માનાગુઆ સરોવર : પશ્ચિમ નિકારાગુઆમાં લિયૉન અને માનાગુઆ વચ્ચે આવેલું સરોવર. સ્થાનિક નામ લાગો દ માનાગુઆ. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. આ સરોવર ફાટખીણ સ્વરૂપનું છે. 39 મીટરની ઊંચાઈ પર રહેલું આ સરોવર આશરે 10 મીટરની ઊંડાઈવાળું, 58 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળું અને 25 કિમી. ઉત્તર-દક્ષિણ પહોળાઈવાળું છે. તેનો કુલ વિસ્તાર 1,040 ચોકિમી. જેટલો છે. તેનું સ્થાનિક ઇન્ડિયન નામ ક્ષોલોતલાન છે. આ સરોવરને મધ્યના ઉચ્ચપ્રદેશો તેમજ દીરીઅબાના ઊંચાણવાળા ભાગોમાંથી નીકળતાં અનેક ઝરણાં અને નદીઓ મળે છે, તથા તેમાંથી ટિપિટાપા નદી નીકળે છે, જે નજીકના નિકારાગુઆ સરોવરને મળે છે.

આર્થિક ર્દષ્ટિએ આ પ્રદેશ માટે મહત્ત્વના ગણાતા આ સરોવરમાંથી માછલાં તેમજ મગર (ઘડિયાળ) મળી રહે છે. તેમને પહોળી છીછરી હોડીઓ મારફતે પકડીને તેમાંથી ઊપજ મેળવવામાં આવે છે. આ સરોવરને વાયવ્ય કાંઠે 1,266 મીટર ઊંચાઈ ધરાવતો મોમોટોમ્બો જ્વાળામુખી પર્વત આવેલો છે. કિનારા નજીક કેટલાક ટાપુઓ પણ છે. માનાગુઆ આ પ્રદેશનું પાટનગર હોવાથી તે સરોવરની આજુબાજુની વસાહતો સાથે ધોરી માર્ગો અને રેલમાર્ગથી સંકળાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા