માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ (રાક્ષસતાલ) સરોવર આવેલાં છે. અંડાકાર ધરાવતા આ સરોવરની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 24 કિમી., ઉત્તર-દક્ષિણ પહોળાઈ 18 કિમી. અને રેતાળ કંઠારપટ સહિત તેનું ક્ષેત્રફળ આશરે 518 ચોકિમી. જેટલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 4,557 મીટર જેટલી છે. દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલા સ્વચ્છ જળના સરોવર તરીકે તેની ગણના થાય છે.

વાલ્મીકિ રામાયણમાં જણાવ્યા પ્રમાણે તેની ઉત્પત્તિ બ્રહ્માના મનમાંથી થઈ હોવાનું કહેવાય છે. આ કારણે તેનું નામ માનસસરોવર પડેલું છે. ભગવાન વિષ્ણુએ તેમનો વામન-અવતાર આ સરોવરમાંથી ધારણ કરેલો હોવાનો ઉલ્લેખ વામન પુરાણમાં મળે છે. સંસ્કૃત અને પાલિ સાહિત્યમાં આ સરોવરનો ઉલ્લેખ ‘અન્નોટા’, ‘અનવટપ્પા’ સરોવર તરીકે થયો છે. તિબેટી ભાષામાં તે ‘માપામ્ ત્સો’ અને ચીની ભાષામાં ‘માનાસા લૉવુ’ નામથી ઓળખાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત, સ્કંદપુરાણ, બાણભટ્ટના ‘કાદંબરી’, કાલિદાસનાં ‘રઘુવંશ’ અને ‘કુમારસંભવ’માં તથા પાલિ-બૌદ્ધ ગ્રંથોમાં પણ માનસરોવરનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

માનસરોવરની પશ્ચિમે માત્ર 10 કિમી.ને અંતરે તેનાથી પણ મોટું, પણ અનિયમિત આકારનું રાક્ષસતાલ નામનું બીજું એક સરોવર પણ આવેલું છે. તેના ઘણા ફાંટા પર્વતની લંબાઈ મુજબ વિસ્તરેલા છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે રાવણે અહીં તપ કરેલું હોવાથી તેનું નામ રાક્ષસતાલ પડેલું છે એમ પૌરાણિક ઉલ્લેખ છે. માનસરોવરનું પાણી ગંગા નદી દ્વારા રાક્ષસતાલને જઈ મળે છે. ગંગાના નદીમાર્ગ પર અહીં ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. માનસરોવરમાંથી પ્રત્યક્ષ રીતે કઈ નદી નીકળે છે તે દેખાતું નથી. આથી કહેવાય છે કે તેનું પાણી ભૂગર્ભ માર્ગે દૂર જઈને અન્યત્ર ભૂપૃષ્ઠ પર બહાર ફૂટી નીકળે છે. આ રીતે સરયૂ, સતલજ અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ માનસરોવરમાંથી પરોક્ષ રીતે નીકળતી હોવાનું મનાય છે.

