
1960માં તેમણે તેમના પાડોશી બંગાળી બાબુ સાથે મળીને મુંબઈના મલાડ વિસ્તારમાં ‘બોમ્બે ટોકીઝ’ પાસે 900 ચોરસ ફૂટની દુકાન ભાડે રાખીને ‘KB ઈન્ડસ્ટ્રીઝ’ શરૂ કરી પણ એ ધંધો ચાલ્યો નહીં અને એક વર્ષમાં જ બંધ કરવો પડ્યો.
તે દિવસોમાં ઇટાલીથી આયાત કરવામાં આવતી ઇલેક્ટ્રિકલ સ્વીચો ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતી. દામજીભાઈએ બોમ્બે ટોકીઝ કમ્પાઉન્ડમાં પિયાનો પ્રકારની ફેન્સી સ્વીચોનું ઉત્પાદન શરૂ કરવાનું નક્કી કર્યું. તે દિવસોમાં કાળી સ્વિચ ઉપયોગમાં હતી. લોહાર ચાલમાંની દીપક ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાનના રસિકભાઈ ધારિયાને તેમણે સ્વીચો બતાવી. તેઓ સ્વીચો વેચવા તૈયાર થયા. તેમણે ‘ઝગમગ’ નામથી સ્વિચ બનાવવાનું શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી તેમને લાગ્યું કે પોતાની બ્રાન્ડ હોવી જોઈએ. આ પછી તેમણે નવી બ્રાન્ડ ‘વિક્ટર’ શરૂ કરી પરંતુ તેનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નહીં. પછી નવું નામ ‘એન્કર’ રાખ્યું. થોડા જ સમયમાં ધંધો જામી ગયો અને ટર્નઓવર 1100 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. દામજીભાઈની મૂળ અટક મામણિયા હતી પરંતુ તેમની બ્રાન્ડ એન્કર એટલી લોકપ્રિય હતી કે તેઓ ટૂંક સમયમાં દામજીભાઈ એન્કરવાલા તરીકે ઓળખાતા થયા.
તેમણે મોડ્યુલર સ્વિચ બનાવી. આજે એન્કર ઇલેક્ટ્રિકલ એસેસરીઝની વિશાળ કંપની છે. દર સેકન્ડે લગભગ 53 સ્વિચના ઉત્પાદન સાથે એન્કરને વિશ્વનો નંબર 1 સ્વિચ મેકર છે. અદ્યતન ટૂલ રૂમ અને CAD/CAM સુવિધાઓ સાથે વિશ્વ કક્ષાનું R&D યુનિટ વિકસાવ્યું. દમણ, ગુજરાત, હરિદ્વાર, ચેન્નાઈ અને હૈદરાબાદમાં 17 ફેક્ટરીઓ બનાવી. તેમની વિદ્યુત ઉત્પાદનોની શ્રેણીમાં લગભગ 150 વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. 2007માં જાપાનની કંપની ‘પેનાસોનિક’એ ‘એન્કર’ હસ્તગત કરી ત્યારે તેનું મૂલ્ય 2500 કરોડથી વધુ હતું.
આ પછી દામજીભાઈએ ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપરાંત ગ્રુપ હેલ્થ કેર, બાંધકામ, આઈટી, ફાઈનાન્સ, ક્રિકેટ (IPL), પેઇન્ટ્સ, બોલપોઈન્ટ પેન તેમજ ‘એન્કર હેલ્થ એન્ડ બ્યુટી કેર’ નામથી FMCG સેક્ટરમાં પોતાનો હાથ અજમાવ્યો. અહીં પણ તેમને સારી સફળતા મળી.
દામજી શાહ સ્પેન્ટા પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તેઓ શિખર લીઝિંગ એન્ડ ટ્રેડિંગ લિમિટેડ, બાલી પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડ, સ્ટોનબ્લેક સ્વિચગિયર્સ એન્ડ કેબલ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, એસોસિએશન ઑફ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્ઝ મેન્યુફેક્ચરર્સ, બાહુબલી કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ, એન્કર એકોમોડેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુડ વેલ્યુ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ, પ્રણય ટેલિ-સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, એન્કર સેરેવિઝન (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એન્કર કોર્પોરેશન લિમિટેડ, એન્કર વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ, એન્કર યુનિવર્સ પ્રાઇવેટ લિમિટેડ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જેવી 20 કંપનીઓ સાથે સંકળાયેલા હતા.
સફળતાના શિખર પર બેઠેલા હોવા છતાં તેઓ ખૂબ જ સાદું અને સાદગીભર્યું જીવન જીવતા હતા. તેઓ ઉદ્યોગપતિ, પરોપકારી, શિક્ષણશાસ્ત્રી અને પ્રાણીપ્રેમી માનવી હતા. કચ્છમાં વાવાઝોડું હોય, દુષ્કાળ હોય કે વિનાશકારી ભૂકંપ હોય, દામજીભાઈ હંમેશાં મદદ માટે તૈયાર રહેતા. તેમના નામે કચ્છ અને મુંબઈમાં ઘણાં વ્યવસાયિક તાલીમકેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. તેઓ સારા વાચક હતા. તેમણે મોટાભાગના લેખકોને વાંચ્યા હતા. તેમણે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મોનો અભ્યાસ કર્યો હતો.
અનિલ રાવલ