માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ હોય છે; પરંતુ જે પ્રજા કે લશ્કરનું મનોબળ નીચું હોય છે તે લશ્કર પાસે ગમે તેટલાં ચઢિયાતાં શસ્ત્રો કે સાધનો હોય તોપણ તે પ્રજા કે તે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા અસમર્થ નીવડે છે.

માનસિક યુદ્ધનો ઉપયોગ સામાન્ય રીતે વાસ્તવિક યુદ્ધની પૂર્વભૂમિકા બાંધવા માટે કરવામાં આવે છે અને તે માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જર્મનીમાં હિટલરના શાસનકાળ (1933–45) દરમિયાન નાઝી જર્મનીના પ્રચારમંત્રી જોસેફ ગૉબેલ્સ(1897–1945)ને હિટલર અને તેની નાઝી વિચારસરણીની છબી વિશ્વના જનમતમાં ઊંચે લઈ જવાનું કામ મુખ્યત્વે સોંપવામાં આવ્યું હતું અને તેમ કરવા માટે જર્મનીના લગભગ બધાં જ પ્રચાર-માધ્યમો તેને હસ્તક મૂકવામાં આવ્યાં હતાં. તેમાં રેડિયો અને છાપાંઓ ઉપરાંત ચલચિત્રો, નાટ્યક્ષેત્ર અને અન્ય કળાઓનાં ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

હવે વિશ્વના બધા જ દેશો માનસિક યુદ્ધના તંત્રનો ઉપયોગ ઓછાવત્તા પ્રમાણમાં કરતા હોય છે; એટલું જ નહિ, પરંતુ યુદ્ધ ઉપરાંત જ્યાં જ્યાં સ્પર્ધાનું તત્વ દાખલ કરવામાં આવે છે ત્યાં ત્યાં સામા પક્ષને નાસીપાસ કરી તેનું મનોબળ છિન્નભિન્ન કરવા માટે પણ આ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં વિશ્વ રમતસ્પર્ધાઓમાં પણ તે સવિશેષ જોવામાં આવે છે.

11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયૉર્કના વિશ્વ વ્યાપાર કેન્દ્ર (World Trade Centre) અને વૉશિંગ્ટન ખાતેના અમેરિકાના મુખ્ય લશ્કરી મથક પેન્ટાગૉન પર આતંકવાદી હુમલાઓ થયા. પછી અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી શરૂ થઈ તે દરમિયાન તેમની વચ્ચે માનસિક યુદ્ધ ચાલતું હતું જે અંતે 7 ઑક્ટોબર 2001ના રોજ વાસ્તવિક યુદ્ધમાં ફેરવાઈ ગયું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે