માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ)

May, 2024

માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ) : મેવાડના મહારાણા. રાજસિંહ (ઈ. સ. 1629–1680)ના રાજકવિ. માન કવિએ પોતાના આશ્રયદાતાનું જીવનચરિત્ર ‘રાજવિલાસ’માં નિરૂપ્યું છે. આ કૃતિની રચના 26 જૂન, 1677ના રોજ આરંભાઈ હતી અને 1680માં રાજસિંહના અવસાન સાથે પૂર્ણ થઈ હતી. ‘રાજવિલાસ’માં 18 વિલાસ છે. પ્રથમ વિલાસમાં બાપા રાવળની ઉત્પત્તિ, બીજામાં એમની વંશાવળી અને રાજસિંહના અગિયાર વર્ષની વય સુધીનું વર્ણન છે. પછી રાજસિંહના વિવિધ સ્થળે થયેલાં લગ્નો, ઋતુવિલાસ, સાત વર્ષનો દુકાળ, વિષ્ણુ મંદિરનું નિર્માણ, મહારાણાનું તુલાદાન વગેરેનું વર્ણન છે. દસથી અઢાર વિલાસમાં ઔરંગઝેબ સાથે થયેલી અનેક વારની અથડામણો અને યુદ્ધ તેમજ મહારાણા રાજસિંહના મૃત્યુ (22 ઑક્ટોબર, 1680) સુધીનું વર્ણન અપાયું છે. કવિ માને આમાં યુદ્ધ, વીરતા, ભય, આતંક અને પ્રતાપનું સરસ નિરૂપણ કર્યું છે. શૈલી વર્ણનાત્મક છે. વીરરસ ઉપરાંત શૃંગાર અને શાંત રસ પણ પ્રયોજ્યા છે. માનની કવિતામાં રીતિકાલીન દરબારી કવિકઓની બધી વિશેષતાઓ વિદ્યમાન છે. એમની ભાષા વ્રજ છે જેમાં રાજસ્થાની શબ્દોની ભરમાર છે. માનની રચના, કવિત્વશક્તિ, ભાષા-સૌષ્ઠવ, ઓજ અને સ્વાભાવિકતાથી ઓતપ્રોત છે. વસ્તુતઃ ‘રાજવિલાસ’ ઐતિહાસિક તેમજ સાહિત્યિક બંને દૃષ્ટિએ અત્યંત ઉપયોગી ગ્રંથ છે.

પ્રવીણચંદ્ર પરીખ