માનાગુઆ : મધ્ય અમેરિકાનો પ્રાદેશિક વિસ્તાર તથા નિકારાગુઆ દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. માનાગુઆ પ્રદેશ નૈર્ઋત્ય નિકારાગુઆનો 3,597 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની નૈર્ઋત્યમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. આ પ્રદેશનું મહત્વનું ભૂપૃષ્ઠ-લક્ષણ તેની વચ્ચે આવેલું માનાગુઆ સરોવર છે. આ પ્રદેશની જમીનો ખેતી માટે ખૂબ અનુકૂળ છે. કૉફી, મકાઈ અને કપાસ તેના મુખ્ય કૃષિપાકો છે. અગાઉ અહીં શેરડી, ડાંગર અને જુવાર-બાજરી થતાં હતાં. તેનું વાવેતર હવે ઘટી ગયું છે. ઢોર અને ઘોડા જેવાં પશુઓનું પ્રમાણ પણ હવે ઘટી ગયું છે. અહીંના ટિપિટાપા ખાતે ખનિજીય ઝરા (mineral springs) આવેલા છે. માનાગુઆ, લિયૉન અને ગ્રૅનેડાને જોડતો પૅસિફિક રેલમાર્ગ માનાગુઆ સરોવરના દક્ષિણ કાંઠા નજીકથી પસાર થાય છે.

રુબિન દારિયો થિયેટર, માનાગુઆ

શહેર : નિકારાગુઆ દેશનું પાટનગર. તે માનાગુઆ સરોવરને દક્ષિણ કાંઠે જ્વાળામુખ સરોવરોની વચ્ચે આવેલું છે. તે મધ્ય અમેરિકાનાં ગરમ-હૂંફાળાં રહેતાં પાટનગરો પૈકીનું એક ગણાય છે. શહેર સમુદ્રસપાટીથી 50 મીટરની ઊંચાઈ પર વસેલું છે. અહીં જ્યારે સ્પેનની વસાહતો સ્થાપવાનો કાળગાળો ચાલતો હતો ત્યારે તેઓ આ સ્થળને લિયૉન કે ગ્રૅનેડાને સમકક્ષ ગણતા ન હતા; પરંતુ આ બંને શહેરો વચ્ચે ચાલતા વિખવાદ, સંઘર્ષ તેમજ સ્પર્ધાને કારણે 1857માં માનાગુઆને દેશનું પાટનગર બનાવવામાં આવ્યું છે.

1931ના અરસામાં અહીં થયેલા વિનાશક ભૂકંપ અને ફાટી નીકળેલી આગને કારણે તે તારાજ થયેલું. તે પછીથી શહેરના મોટાભાગનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે. 1972માં અહીં ફરીથી થયેલા ભૂકંપ (5,000 મૃત્યુ) બાદ જૂના મુખ્ય શહેરથી 10 કિમી. નૈર્ઋત્ય તરફના ભાગમાં ધંધાકીય ઇમારતોનું પણ નવેસરથી બાંધકામ કરવામાં આવેલું છે. 1978–79માં સોમોઝા સરકાર વિરુદ્ધ હડતાળ પડી હતી અને સંઘર્ષ અને મારામારીનાં ર્દશ્યો પણ સર્જાયેલાં.

માનાગુઆની જાણીતી મુખ્ય ઇમારતો અને જોવાલાયક સ્થળોમાં અહીં થઈ ગયેલા કવિ રુબિન દારિયોનું સ્મારક પાર્ક દારિયો (Parque Dario), નૅશનલ પૅલેસ તથા વીસમી સદીના કેથીડ્રલનો સમાવેશ થાય છે. 1952માં માનાગુઆ યુનિવર્સિટી નિકારાગુઆ નૅશનલ યુનિવર્સિટીનો અંતર્ગત ભાગ બની છે. આ શહેરની અન્ય સંસ્થાઓમાં સેન્ટ્રલ અમેરિકન યુનિવર્સિટી (1961) તેમજ યુનિવર્સિટી સમકક્ષ પૉલિટેકનિક આવેલાં છે.

માનાગુઆ આ દેશનું મોટામાં મોટું શહેર છે. તે વાણિજ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ પડતું છે. કૉફી અને કપાસ અહીંના પીઠપ્રદેશમાં થતા મુખ્ય પાકો છે. અહીં ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે. માંસ, રાચરચીલું, ધાતુની ચીજો, કાપડ વગેરે જેવી પેદાશોનું અહીં ઉત્પાદન થાય છે. આ શહેર પૅસિફિક પરના કૉરિન્ટો બંદર સાથે તેમજ સડક અને રેલમાર્ગે લિયૉન તથા ગ્રૅનેડા સાથે જોડાયેલું છે. પાન અમેરિકન રાષ્ટ્રીય ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. અહીં આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉત્તર અમેરિકી શહેરો સાથે સંકળાયેલું રહે છે. એની વસ્તી 6,15,000 (1991) છે.

ગિરીશભાઈ પંડ્યા