માનસરોવરનાં જળ અત્યંત નિર્મળ અને પારદર્શક છે. પારદર્શકતાની આરપાર દોઢ-બે મીટર ઊંડાઈની રેતી કે કાંકરી સ્પષ્ટ દેખાય છે. સરોવરની પૃષ્ઠભૂમિ હિમાચ્છાદિત છે. ભૂગર્ભમાં ઊતરતું પાણી આજુબાજુના ભાગોમાં ગરમ ઝરારૂપે ફૂટી નીકળે છે, પરંતુ માનસરોવરનું પાણી તો શીતળ રહે છે. આ સરોવર હંસ પક્ષીઓ માટે ખૂબ જાણીતું બનેલું છે. સાહિત્યમાં અને કાવ્યોમાં પણ આ સરોવર તથા હંસોની વાતો અને વર્ણનો જોવા મળે છે. સફેદ રાજહંસ (swan) અને બદામી રંગના હંસ અહીં વિહાર કરવા આવે છે. અહીનાં સૂર્યોદય, સૂર્યાસ્ત, ચાંદની, જળમાં પડતાં ચંદ્રનાં પ્રતિબિંબ યાત્રીઓને-પ્રવાસીઓને મુગ્ધ કરે છે. આ કારણે માનસરોવરને ‘સરોવરોની રાણી’ તરીકે નવાજેલું છે. તેનાં જળ સાગરલહેરોની જેમ ઊછળકૂદ કરે છે, લહેરોમાંથી નૂપુરના સ્વરો જેવો ધ્વનિ ઉદભવે છે, લહેરોને કારણે તેમાં પડતાં સૂર્યકિરણો પરાવર્તિત થાય છે અને અનંત સૂર્યોનો આભાસ કરાવે છે. આજુબાજુનું પહાડી મેદાન, ટેકરીઓ અને વચ્ચે આવેલા આ અપાર જળરાશિથી અહીંનું ર્દશ્ય અતિ રમણીય બની રહે છે. દિવસના સમયભેદે સૂર્યકિરણોને કારણે તેનો રંગ બદલાતો જાય છે, ક્યારેક ગાઢ લીલો, ક્યારેક સાગરવત્  નીલો તો ક્યારેક આસમાની. સૂર્યપ્રકાશને કારણે તેમાંથી નીકળતો પ્રકાશપુંજ ક્યારેક તો ઝળહળતો પણ બની જાય છે. સાંજ પડતાં તેનું ર્દશ્ય સ્વર્ગસમું સોહામણું લાગે છે. તેને કાંઠે કાંકરાવાળી રેતી અને ભીની રેતી જોવા મળે છે. સરોવરની નજીકના આજુબાજુના ભાગોમાં પોચું ઘાસ ઊગી નીકળેલું છે. રેતી અને ઘાસનું મિશ્રણ અહીં દરમાં વસતા ઉંદરોને ખૂબ પસંદ પડે છે. કાંઠા નજીક ઉંદરો અને સસલાંનાં અસંખ્ય દર આવેલાં છે. ભારતીય સંશોધક સ્વામી પ્રણવાનંદે માનસરોવર અને રાક્ષસતાલ તથા તેની આજુબાજુના ભાગોનું સંશોધનકાર્ય કરેલું છે. આ વિસ્તારમાંથી ટંકણખાર, સોનું, રેડિયમ, ટાઇટેનિયમ, લોહઅયસ્ક અને એમરી મળતાં હોવાનું જણાયું છે.

હિન્દુઓની 52 શક્તિપીઠો પૈકી માનસરોવરની પણ ગણના થાય છે. તેથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ સરોવરને ઘણું ધાર્મિક મહત્વ અપાયેલું છે. ભાવિકો અને શ્રદ્ધાળુઓના મત મુજબ આ સરોવરમાં સ્નાન કરવાથી અથવા તેના જળનું આચમન કરવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે. 80 કિમી. લંબાઈની તેની પ્રદક્ષિણા બે દિવસમાં પૂરી કરી શકાય છે. તેથી અહીં દર વર્ષે હજારો યાત્રાળુઓ, તેની પદયાત્રા કષ્ટદાયી હોવા છતાં આવે છે અને ધન્યતા અનુભવે છે. માનસરોવરથી 32 કિમી. ઉત્તર તરફ હિન્દુઓનું અતિ પવિત્ર ગણાતું કૈલાસ યાત્રાધામ આવેલું છે. હિમાલયના આ કૈલાસ વિસ્તારમાં જવા માટે ઘણી પગદંડીઓ આવેલી છે. અહીંથી અલમોડા જતો માર્ગ પણ છે. અહીં યાત્રાળુઓની સુવિધા માટે ટટ્ટુઓ અને ખચ્ચર પણ મળે છે. અહીંના આજુબાજુના ભાગોમાં જાતજાતની વનસ્પતિ પણ જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા