માન, ભગવંતસિંઘ (જ. 17 ઑક્ટોબર, 1973, ગામ સતોજ, જિલ્લો સંગરુર, પંજાબ, ભારત) : પંજાબના 17મા મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના કદાવર નેતા, પૂર્વ સાંસદ. રાજકારણમાં પ્રવેશ કર્યો એ અગાઉ પંજાબી મનોરંજન ઉદ્યોગમાં કૉમેડિયન, અભિનેતા અને રાજકીય ભ્રષ્ટાચારને લક્ષ્ય બનાવતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે પ્રસિદ્ધ. પંજાબમાં યુવાનોમાં મોટા પાયે વધી ગયેલી નશીલા દ્રવ્યના સેવનની લત વિરુદ્ધ આંદોલન ‘યુદ્ધ નશેયાં વિરુદ્ધ’ના પ્રણેતા. પંજાબમાં શિક્ષણક્ષેત્રમાં મોટા ફેરફારો કરવા અને દરેક કુટુંબને વીજળીના 300 યુનિટ ફ્રી આપીને જનતાનું દિલ જીતનાર લોકપ્રિય નેતા.
પંજાબના સંગરુર જિલ્લાના સુનામ તાલુકાના સતોજ ગામમાં વિજ્ઞાન વિષયના સરકારી શિક્ષક મોહિન્દર સિંઘ અને ગૃહિણી હરપાલ કૌરને ઘેર જન્મ. કુટુંબ શીખ સંપ્રદાયની ધાર્મિક પરંપરાઓમાં માન્યતાથી રંગાયેલું. પ્રાથમિક શિક્ષણ સતોજ ગામમાં અને માધ્યમિક શિક્ષણ ચીમા ગામમાં મેળવ્યું. ત્યાર બાદ સુનામમાં શહીદ ઉધમ સિંઘ સરકારી કૉલેજમાં વાણિજ્યિક શાખામાં સ્નાતક થવા માટે પ્રવેશ કર્યો, પરંતુ અભ્યાસ પૂર્ણ ન કર્યો.
કૉલેજમાં શિક્ષણને બદલે કૉમેડી અને મિમિક્રીમાં વધારે રસ લઈને યુવાઉત્સવોમાં નામના મેળવી. ત્યાંથી તેમને પંજાબી મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રેરણા મળી. 1990ના દાયકાના અંતિમ વર્ષોમાં સ્થાનિક રાજકારણ પર કટાક્ષ કરતાં કૉમેડી આલબમો રીલિઝ કર્યાં. અન્ય એક કૉમેડિયન જગતાર જગ્ગી સાથે ગુસ્તાખી માફ અને ગોબી દિયે કચિયે વાપરનેં આલબમની કેસેટ અને સીડીનું ધૂમ વેચાણ થયું.
ત્યાર બાદ પંજાબના સ્થાનિક વિસ્તારોમાં, યુવાઉત્સવો અને આંતર-કૉલેજ સ્પર્ધાઓમાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે પર્ફોર્મન્સ આપીને રાજ્યમાં પ્રસિદ્ધ અને લોકચાહના મેળવી. વર્ષ 2008માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સહિત વિવિધ ટેલીવિઝન કાર્યક્રમોમાં પણ લોકપ્રિયતા મેળવી. સાથે સાથે પંજાબી ફિલ્મો સુખમણી, એકમ – સન ઑફ સૉઇલ, નૈન પ્રીતો દે, હીરો હિટલર ઇન લવ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.
2011માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપ્રેરિત અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં ભગવંત માન સામેલ થયા. ધીમે ધીમે અરવિંદ કેજરિવાલ સાથે સંબંધ મજબૂત થયો. પોતાની રીતે ભગવંતે વર્ષ 2011માં પંજાબમાં પીપલ્સ પાર્ટી ઑફ પંજાબની સ્થાપના કરી અને કૉંગ્રેસ-શિરોમણિ અકાલી દળના શાસનમાં રાજ્યનું દેવું 2.2 લાખ કરોડને આંબી ગયું જેવો મુદ્દો ઉઠાવ્યો. અરવિંદ કેજરિવાલ સાથેનો સંપર્ક ગાઢ બન્યા પછી પોતાના રાજકીય પક્ષનું વિસર્જન કરીને વર્ષ 2014માં આમ આદમી પાર્ટી(આપ)માં સામેલ થયા.
2014માં અણ્ણા હઝારે અને કેજરિવાલ મંડળીએ કૉંગ્રેસવિરોધી ઊભી કરેલી લહેર પર સવાર થઈને ભગવંત માને આપના ઉમેદવાર તરીકે સંગરુર લોકસભાના સાંસદ તરીકે લોકસભામાં પહેલી વાર પ્રવેશ કર્યો. ચૂંટણીમાં ભગવંતે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવસિંઘ ઢિંડસા જેવા દિગ્ગજ ઉમેદવારને 2 લાખથી વધારે મતોના અંતરથી હાર આપી.
વર્ષ 2017માં માનની નિમણૂક પંજાબમાં આપના સંયોજક તરીકે થઈ. એ જ વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જલાલાબાદથી ઉમેદવારી કરી, પરંતુ સુખબીરસિંઘ બાદલ સામે પરાજય થયો. મે, 2019માં 17મી લોકસભામાં માન સંગરુર બેઠક પરથી જ ફરી સાંસદ તરીકે ચૂંટાયા. આ લોકસભામાં ભગવંત આપના એકમાત્ર સાંસદ હતા.
જાન્યુઆરી, 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આપનો જબરદસ્ત વિજય થયો. પક્ષે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવી એ માટે જનતા પાસેથી અભિપ્રાય માંગ્યો, જેમાં મોટા ભાગના લોકોએ ભગવંત માનની પસંદગી કરી. ધુરી વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા ભગવંત માને 16 માર્ચ, 2022ના રોજ સ્વતંત્રતાસેનાની શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકાર કાલનમાં પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
મુખ્યમંત્રી બન્યા પછી ભગવંતે પંજાબમાં વીઆઇપી કલ્ચરનો અંત લાવવાની પહેલી હાથ ધરી અને 122 પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓની પોલીસ સુરક્ષા પરત ખેંચી લીધી. 19 માર્ચ, 2022ના રોજ માન મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં પંજાબ સરકારના વિવિધ વિભાગોમાં 25,000 લોકોને રોજગારી આપવાનો નિર્ણય લીધો, જેમાં 10,000 લોકોની ભરતી પંજાબ પોલીસમાં કરી.
22 માર્ચ, 2022ના રોજ રાજ્ય સરકારમાં કૉન્ટ્રાક્ટ ધોરણે કાર્યરત 35,000 કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી, જેમાંથી મોટા ભાગના સરકારી શિક્ષકો હતા. એટલું જ નહીં, 5 સપ્ટેમ્બર, 2022ના રોજ શિક્ષક દિવસ નિમિત્તે સરકારી સંસ્થાઓમાં શિક્ષકોને યુજીસીના સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર આપવાની જાહેરાત કરી.
30 માર્ચ, 2022ના રોજ માને ખાનગી શાળાઓ ફી વધારી નહીં શકે એવો આદેશ જાહેર કર્યો. સાથે સાથે, કોઈ પણ સ્કૂલને ખાસ સ્ટોરમાંથી શાળા સંબંધિત ચીજવસ્તુઓની ખરીદી કરવાની માતાપિતાને ફરજ નહીં પાડવાનો પણ આદેશ આપ્યો. સપ્ટેમ્બર, 2022માં જ પંજાબની સરકારી શાળાઓમાં કન્યાઓ માટે બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી.
પ્રથમ લગ્ન ઇન્દરપ્રીત કૌર સાથે. દંપતિએ 2015માં છૂટાછેડા લીધા. પ્રથમ પત્નીથી બે સંતાનો – પુત્ર દિલશાન અને પુત્રી સીરત. 2022માં 32 વર્ષીય ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા, જે ડૉક્ટર છે. બીજી પત્નીથી એક પુત્રી.
જાન્યુઆરી, 2019માં એક બરનાલામાં એક રેલીમાં ભગવંત માને મદિરાપાન છોડવાની જાહેરાત કરી. પછી રાજ્યભરમાં યુવા પેઢીમાં નશીલા દ્રવ્યોની લત સામે આંદોલન શરૂ કર્યું.
કેયૂર કોટક
