માને, લક્ષ્મણ (જ. 1949) : મરાઠી લેખક. ‘ઉપરા’ નામની તેમની જીવનકથાને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગમાં સતારા ખાતે સેવા આપતા હતા. પુણે ખાતેની કેસરી મરાઠા સંસ્થાના એન. સી. કેલકર પુરસ્કારના પણ તેઓ વિજેતા બન્યા હતા, અને તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી. તેઓ ટૂંકી વાર્તાઓ પણ લખે છે, તથા મહારાષ્ટ્ર રાજ્યની વિચરતી જાતિના પ્રશ્નોના તેઓ નિષ્ણાત અભ્યાસી છે. પ્રસ્તુત પુરસ્કૃત કૃતિ તેમનું પ્રથમ પ્રકાશન છે. ફૉર્ડ ફાઉન્ડેશનના નિમંત્રણથી તેમણે અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો.
દલિત માનવોના જીવનનું નિષ્પક્ષ ચિત્રણ, સામાજિક ન્યાય માટેની ઝુંબેશ તથા પ્રભાવક શૈલી જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ ગણનાપાત્ર બની છે.
મહેશ ચોકસી