માનસી : વિજયરાય વૈદ્ય-સંપાદિત સામયિક. વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી વિજયરાય વૈદ્યે 1935માં ડેમી કદમાં ‘માનસી’ ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. આ સામયિકને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવ્યું. ‘માનસી’ એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એમ કહ્યું. આ પૂર્વે 1924થી 1935 સુધી તેમના તંત્રીપદ હેઠળ ‘કૌમુદી’ માસિક પ્રગટ થતું હતું અને ‘માનસી’ પછી એમણે ‘રોહિણી’ સામયિક પ્રગટ કર્યું હતું.
‘માનસી’માં કાવ્યો, નાટક, વાર્તા, ચરિત્ર, નિબંધ, હળવા નિબંધ, પ્રવાસ અને વિવેચન જેવાં સાહિત્યસ્વરૂપોના લેખો મળે છે. ‘નિકષ’, ‘બસો પાંચસો શબ્દોમાં’, ‘હજારેક શબ્દોમાં’ શીર્ષક હેઠળ પુસ્તકસમીક્ષા આપવામાં આવતી. ‘મનન’ વિભાગમાં ચિંતનાત્મક અને પ્રેરણાત્મક લખાણો તથા ‘મંજૂષા’ વિભાગમાં હિન્દી અને સંસ્કૃત સાહિત્ય વિશે લેખો પ્રગટ થતા. 1950થી ‘માનસી’માં અંગ્રેજી વિભાગ પણ પ્રગટ થતો. ‘વાસરિકા’ વિભાગમાં સાંપ્રત સાહિત્યિક ઘટનાઓની ચર્ચા કરવામાં આવતી અને તેમાંથી ક્યારેક સાહિત્યિક વિવાદ પણ જાગતો હતો. સર્જકોનાં સ્મરણો અન્ય વ્યક્તિ દ્વારા કે સર્જક પાસે લખાવીને પ્રકાશિત કરતા. દેશ-પરદેશના સાહિત્યકારો, શતાબ્દીઓ, જયંતીઓ અને અવસાનનોંધ આમાં આપવામાં આવતી. તેઓ અભ્યાસીઓને પુસ્તક મોકલતા અને તેમની પાસેથી ચીવટપૂર્વક સમીક્ષાઓ તૈયાર કરાવતા. એમની ચીવટ અત્યંત વિરલ ગણાય તેવી હતી. વિશ્વનાથ ભટ્ટ, ડોલરરાય માંકડ, અંબાલાલ પુરાણી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, દુર્ગાશંકર શાસ્ત્રી, ધનસુખલાલ મહેતા, કે. કા. શાસ્ત્રી જેવા પ્રતિષ્ઠિત અભ્યાસીઓના લેખો ‘માનસી’માં મળે છે. ‘માનસી’ને આર્થિક રીતે સધ્ધર સ્થિતિમાં પહોંચાડવા માટે વિજયરાય વૈદ્યે ઘણો સંઘર્ષ કર્યો હતો. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા વિજયરાય વૈદ્યના તંત્રીપદ હેઠળ ‘માનસી’એ અઢી દાયકા સુધી ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કર્યું. 1960ના ડિસેમ્બરમાં ભાવનગરથી કૉંગ્રેસ સ્મરણિકા અંક પ્રકાશિત કરીને વિજયરાય વૈદ્યે ‘માનસી’નું કાર્ય આટોપી લીધું.
રમણલાલ જોશી