માનવવસાહતો : સામૂહિક જીવન ગાળનારાં કુટુંબોનાં નિવાસસ્થાનો. એક કે તેથી વધુ કુટુંબો પોતાની જરૂરિયાત પ્રમાણે રહેઠાણો, અન્ય મકાનો, શેરી-રસ્તાઓ વગેરે બાંધીને, પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જીવનજરૂરિયાતો મેળવવાના હેતુથી વસવાટ કરે છે, ત્યારે તેવા ભૌગોલિક એકમને ‘માનવવસાહત’ કહેવામાં આવે છે.

ઘરો કે કુટુંબોની (વસ્તીની) સંખ્યાને આધારે નાનું ગામડું (hamlet), ગામડું (village), કસબો (town), નગર (city), મહાનગર (metropolis), વિરાટનગર (megacity) – એ બધાં માનવવસાહતોના પ્રકારો છે.

માનવવસાહતના સ્થાનીકરણનાં પરિબળો : (1) પ્રાકૃતિક અથવા કુદરતી પરિબળો : તેમાં પ્રદેશનું ભૂપૃષ્ઠ, જમીનો, જળસ્વરૂપો, આબોહવા, વનસ્પતિ, પ્રાણીજીવન, ખનિજસંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે.

માનવસમુદાયોએ પૃથ્વીની સપાટી પર જુદાં જુદાં સ્થાનો પસંદ કરીને વિવિધ પ્રકારની માનવવસાહતો સ્થાપી છે. એ કારણે જ દરેક માનવવસાહતનાં સ્વરૂપ અને કાર્યમાં જે તે સ્થળ કે પ્રદેશની પરિસ્થિતિની ભાત ઊપસી આવે છે; જેમ કે, ભારતના ગંગાના મેદાનમાં આવેલી વસાહતો, હિમાચલ પ્રદેશના પર્વતીય ઢોળાવો કે તેની ફળદ્રૂપ ખીણોમાં આવેલી વસાહતો, થરપારકર જેવા ગરમ રણમાં કે ઉત્તર સાઇબીરિયા જેવા ઠંડા રણમાં આવેલી વસાહતો, ઍમેઝોનનાં જંગલો કે શંકુદ્રુમ જંગલોની વસાહતો અને મધ્યપૂર્વનાં ખનિજ-તેલનાં ક્ષેત્રોમાં આવેલી વસાહતો – એ દરેકનાં સ્થાનીકરણમાં જે તે પ્રદેશની પ્રવર્તમાન કુદરતી પરિસ્થિતિનો પ્રભાવ દેખાઈ આવે છે.

(2) સાંસ્કૃતિક પરિબળો : તેમાં ખેતી, પશુપાલન, વન્યપ્રવૃત્તિ, શિકાર જેવી પ્રાથમિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઉદ્યોગો, વેપાર, વાહનવ્યવહાર, વહીવટી કાર્ય વગેરેનો સમાવેશ થાય છે.

ઉત્તમ જમીન અને અનુકૂળ આબોહવા જેવી પરિસ્થિતિ મળી  રહેતાં માનવ-સમુદાયો ખેતી કરવા પ્રેરાય છે. દુનિયાની મોટાભાગની વસ્તી ખેતીમાં રોકાયેલી હોઈ, દરેક ભૂમિખંડના ખેતીવાળા પ્રદેશોમાં ખેતી-પ્રવૃત્તિ પર આધારિત સંખ્યાબંધ ગ્રામીણ વસાહતો ઊભી થયેલી છે.

ખેતીની જેમ પશુપાલન, શિકાર કે વન્ય પ્રવૃત્તિમાં રોકાયેલા માનવસમુદાયો પણ તેમની જરૂરિયાત પ્રમાણે નિવાસસ્થાનો તૈયાર કરીને સમૂહમાં કે છૂટાછવાયા વસે છે. એ રીતે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવેલી છે. ઘાસચારાની શોધમાં ઢોરઢાંખર સાથે ભટકતી ગુજરાતની વણજારા જાતિ તંબુઓ જેવાં નિવાસસ્થાનોમાં અસ્થાયી જીવન ગુજારે છે; તો બીજી બાજુ ડેન્માર્ક કે ન્યૂઝીલૅન્ડમાં વૈજ્ઞાનિક રીતે થતી પશુપાલન-પ્રવૃત્તિના અનુષંગે આધુનિક ગ્રામીણ વસાહતો પણ વિકસી છે. શંકુ-જંગલોમાં શિકાર જેવી મુખ્યપ્રવૃત્તિ પર આધારિત કેટલીક ગ્રામીણ વસાહતો વસી છે. જે પ્રદેશોમાં પહેલી જ વાર નવો ઉદ્યોગ સ્થપાય છે ત્યાં તે ઉદ્યોગ-કેન્દ્રની આસપાસ અથવા તો વાહનવ્યવહારની સુગમતા કરીને થોડેક દૂર નવી વસાહત સ્વાભાવિક ક્રમે જ ઊભી થાય છે; જેમકે, વડોદરા પાસે કોયલી રિફાઇનરી સ્થપાતાં ત્યાં નવી વસાહત ઊભી થયેલી જોવા મળે છે.

ઉદ્યોગની જેમ વેપાર જેવું પરિબળ જે તે પ્રદેશમાં નવી વસાહત ઊભી કરે છે તેમજ ગ્રામીણ કે શહેરી વસાહતને નવું રૂપ પણ આપે છે; જેમકે, ભારત સરકારે કંડલા બંદર-વિસ્તારને ‘મુક્ત વ્યાપાર પ્રદેશ’ જાહેર કર્યો તે પછી આ વ્યાપાર-પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી નવી વસાહતો સ્થપાયેલી છે. એવી જ રીતે વિવિધ પ્રકારના વાહનવ્યવહાર-માર્ગોની અનુકૂળતા ધરાવતાં કેન્દ્રો પાસે ગ્રામીણ કે શહેરી વસાહતો ઊભી થઈ છે; જેમ કે મુંબઈ એક બંદર હોવાથી તથા પૉર્ટ સૈયદ સુએઝ નહેર આગળ હોવાથી ત્યાં વસાહતો સ્થપાયેલી છે. વહીવટી જરૂરિયાત માટે વસાહત ઊભી થઈ હોય તેનું ઉદાહરણ ગાંધીનગર છે, તો શૈક્ષણિક હેતુ માટે સ્થપાયેલી વસાહતનું ઉદાહરણ વલ્લભવિદ્યાનગર છે. આ રીતે આનંદ-પ્રમોદનાં કેન્દ્રો તરીકે ચોરવાડની, ધાર્મિક સ્થળો તરીકે દ્વારકા, ડાકોર વગેરેની તેમજ લશ્કરી થાણા તરીકે દહેરાદૂનની વસાહતોનો નિર્દેશ પણ અહીં કરવો જોઈએ.

માનવવસાહતોના પ્રકાર : પ્રત્યેક વસાહતને તેના સ્થાનીકરણ અને વિકાસમાં પોતાની કોઈ ને કોઈ વિશિષ્ટતા હોય છે. તે જોતાં સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિને આધારે વસાહતોના બે પ્રકાર પડે છે : (1) છૂટીછવાઈ વસાહત, (2) સામૂહિક, કેન્દ્રિત કે સંગઠિત વસાહત.

(1) છૂટીછવાઈ કે પ્રકીર્ણ વસાહતો : છૂટીછવાઈ વસાહતોમાં આવાસો (ઘરો કે ઝૂંપડાં) દૂર દૂર આવેલાં હોય છે. બે મકાનો વચ્ચે અંતર વધુ હોય છે. દુનિયાના ઘણા વિસ્તારોમાં આવી છૂટીછવાઈ કે અટૂલી વસાહતો આવેલી છે. સામાન્ય રીતે પર્વતીય ઢોળાવો પર કે ઉચ્ચ પ્રદેશોમાં, વેરાન રણપ્રદેશોમાં તેમજ જંગલપ્રદેશોમાં આવી વસાહતો વધુ જોવા મળે છે.

(2) સામૂહિક, કેન્દ્રિત કે સંગઠિત વસાહતો : મનુષ્યો સમૂહમાં રહેવાનું વધુ પસંદ કરે છે; કારણ કે તેમ કરવાથી તેને બહારના ભય કે આક્રમણથી રક્ષણ મળે છે, વળી એકબીજાંની હૂંફ કે મદદ મળે છે. કેન્દ્રિત વસાહતોમાં ઘર કે મકાનો નજીક નજીક હોય છે અને કુટુંબ કે ઘરોની સંખ્યા પણ વધુ હોય છે; જેથી તે કેન્દ્રિત કે સંગઠિત વસાહત તરીકે ઓળખાય છે. કેન્દ્રિત કે સામૂહિક વસાહતોને તેમનાં કદ, રચના અને કાર્યોના આધારે મુખ્ય બે પેટાપ્રકારમાં વહેંચાય છે : (1) ગ્રામીણ વસાહત, (2) શહેરી વસાહત.

(1) ગ્રામીણ વસાહત : ખેતીપ્રવૃત્તિ કેન્દ્રિત કે સામૂહિક ગ્રામીણ વસાહતનું મુખ્ય લક્ષણ છે. આવી વસાહતોમાં મુખ્યત્વે ખેડૂતો વસે છે. તેમનો ખેત-પ્રદેશ અને ઢોરઢાંખર સાથે ગાઢો સંબંધ હોય છે અને ખેત-પેદાશોનું ઉત્પાદન કરવું તે તેમનું મુખ્ય કાર્ય હોય છે.

(2) શહેરી વસાહત : ઉદ્યોગ, વેપાર, વાહનવ્યવહાર કે વહીવટી કાર્ય જેવી પ્રવૃત્તિઓએ ઘણીખરી શહેરી વસાહતોનું નિર્માણ કર્યું છે. પ્રત્યેક શહેરી વસાહતને પોતાનું નિશ્ચિત ‘વ્યવહારક્ષેત્ર’ હોય છે અને શહેરના ક્રમિક વિકાસ સાથે તે વ્યવહારક્ષેત્રમાં પણ ફેરફારો થતા રહે છે. શહેરના ક્રમિક વિકાસથી એક તરફ તેનું વ્યવહારક્ષેત્ર વિસ્તરે છે, તો બીજી તરફ તે વિસ્તારના વ્યવહારક્ષેત્રને લીધે શહેર પોતે પણ વિકસે છે.

શહેરનાં કદ-વિસ્તાર, આકાર, વસ્તી-પ્રમાણ, પ્રવૃત્તિઓ વગેરે લક્ષણોને આધારે દુનિયાની શહેરી વસાહતોનું અલગ અલગ રીતે વર્ગીકરણ થયું છે.

નીતિન કોઠારી