માનસિંહ, રાજા (જ. ? અ. 1614) : અંબર(હાલનું જયપુર)ના રાજા બિહારીમલના દત્તક પુત્ર રાજા ભગવાનદાસનો ભત્રીજો અને દત્તક પુત્ર. રાજા બિહારીમલની પુત્રીનાં લગ્ન અકબર સાથે કર્યા બાદ, માનસિંહને મુઘલ દરબારમાં ઊંચા હોદ્દા પર નીમવામાં આવ્યો હતો. એપ્રિલ 1576માં અકબરે મેવાડના રાણા પ્રતાપ સામે લડવા રાજા માનસિંહ તથા આસફખાનને મોકલ્યા હતા. હલદીઘાટમાં થયેલી યાદગાર લડાઈમાં રાણા પ્રતાપનો પરાજય થયો. યુદ્ધભૂમિમાંથી રાણા પ્રતાપ નાસી ગયો, તેમાં માનસિંહે આંખ આડા કાન કર્યાનો અકબરને વહેમ પડ્યો હતો.
માનસિંહ એક બહાદુર અને વફાદાર સેનાપતિ હતો. તેણે ફેબ્રુઆરી 1581માં કાબુલના સ્વતંત્ર શાસક મિર્ઝા હકીમનો લાહોર નજીક સખત સામનો કર્યો હતો. આખરે મિર્ઝા હકીમને નાસી જવાની ફરજ પડી હતી. શહેનશાહ અકબરે રાજા માનસિંહ અને શાહજાદા મુરાદની આગેવાની હેઠળ કાબુલમાં ફરી લશ્કર મોકલ્યું. ત્યારબાદ જરૂર જણાતાં અકબર પોતે લશ્કર લઈને કાબુલ ગયો અને તેણે તે શહેર કબજે કરી લીધું. અકબરે અફઘાનિસ્તાનની વિવિધ માથાભારે જાતિઓને અંકુશમાં લેવા રાજા માનસિંહને મહત્ત્વની જવાબદારી સોંપી હતી. માનસિંહે ખૈબરઘાટમાં અલી મસ્જિદ નજીક જલાલુદ્દીનને 1586માં હરાવ્યો. તેને બીજે વર્ષે માનસિંહને બિહાર મોકલવામાં આવ્યો. ત્યાંથી ઓરિસામાં જઈને તેણે વિજયો મેળવ્યા. શાહજાદા સલીમે અકબર સામે 1602માં બળવો કર્યો હતો. ત્યારબાદ સલીમના પુત્ર ખુશરૂને અકબર પછી ગાદી મળે એ બાબતની માનસિંહે તરફેણ કરી અને અકબર સમક્ષ એવી રજૂઆત પણ કરી. માનસિંહ ખુશરૂનો મામો થતો હતો. ઉસ્માનખાને બંગાળમાં ઈ. સ. 1599માં બળવો કર્યો તે માનસિંહે દબાવી દીધો હતો. શાહજાદા સલીમ અને માનસિંહને મેવાડ પર ચડાઈ કરવા ઈ. સ. 1600માં મોકલવામાં આવ્યા હતા અને તેમણે રાણા પ્રતાપના વારસદાર અમરસિંહને હરાવ્યો હતો. ઑક્ટોબર 1605માં અકબર માંદો પડ્યો ત્યારે પણ માનસિંહે સલીમના પુત્ર ખુશરૂને ગાદી મળે તે માટે પ્રયાસ કર્યો હતો; પરંતુ તેને સફળતા મળી નહોતી. જહાંગીરના સમયમાં અહમદનગર સામેની લડાઈમાં માનસિંહ અને ખાન જહાનને મુઘલ સૈન્યની આગેવાની (1610–12) સોંપવામાં આવી હતી; પરંતુ તેમાં પણ તેને સફળતા મળી નહોતી. તે દખ્ખણમાં હતો ત્યાં જ અવસાન થયું. તેણે તે એક મહાન સેનાપતિ અને મુઘલ સામ્રાજ્યનો સમર્થક હિન્દુ હતો.
જયકુમાર ર. શુક્લ