માને, એદુઅર્દ (Manet, EDOUARD (mah-nay’, ay-dwahr) (જ. 23 જાન્યુઆરી 1832, પૅરિસ; અ. 30 એપ્રિલ 1883) : પ્રસિદ્ધ ફ્રૅન્ચ ચિત્રકાર. પ્રભાવવાદી (impressionist) શૈલીના પ્રણેતા અને ચિત્રની પ્રક્રિયા તરફ દર્શકનું ધ્યાન ખેંચવા માટે થઈને ‘ચિત્ર એ રંગથી આલેખિત સ્પષ્ટ ભૂમિ છે’ એવા ખ્યાલનો પ્રથમ પુરસ્કર્તા.

ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા ન્યાય-મંત્રાલયમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. પિતાની ઇચ્છાવિરુદ્ધ થૉમસ કૂત્યૂર (Thomal Couture) નામના ચિત્રકાર પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. જર્મની, ઑસ્ટ્રિયા અને ઇટાલીનું પરિભ્રમણ કરી ત્યાંનાં મ્યુઝિયમોમાં રહેલાં ચિત્રોનું નિરીક્ષણ કર્યું. આરંભનાં ચિત્રોના વિષયો તેમજ શૈલી પર સ્પૅનિશ ચિત્રકારો ડાયેગો વેલાસ્ક્વેથ (Diego Velazquez) અને ફ્રાન્સિસ્કો દિ ગોયા(Francisco de Goya)ની ઘેરી અસર જોવા મળે છે; પરંતુ તે સાથે જ તેમાં સીધી દ્વિપારિમાણિતા (two-dimensional directness) જોવા મળે છે જે આગળ જતાં માનેનાં ચિત્રોની ખાસ લાક્ષણિકતા બની રહી. સ્પૅનિશ વિષયો પછી તરત જ પૅરિસ અને ફ્રાન્સના તત્કાલીન નગરજીવન અને સમુદ્રકાંઠાના માનવજીવનનું નિરૂપણ માનેનાં ચિત્રોમાં જોવા મળે છે; દા. ત., શેરી-ગાયક, રેસ્તોરાંમાં પ્રેમી યુગલ, બારમાં બોર્ટન્ડર યુવતી, સમુદ્રમાં નાવડીયાત્રા કરતાં યુવક-યુવતી, વાંસળીવાદક, રેસકોર્સ, કવિ માલાર્મેનું વ્યક્તિચિત્ર. પરંતુ આ વિષયો ચિત્રો ચીતરવાના ઓઠા જેવા નિમિત્તમાત્ર હતા. માનેના રસનો વિષય હતો માનવો, પદાર્થો અને વાતાવરણ પર પ્રકાશની અસર. આ જ ખ્યાલ પ્રભાવવાદનો જન્મદાતા છે; પરંતુ માનેએ કાળા અને સફેદ રંગોની તીવ્ર સહોપસ્થિતિ હંમેશાં જાળવી રાખી અને સ્પષ્ટ સીમા-રેખાઓ(outlines)નો ત્યાગ ન કરવાથી માનેની ગણના પ્રભાવ-વાદના જનક તરીકે થવા છતાં પ્રશિષ્ટ પ્રભાવવાદી ચિત્રકાર તરીકે નથી થતી.

વિષયોની પસંદગી માત્ર નિમિત્તરૂપે કરી હોવા છતાં આ વિષયોએ માનેને વિવાદાસ્પદ ઠરાવી ફ્રાન્સના જાહેર જીવનમાં ચર્ચાપાત્ર બનાવ્યો. ‘બાગમાં ભોજન’ (Dejeuner sur l’herbe) અને ‘ઑલિમ્પિયા’ – એ બે ચિત્રોએ વિવાદને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. જોયાનેના ચિત્ર કૉન્સર્ટ ચૅમ્પિત્ર (‘concert champetre’) અને રફાએલના ચિત્ર ‘જજમેન્ટ ઑવ્ પૅરિસ’ પર આધારિત ‘બાગમાં ભોજન’માં સંપૂર્ણ વસ્ત્રસજ્જ બે યુવાન પુરુષો સાથે સંપૂર્ણ નગ્ન યુવતી બાગની લોન પર ભોજન લેતી બતાવી છે. 1963માં બુઝર્વા વિવેચકોને યુવતીની નગ્નતા સંપૂર્ણ વસ્ત્રસજ્જ યુવાન પુરુષોની ઉપસ્થિતિમાં ખટકી. તેથી ફ્રાન્સના રાષ્ટ્રીય પ્રદર્શન ‘સેલૉ’માંથી હડધૂત થયેલી આ ચિત્રકૃતિ ‘સેલૉ ઑવ્ ધ રિજેક્ટેડ’માં પ્રદર્શિત થઈ. માને પર ‘તોફાની ચેડાં દ્વારા ધ્યાન આકર્ષિત કરવાનો’ આક્ષેપ મુકાયો. એ વર્ષે માનેએ સુઝાંને લીન્હોફ સાથે લગ્ન કર્યાં. આ વર્ષે ચીતરાયેલ ચિત્ર ‘ઑલિમ્પિયા’ને 1965ના સેલૉમાં મોકલવામાં આવ્યું. આ ચિત્રમાં પૅરિસની એક જાણીતી અને ખૂબ રૂપાળી વેશ્યાને નગ્ન સ્વરૂપે ચીતરવામાં આવી હતી. બુર્ઝવા વિવેચકોને આ ચિત્રમાં નગ્નતા સામે વિરોધ નહોતો, પણ ચિત્રમાંથી દર્શકો સમક્ષ નિર્લજ્જ ભાવે તાકી રહેલી આ વેશ્યાને પ્રશિષ્ટ ગ્રીક દેવી ઑલિમ્પિયા તરીકે જોવાનું ચિત્રકારનું ઇજન હતું તે ખટકયું. તેથી આ ચિત્ર પણ સેલૉમાં સ્વીકારાયું નહિ. છેક 1876 સુધી તેનાં ચિત્રો સેલૉ દ્વારા અસ્વીકૃત થતાં રહ્યાં. તે કારણો સિવાય એ કારણ પણ જવાબદાર હતું કે તેનાં ચિત્રો પ્રશિષ્ટ વાસ્તવવાદી શૈલીનો ઉચ્છેદ કરી મુક્ત લસરકાથી નિરૂપણ કરતાં હતાં અને આ પદ્ધતિ બુઝર્વા વિવેચકોને ચિત્ર નહિ પણ ચિત્રની રૂપરેખા (summery) જેવી લાગી.

પરંતુ જીવનના અંત સમયે માનેની પ્રતિષ્ઠા થઈ, મોંઘા ભાવે ચિત્રો વેચાયાં અને માને ધનપ્રાપ્તિ કરી શક્યો. મોને, દેગા, રેન્વા, પિસારો ઇત્યાદિ ચિત્રકારોએ પ્રભાવવાદી ચિત્રશૈલીને તેની પરાકાષ્ઠાએ પહોંચાડી માનેનું સ્વપ્ન સિદ્ધ કર્યું.

અમિતાભ મડિયા