માનવ ભૂગોળ
પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં આપમેળે ચાલતી ક્રિયાઓ દ્વારા સર્જાતાં હોય છે. તેમાં ઉદભવતા ક્રમિક ફેરફારો પણ કુદરતને જ અધીન હોય છે; દા.ત., ભૂપૃષ્ઠની આકારિકી દર્શાવતા પર્વતો, ઉચ્ચપ્રદેશો, ડુંગરધારો, મેદાનો, ખીણો વગેરે; મહાસાગરો, સમુદ્રો, સરોવરો, નદીઓ જેવાં જળલક્ષણો; જંગલો, કુદરતી વનસ્પતિ, પ્રાણીઓ વગેરે. માનવસર્જિતમાં માનવોનો સીધો કે આડકતરો ફાળો હોય છે; દા.ત., ખેતી, પશુપાલન, ખાણકામ, ઉદ્યોગો, પરિવહન, બાંધકામ, વેપાર વગેરે. જુદા જુદા પ્રકારની માનવપ્રવૃત્તિઓમાંથી સાંસ્કૃતિક લક્ષણો તૈયાર થતાં હોય છે. સાંસ્કૃતિક પ્રદેશો તૈયાર કરવામાં જે તે પ્રદેશોમાં વસતા માનવ-સમુદાયોનો સાંસ્કૃતિક વારસો, પરંપરા મુજબની કે બદલાતી રહેતી વિચારધારાઓ તથા તે પ્રમાણે આકાર લેતી પ્રવૃત્તિઓ મહદ્અંશે જવાબદાર હોય છે. માનવ સ્વયં એક કુદરતી સર્જન છે. તેના દેશકાળના પરિવર્તન સાથે તેની સંસ્કૃતિમાં પણ પરિવર્તનો થતાં રહે છે. પૃથ્વી પરનાં બધાં જ જીવંત પ્રાણીઓમાં તેનું સ્થાન વિશિષ્ટ છે. માનવ સિવાયનાં બાકીનાં તત્વોનું મહત્વ તુલનાત્મક ર્દષ્ટિએ ગૌણ છે, અર્થાત્ પૃથ્વી પર જો મનુષ્યનું અસ્તિત્વ જ ન હોત તો અન્ય પાર્થિવ લક્ષણોનું કોઈ મહત્વ જ રહેત નહિ. આ કારણે જ માનવ ભૂગોળના અભ્યાસમાં માનવનું પ્રદાન અને મહત્વ અનેકગણાં વધી જાય છે.
ઉપર્યુક્ત સંદર્ભમાં ભૂગોળને બે શાખાઓમાં વહેંચી શકાય : પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. પ્રાકૃતિક ભૂગોળમાં ભૂપૃષ્ઠ, ભૂમિઆકારો, જમીન, વનસ્પતિ, પ્રાણીઓ, જળસંપત્તિ, ખનિજસંપત્તિ, આબોહવા, ભૂકંપ, જ્વાળામુખી વગેરે જેવાં કુદરતી લક્ષણો કે ઘટનાઓનો અભ્યાસ થાય છે; જ્યારે માનવ ભૂગોળમાં માનવોએ વિકસાવેલી સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત અને તલસ્પર્શી અભ્યાસ થાય છે. માનવ ભૂગોળમાં માનવને કેન્દ્રમાં રાખીને પૃથ્વીનાં ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
માનવ ભૂગોળના હેતુઓ : (1) માનવીએ વિવિધ પ્રદેશોમાં કરેલો રચનાત્મક અને વિનાશાત્મક વિકાસ તપાસવો. (2) માનવ અને પર્યાવરણનો સંબંધ ચકાસવો. (3) ભૂગોળની અન્ય શાખાઓ પર માનવ ભૂગોળના પ્રભાવનો અભ્યાસ કરવો.
વિષય : માનવ ભૂગોળ એ ભૌગોલિક પરિસ્થિતિ અને માનવ વચ્ચેના આંતરસંબંધોની સમજ આપતું વિજ્ઞાન છે. માનવ ભૂગોળમાં માનવીનો ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. જુદા જુદા પ્રદેશમાં વસતા માનવીની શારીરિક રચનામાં તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતોમાં વિભિન્નતા જોવા મળે છે. આ વિભિન્નતાઓનો અભ્યાસ તથા વિશ્લેષણ આ વિષયશાખામાં કરવામાં આવે છે.
માનવ ભૂગોળ વિષયની સર્વપ્રથમ શરૂઆત ફ્રાંસના ભૂગોળવેત્તા વિદાલ-દ-લા બ્લાશે (Vidal-De-La Blache) ઈ. સ. 1911માં કરી. તેમણે માનવ ભૂગોળને ભૂગોળની એક અલગ વિષયશાખા તરીકે તારવી આપી. તેમની આ વિચારસરણીને અનુમોદન આપનારા અન્ય વિદ્વાનોમાં જીન બ્રુન્સ, હંટિંગ્ટન, વ્હાઇટ, રેનર અને દિમાંજિયા વગેરેનો સમાવેશ થાય છે. માનવ ભૂગોળ વિશે વિદાલ જણાવે છે કે ‘માનવ ભૂગોળ એ પૃથ્વી સાથેના માનવના પારસ્પરિક સંબંધો અંગેનો એક નવો વિચાર રજૂ કરતું વિજ્ઞાન છે. તેમાં પૃથ્વીને નિયંત્રિત રાખનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વસતા જીવોના પારસ્પરિક સંબંધોનો વિગતે અભ્યાસ થાય છે.’ જીન બ્રુન્સ જણાવે છે કે ‘માનવ ભૂગોળમાં એક નિવાસસ્થાન તરીકે ‘પૃથ્વી’ પર માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો તથા એ પ્રવૃત્તિઓ પર અસર કરતાં પરિબળોનો અને અન્ય વિશિષ્ટ તત્વોનો સંયુક્ત રીતે તલસ્પર્શી અભ્યાસ થાય છે.’ ડૉ. એલ્સવર્થ હંટિંગ્ટનના મત મુજબ, ‘ભૌગોલિક પર્યાવરણ અને માનવીની પ્રવૃત્તિઓ તથા તેની ગુણવત્તાના પારસ્પરિક સંબંધો અને વિતરણના અભ્યાસને માનવ ભૂગોળ કહે છે.’ દિમાંજિયાના મત પ્રમાણે ‘માનવ ભૂગોળ એ મુખ્યત્વે માનવસમૂહ અને માનવસમાજના ભૌતિક પર્યાવરણ સાથેના સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.’ તેમની આ વિચારધારામાંથી જ ‘વસાહત ભૂગોળ’ (colonial geography) નામની ભૂગોળની નવી વિષયશાખા જન્મ પામી છે.
સમયાનુસાર આ વિષયશાખાનો વ્યાપ પણ વધતો ગયો છે. ઈ. સ. 1882માં જર્મન ભૂગોળવેત્તા ફ્રેડરિક રૅટ્ઝેલે (Fredrick Ratzel) ‘નૃવંશીય ભૂગોળ’ વિષયશાખાનું પુસ્તક પ્રગટ કરીને માનવ ભૂગોળનું વિશેષ મહત્વ સ્થાપી આપ્યું. ઉત્તર અમેરિકામાં માનવ ભૂગોળનો એક વિષય તરીકે વિકાસ કરી આપવામાં કુ. એલન સી. સૅમ્પલનો ફાળો મહત્વનો ગણાય છે. તેના મત પ્રમાણે ‘માનવ ભૂગોળ ક્રિયાશીલ માનવ અને પૃથ્વી વચ્ચેના પરિવર્તનશીલ પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.’
ઉપર્યુક્ત વિદ્વાનોની વિચારધારામાંથી ફલિત થાય છે કે ‘માનવ ભૂગોળ એ માનવવિકાસના વિવિધ તબક્કાઓમાં માનવીને અસર કરતા ભૌગોલિક પ્રભાવનો એક આદર્શ અભ્યાસ છે.’ અથવા એમ કહી શકાય કે માનવ ભૂગોળ માનવી અને તેના ભૌતિક પર્યાવરણના સંબંધોને ચકાસે છે. આમ આ વિષયમાં ‘માનવ’ કેન્દ્રસ્થાને મુકાય છે અને તેની તમામ પ્રવૃત્તિઓ પર પર્યાવરણની અસર સ્પષ્ટપણે વરતાય છે. આજે તો વિજ્ઞાન અને તકનીકી સહાયના વિકાસની સાથે તેમાં પણ સતત પરિવર્તન આવતું જાય છે.
વિષયવસ્તુ : પૃથ્વી પરના વિવિધ પ્રદેશોમાં વસતા માનવીઓનાં વાન, શારીરિક બંધારણ, આરોગ્ય, કાર્યક્ષમતા, આહાર, પોશાક, આવાસો, આજીવિકાનાં સાધનો, ભાષાઓ, રીત-રિવાજો, ધાર્મિક બાબતો, રાજકીય વિચારસરણીઓ, સંસ્કૃતિ વગેરેમાં વૈવિધ્ય જોવા મળે છે. આ માટે અનેક કારણો જવાબદાર લેખાય છે. તેમાંનાં કેટલાંક કારણો માનવીના ભૌતિક પર્યાવરણ સાથે અને માનવીની પોતાની પ્રકૃતિ તેમજ તેની વંશીય બાબતો સાથે સંકળાયેલાં છે. જેમ જેમ માનવી સુધરતો ગયો તેમ તેમ તેની આજીવિકાપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવતું ગયું છે. પરિણામે માનવીની જીવનશૈલી વધુ ને વધુ વ્યવસ્થિત થતી ગઈ છે. ભૌતિક સુખસગવડોની સાથે તે આરોગ્ય, સામાજિક રીતરિવાજો અને આર્થિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ જાગ્રત બન્યો છે.
સારણી 1 : ભૂગોળ વિષયનું શાખાઓમાં વર્ગીકરણ
માનવ ભૂગોળનો અન્ય શાસ્ત્રો સાથેનો સંબંધ : માનવ ભૂગોળના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને જોઈએ તો માનવ ભૂગોળને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ, નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ જેવાં વિજ્ઞાનો સાથે ગાઢ નાતો છે; તેને આધારે આજે આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, રાજકીય ભૂગોળ અને વસ્તીની ભૂગોળ જેવી શાખાઓ વિકસી છે. વસ્તી ભૂગોળને આધારે વસાહતની ભૂગોળ, શહેરી ભૂગોળ અને આરોગ્ય ભૂગોળ જેવી નવી વિષયશાખાઓ પણ રચાઈ છે.
આર્થિક ભૂગોળ : વર્તમાન આર્થિક ભૂગોળ જૂની વાણિજ્ય-ભૂગોળના પાયા પર રચાયેલી છે. આ શાખાનો વિકાસ વીસમી સદીમાં થયો છે; તેમાં ઉત્પાદન, વપરાશ, વિનિમય વગેરે જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત શાખાના અભ્યાસમાં જે તે વિસ્તારની પ્રાકૃતિક, જૈવિક, આર્થિક બાબતોને તેમજ માનવસમુદાયને પણ લક્ષમાં લેવાં પડે છે. દેશ-પ્રદેશભેદે જોવા મળતું વસ્તીવિતરણ તે તે લોકોના જીવનધોરણ વિશેની સ્પષ્ટ માહિતી આપે છે.
વસ્તી ભૂગોળ : આ વિષયશાખામાં વસ્તીવિતરણ, તેની લાક્ષણિકતાઓ, વસ્તીવૃદ્ધિ, વસ્તીપ્રમાણ અને ગીચતા, ઉંમર, જાતિ, જન્મદર, મૃત્યુદર, વ્યવસાય, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, ધર્મ, ભાષા, સ્થળાંતર વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભૂગોળવેત્તાઓ ક્યારેય સરેરાશ રાષ્ટ્રીય આંકડાઓ સાથે સહમત થતા નથી, કારણ કે પ્રાદેશિક વિવિધતા અને વિભિન્નતાઓને કારણે ધારણા કે અનુમાનો ખોટાં પડે છે; જેમ કે, દોઢ સૈકા અગાઉ રણપ્રદેશોમાં વસ્તી માત્ર રણદ્વીપોમાં જોવા મળતી હતી, વળી ત્યારે તેમનામાં કોઈ વિવિધતા પણ જણાતી ન હતી, પરંતુ આજે ખનિજતેલની શોધને કારણે રણપ્રદેશોમાં પણ વસ્તી જોવા મળે છે; તેમનામાં આમૂલ પરિવર્તન આવેલું જણાય છે. તેમની રહેણીકરણી, પહેરવેશ, આવાસો, ખોરાક વગેરે પશ્ચિમી ઢબનાં થયાં છે. આર્થિક સધ્ધરતાને કારણે સુખ-સગવડનાં સાધનોમાં વધારો થતાં આરોગ્યના પ્રશ્નો પણ ઘટ્યા છે. મૃત્યુદરમાં ઘટાડો અને જન્મદરમાં વધારો થયેલો સ્પષ્ટપણે જોવા મળે છે. આર્થિક રીતે સમૃદ્ધ થયેલા દેશોની ખેતીની રીતમાં બદલાવ આવ્યો છે. તેની સાથે ઉદ્યોગો, પરિવહન અને વેપારમાં પણ વૃદ્ધિ થઈ છે. ઊર્જા(શક્તિ)નાં સાધનો અને શહેરીકરણમાં સુધારો થતાં નોકરીઓમાં સવલતો વધી છે. આ બધી જ બાબતો વસ્તી ભૂગોળ સાથે સંકળાયેલી છે. વસ્તી ભૂગોળના વિષયના પ્રણેતા જૉન આઇ. ક્લાર્ક જણાવે છે કે ‘દરેક દેશને વસ્તીને લગતા જુદા જુદા પ્રશ્નો હોય છે, જે ધર્મ, જાતિ, સ્થળાંતર, ગીચતા કે આર્થિક બાબતો સાથે સંકળાયેલા હોય છે.’
શહેરી ભૂગોળ : જર્મન ભૂગોળવેત્તા વૉલ્ટર ક્રિસ્ટલર શહેરી ભૂગોળના પ્રણેતા ગણાય છે. વસાહત ભૂગોળની આ શાખા સાંસ્કૃતિક ભૂગોળની સાથે વધુ સામ્ય ધરાવે છે. શહેરીકરણમાં ભૌગોલિક, આર્થિક, રાજકીય અને સામાજિક બાબતોને સાંકળી લેવામાં આવે છે. આજે તો શહેરીકરણ માટે વિસ્તાર, વસ્તી, પરિવહન, ઔદ્યોગિકીકરણ જેવી બાબતોને પણ લક્ષમાં લેવાય છે. આ બધા જ મુદ્દાઓ માનવ સાથે સંકળાયેલા છે. જ્યાં વસ્તી દસ લાખ કરતાં વધુ હોય તે વિસ્તારને મહાનગર કહે છે. શહેરોમાં તો ભૌતિક વિસ્તરણપ્રક્રિયા નિરંતર ચાલતી હોય છે. કેટલીક ગ્રામીણ વસાહતોનો જો શહેરમાં સમાવેશ કરવામાં આવે તો તેને ‘બૃહદ નગરક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોનો વિકાસ ઝડપી હોય તો ત્યાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે અને આ ક્રિયા સઘન બને તો થોડા થોડા અંતરે મોટાં શહેરોની શૃંખલા રચાતાં તે વિસ્તાર ‘મેગાલોપૉલિસ’ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મહેસાણાથી સૂરત સુધીના વિસ્તારને ‘મેગાલોપૉલિસ’ તરીકે ઓળખાવી શકાય.
રાજકીય ભૂગોળ : આ વિષયશાખાની રચનામાં જર્મનીના ફ્રેડરિક રૅટ્ઝેલ, બ્રિટનના સર હૅલફર્ડ અને જૉન મૅકિન્ડરનો ફાળો મહત્વનો છે. આ વિષયશાખા રાજકીય વિસ્તાર (સીમા-સરહદો) સાથે સંકળાયેલી છે. કેટલીક સીમા કુદરતી તો કેટલીક સીમાઓ કૃત્રિમ હોય છે. આ સરહદો રાજકીય તાકાતને આધારે બદલાતી રહે છે; તેથી કેટલાંક નવાં રાજ્યો (કે પ્રદેશો) રચાય છે અથવા બીજાંમાં ભળી જાય છે. આને કારણે ત્યાંની વસ્તી પર પણ તેની અસર સ્પષ્ટ વરતાય છે. દેશ-પ્રદેશમાં કાર્ય કરતી સરકાર બધે જ એકસરખી વિચારસરણીવાળી હોય એવું સામાન્ય રીતે તો બનતું નથી. આવા દેશો ઝડપી આર્થિક વિકાસ સાધી શકતા નથી. પરિણામે તેની અસર ત્યાંના નાગરિકો પર થાય છે. આ માટે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેટલે અંશે જવાબદાર છે એ પ્રશ્ન પણ ધ્યાનમાં રખાય છે. આવી બાબતો માનવો સાથે સંકળાયેલી હોવાથી આ વિષયશાખાનો માનવ ભૂગોળમાં સમાવેશ કરેલો છે.
સાંસ્કૃતિક અને સામાજિક ભૂગોળ : આ વિષય-શાખાઓમાં સંસ્કૃતિ, તેનો વિસ્તાર, સાંસ્કૃતિક ભૂમિર્દશ્યો, સાંસ્કૃતિક ઇતિહાસ અને સાંસ્કૃતિક પર્યાવરણ જેવી મહત્વની પાંચ બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં સાંસ્કૃતિક વિતરણ, સમયગાળો, તત્ત્વો, સાધનો, તક્નીકી બાબતો, રીતરિવાજો, ભાષાઓ અને ધર્મોનો પણ અભ્યાસ થાય છે. આ સાથે તે સમયની ભૌગોલિક પરિસ્થિતિ, જીવસૃષ્ટિ તેમજ માનવીય પ્રવૃત્તિઓને પણ સાંકળી લેવાય છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના અભ્યાસ-સમયે તે સમયની ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં રખાય છે. તાજેતરમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ધોળાવીરા ખાતેથી પ્રાચીન નગરના જે અવશેષો પ્રાપ્ત થયા છે તે મોહેં-જો-દડો (પાકિસ્તાન) કરતાં પણ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આ સંસ્કૃતિ કઈ પરિસ્થિતિમાં નિર્માણ પામી હશે અને કયાં કારણોસર તે લુપ્ત થઈ હશે એવા પ્રશ્નોના ઉત્તર મેળવવામાં આ શાખા મદદરૂપ બની શકે છે.
સામાજિક ભૂગોળ મોટેભાગે શહેરી પ્રશ્નો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. શહેરી પ્રશ્નો મોટેભાગે સ્ત્રીઓ, વૃદ્ધો તેમજ ગરીબ અને લઘુમતી પ્રજા સાથે વણાયેલા છે. આજે તો શહેરોમાં ગુનાખોરી અને માનસિક અસમતોલપણાને લગતા અનેક પ્રશ્નો પણ ઉદભવેલા જોવા મળે છે.
ઐતિહાસિક ભૂગોળ : આ વિષયશાખામાં પ્રાચીન સમયમાં સ્થપાયેલાં રાજ્યો, ત્યાં બનેલાં સ્થાપત્યો, ચિત્રો, ઐતિહાસિક નોંધો, તે સમયનું નાણું, શસ્ત્રો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉપર્યુક્ત બાબતો માટે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતે જવાબદાર બની હશે ? – વગેરે જેવી બાબતોને આ વિષયશાખામાં સાંકળી લેવામાં આવે છે. આજે તો આરોગ્ય ભૂગોળ, ગુનાઓની ભૂગોળ, વંશીય ભૂગોળ જેવી શાખાઓને પણ માનવ ભૂગોળ સાથે સાંકળી લેવામાં આવી છે.
વંશીય ભૂગોળ : માનવ ભૂગોળમાં વંશ કે જાતિનો અર્થ જોઈએ તો જે માનવસમુદાય વંશપરંપરાગત ઊતરી આવેલો હોય, જેમાં લોહીનો સંબંધ અને વારસાગત ગુણો ઊતરેલા હોય તેમજ જે સમુદાય સમાન દેખાવ, રૂપ, રંગ, ઊંચાઈ અને કદ ધરાવતો હોય એવા સમુદાયને આપણે વંશ કે જાતિ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત, બાહ્ય રીતે જે માનવોની શરીરરચના એકસરખી હોય, જેમનો બાંધો, માથાના વાળ, આંખ, નાક, ગાલ કે ચહેરો તથા ચામડીનો વર્ણ એકસરખાં હોય એવાં લક્ષણો એક માનવજાતિ કે વંશનાં હોવાનું કહેવાય છે.
વિશ્વમાં મુખ્ય ત્રણ જાતિઓના લોકો જોવા મળે છે : શ્વેત ચામડીવાળા કૉકેસૉઇડ (caucasoid), પીળી ચામડીવાળા મૉંગોલૉઇડ (mongoloid) અને કાળી ચામડીવાળા નીગ્રો (negro).
કૉકેસૉઇડ : આ જાતિના લોકો શ્વેત વર્ણ, વધુ ઊંચાઈ અને સુંદર ચહેરો ધરાવે છે. તેમનો બાંધો મજબૂત અને શરીર પડછંદ હોય છે. આ પ્રજા બુદ્ધિશાળી સાહસિક અને વેપારી તરીકે જાણીતી બની છે. આ લોકો મુખ્યત્વે યુરોપ, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં વસવાટ કરે છે. સાઇબીરિયન અને સેમૉઇડ પ્રજાનો પણ આ જાતિમાં સમાવેશ થાય છે.
મૉંગોલૉઇડ : આ જાતિના લોકો પીળો વર્ણ, ત્રાંસી આંખો, બેસી ગયેલા ગાલ અને ઓછી ઊંચાઈ ધરાવે છે. આ જાતિના લોકો મૉંગોલિયા, મંચુરિયા, ચીન, જાપાન, કંપુચિયા (કંબોડિયા), ફિલિપાઇન્સ, લાઓસ, વિયેટનામ, મ્યાનમાર, મેઘાલય, મણિપુર, સિક્કિમ, ભૂતાન અને નેપાળમાં જોવા મળે છે. તેઓ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને રૂઢિચુસ્તતા ધરાવે છે. તેઓ સ્થાપત્ય અને કલાકારીગીરીમાં પણ નિપુણ હોય છે.
નિગ્રો : આ જાતિના લોકોની ચામડીનો રંગ વધુપડતો કાળો હોય છે. ઓછી ઊંચાઈ, નાની આંખો, વાંકડિયા વાળ અને ખડતલ શરીર એ તેમનાં દૈહિક લક્ષણો છે. આંતરરાષ્ટ્રીય રમતોમાં તેમનો દેખાવ પ્રશંસનીય હોય છે. તેઓ પોતાના ધર્મ અને વંશ પ્રત્યે લાગણીવાળા છે તથા તે માટે ક્યારેક ઝનૂની પણ બની જાય છે. તેમની મુખ્ય જાતિઓમાં પિગ્મી, બોરો, બુશમૅન, મસાઈ, બાન્ટુ, ઉલાંગી, સેમાંગ અને સકાઈનો સમાવેશ થાય છે. આ પ્રજા મોટેભાગે ઉત્તર-દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા તેમજ ઑસ્ટ્રેલિયાના પ્રદેશોમાં જોવા મળે છે.
માનવજાતિઓના વર્ગીકરણને વિવિધ રીતે રજૂ કરવામાં ગ્રિફિથ ટેલર, ડૉ. એ. એલ. કોબર, એ. સી. હંડાન, રોલૅન્ડ ડિક્સન, હર્બર્ટ અને ડૉ. જે. બેડોન જેવા નૃવંશશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને ભૂગોળવેત્તાઓનો ફાળો પ્રશંસનીય ગણાવી શકાય.
ભાષા અને ધર્મ : વિશ્વમાં અનેક જાતિજૂથો વસે છે. દરેકને પોતાની આગવી લાક્ષણિકતાઓ છે. તે જાતિજૂથોને ઓળખવામાં ભાષા, ધર્મ અને રીતરિવાજોને માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. કોઈ પણ આંતરક્રિયામાં ભાષા એ સૌથી વધુ ઉપયોગી બની રહેતું સરળ માધ્યમ છે. તે માનવસમૂહોને પરસ્પર સાંકળી રાખે છે. અનેક પેઢીઓ વચ્ચે તે સાંસ્કૃતિક સેતુ સમાન બની રહે છે. વિચારોને ફેલાવવામાં તથા તેના દ્વારા રાજકીય, સામાજિક અને ધાર્મિક તેમજ વહીવટી પ્રણાલિકાઓને ટકાવી રાખવામાં ભાષા એક મહત્વનું સાધન પુરવાર થયેલું છે. આજે તો ભાષા એ વ્યવસ્થિત અભ્યાસ માટેની એક સ્વતંત્ર અને વ્યાપક શાખા બની રહી છે. ભાષા પરંપરાગત રીતે બોલાતી અને લખવામાં આવતી ચિહ્નપ્રણાલી છે. વિશ્વભરમાં આજે 6,000 જેટલી ભાષાઓ બોલાય છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ચીની (મંદારી), અંગ્રેજી, હિન્દી, રશિયન અને સ્પેનિશનો સમાવેશ થાય છે. ભારતમાં મુખ્ય સત્તર ભાષાઓ બોલાય છે. ગુજરાતમાં દસ ભાષાઓનું પ્રભુત્વ વધુ છે. ભારતની સરખામણીમાં આફ્રિકાનો નાઇજીરિયા દેશ વિસ્તારમાં ઘણો નાનો છે, છતાં ત્યાં 250 જેટલી ભાષાઓ પ્રચલિત છે.
ભાષાની જેમ ધર્મ પણ એક પ્રકારની સામૂહિક ઓળખાણ છે. ધાર્મિક માન્યતાઓની અસર માનવીના ખોરાક, પહેરવેશ જેવી બાબતો પર પણ થાય છે. વિશ્વમાં આજે અનેક ધર્મો પ્રચલિત છે, તેમાં હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ, બૌદ્ધ, જુડા, તાઓ, શિન્ટો, કોન્ફ્યૂશિયસ તેમજ અન્ય પરંપરાગત ધર્મોનો સમાવેશ થાય છે. દરેક ધર્મમાં પોતપોતાના આગવા રીતરિવાજો, ખોરાક, પોશાક અને તહેવારોનું વૈવિધ્ય હોય છે. આ બધાંમાં ભૌગોલિક પરિબળોની અસર સ્પષ્ટપણે તરી આવે છે.
પૃથ્વી પર વસવાટ કરતા માનવીઓમાં પ્રદેશભેદે ભાષા, ધર્મ અને રીતરિવાજોની વિવિધતા જોવા મળે છે; તેમ છતાં બે પ્રદેશો વચ્ચે જોજનો દૂરનું અંતર હોય તોપણ ઘણુંબધું સામ્ય પણ જોવા મળતું હોય છે, તેનું મુખ્ય કારણ માનવોએ કરેલું સ્થળાંતર છે. માનવોના સ્થળાંતર માટે ભૌગોલિક, આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો જવાબદાર ગણાય છે. સ્થળાંતર પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હોઈ શકે છે.
સારણી 2 : સ્થળાંતરનાં પરિબળો
ભૌતિક | સામાજિક | આર્થિક | રાજકીય |
(i) આબોહવા તાપમાનમાં પરિવર્તન | (i) ધાર્મિક અત્યાચાર | (i) ભૌગોલિક શોધયાત્રા | (i) સરકારી નીતિ |
(ii) ભૂકંપ કે જ્વાળામુખી પ્રસ્ફુટન | (ii) રંગભેદની નીતિ | (ii) નવજાગૃતિ | (ii) સત્તાપલટો |
(iii) પાણીની તંગી | (iii) પરિવહન | (iii) કરારો | |
(iv) જમીનની ફળદ્રૂપતાનો નાશ | (iv) ખનિજસંપત્તિ | ||
(v) ઔદ્યોગિક વિકાસ |
સ્થળાંતર અને તેનો પ્રભાવ : પ્રાચીન સમયથી માનવી પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે અન્ય દેશો કે પ્રદેશોમાં જઈને પ્રભુત્વ મેળવવા પ્રયાસ કરતો. આથી ત્યાં વસવાટ કરતા સ્થાનિક લોકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડતું. સંઘર્ષની સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થતું. ભૂતકાળમાં યુરોપ અને એશિયામાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ભારતમાં ઈરાનના પારસીઓ, આરબો, અફઘાનો, મુઘલો, પૉર્ટુગીઝો, ફ્રેન્ચ અને અંગ્રેજ પ્રજાનું સ્થળાંતર આવાં જ કારણોને લીધે થયું હશે એવું ઇતિહાસકારોનું માનવું છે. ગુજરાતમાં વસતી પ્રજા પણ બહારથી જ આવેલી છે. આવા સ્થળાંતરને કારણે બહારથી આવેલી પ્રજા ત્યાંની મૂળ સંસ્કૃતિ પર પ્રભાવ પાડીને પોતાનું પ્રભુત્વ સ્થાપે છે અથવા તો પોતાની સંસ્કૃતિ ત્યજીને ત્યાંની મૂળ સંસ્કૃતિ સ્વીકારી લે છે. આમ સંસ્કૃતિના આદાન-પ્રદાનને કારણે સામાજિક પરિવર્તનનું નિર્માણ થાય છે. તેની સાથે ધર્મયુદ્ધો, ધર્મસુધારણા, ભૌગોલિક શોધયાત્રા અને નવજાગૃતિ અસ્તિત્વમાં આવે છે. આજે તો બુદ્ધિધનનું સ્થળાંતર થતાં કેટલાક દેશો ઝડપી પ્રગતિ કરી શક્યા છે અને આર્થિક ર્દષ્ટિએ વધુ સમૃદ્ધ થયા છે. આર્થિક ર્દષ્ટિએ સમૃદ્ધ થવાથી તેઓ લશ્કરી અને રાજકીય પ્રભુત્વ પણ મેળવી શક્યા છે. યુ. એસ. આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે.
આમ, માનવ ભૂગોળની વિષયશાખામાં માનવી સાથે સંકળાયેલ ભૌગોલિક-સાંસ્કૃતિક પરિબળોનો સંદર્ભસંબંધ કેન્દ્રસ્થાને જોવા મળે છે.
નીતિન કોઠારી