માનવપ્રજાઓ (human races) : સરખાં આનુવંશિક તત્વો ધરાવતાં પ્રજાજૂથો. માનવપ્રજાઓમાં શારીરિક દેખાવ–ચામડીનો રંગ, માથાના વાળ અને તેનો આકાર, આંખોની રચના અને તેનો રંગ, નાકની લંબાઈ-પહોળાઈ, હોઠનું જાડાપણું-પાતળાપણું, ચહેરો, ઊંચું-નીચું કદ વગેરે શારીરિક લક્ષણોને કારણે કેટલાક સ્પષ્ટ ભેદ દેખાય છે. આવી શારીરિક ખાસિયતોના–લક્ષણોના અભ્યાસીઓ બે ભેદ પાડે છે : (1) અનિશ્ચિત લક્ષણો : તેમાં ચામડીનો રંગ, દેખાવ, વાળનો રંગ તથા આકાર, આંખોનો રંગ તથા ઘાટ, ચહેરાનો ઘાટ વગેરે શરીરના બાહ્ય દેખાવનો સમાવેશ થાય છે. (2) નિશ્ચિત લક્ષણો : તેમાં માનવમિતિ (anthropometry) દ્વારા શરીરનાં જુદાં જુદાં અંગોનો – મનુષ્યનું કદ, ખોપરીની લંબાઈ-પહોળાઈનો તુલનાંક, નાકની લંબાઈ-પહોળાઈનો તુલનાંક તથા રક્તજૂથો વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં શારીરિક લક્ષણો જન્મજાત, પેઢી-દર-પેઢી, આનુવંશિક રીતે શારીરિક વારસાસ્વરૂપે મળે છે. તેની પર કોઈ પ્રકારનાં સાંસ્કૃતિક, સામાજિક કે ભૌતિક પરિબળોની અસર થતી નથી. દરેક સમૂહના આચાર-વિચાર, સંસ્કારો–રિવાજો કે સાંસ્કૃતિક પરિસ્થિતિ શીખી શકાય છે. તે જન્મજાત કે વારસાગત હોતાં નથી; એ સાંસ્કૃતિક ભિન્નતાને લીધે હોય છે. માનસિક, બૌદ્ધિક કે સાંસ્કૃતિક વિકાસનો સંબંધ શારીરિક આનુવંશિકતા સાથે નથી. સાંસ્કૃતિક વારસો બદલી શકાય છે, જ્યારે શારીરિક વારસો સ્વપ્રયત્નથી બદલી શકાતો નથી. માનવશરીરરચના-લક્ષણોમાં જે ભિન્નતાઓ પેદા થયેલી દેખાય છે તે લાખો વર્ષોના સમયને અંતરે (1) જનીનતત્વોમાં આકસ્મિક ઉત્પરિવર્તન (mutation), (2) કુદરતી પસંદગી (selection), (3) અનુકૂલન (adaptation), (4) સ્થળાંતર (migration) અને (5) અલગતા (isolation) જેવાં પરિબળોથી શક્ય બને છે.

માનવના શારીરિક દેખાવમાં જોવા મળતી વિવિધતાને તપાસી તેનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શારીરિક લક્ષણોને આધારે કેટલાંક જાતિજૂથો દર્શાવવાનો પ્રયત્ન થયો છે. અભ્યાસીઓ આ આનુવંશિક તત્ત્વો, લક્ષણોને આધારે કોકેસૉઇડ, મૉંગોલૉઇડ અને નીગ્રૉઇડ – એમ ત્રણ ભેદ દર્શાવે છે. કેટલાક ચોથો ભેદ ઑસ્ટ્રોલૉઇડનો પણ દર્શાવે છે. જેકબ અને સ્ટર્ન જેવા માનવ-શાસ્ત્રીઓ વધુ ઝીણવટ દર્શાવી કુલ અગિયાર જાતિજૂથો દર્શાવે છે :

(1) કોકેસૉઇડ : તેઓ ગોરી ચામડીના હોય છે. તેઓ લાંબું તથા પહોળું માથું, મધ્યમથી વધુ ઊંચાઈ, પાતળું અને સાંકડું નાક ધરાવે છે. તેમની આંખનો રંગ ભૂરો હોય છે. તેમના માથાના વાળ વાંકડિયા, સોનેરી કે આછા ભૂખરા હોય છે. તેમના શરીરે વાળનું પ્રમાણ વધુ હોય છે.

પ્રાદેશિક ભૂમિકાએ આનાં ત્રણ પેટાજૂથો દર્શાવાય છે : (ક) આલ્પ્સપ્રદેશીય : તેમાં યુરોપના મધ્ય ફ્રાન્સથી પશ્ચિમ એશિયા સુધીના પ્રદેશનો સમાવેશ થાય છે. તેમાં ભારતના ગુજરાતનો, ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગનો, બિહાર તથા મધ્ય ભારત વગેરેનો સમાવેશ થાય છે. (ખ) ભૂમધ્યસમુદ્રીય : તેમાં સ્પેનથી માંડીને મૉસ્કોથી આગળ પૂર્વ દિશામાં અને ભારત સુધી ફેલાયેલા વિસ્તારનો સમાવેશ થાય છે. (ગ) યુરોપીય : તેમાં મૂળ સ્કૅન્ડિનેવિયા, બાલ્ટિક પ્રદેશ, બ્રિટિશ ટાપુઓથી માંડીને ભારતના કાશ્મીરનો, પંજાબના પશ્ચિમ ભાગનો તથા રાજસ્થાન-વિસ્તારનો સમાવેશ થાય છે.

(2) મૉંગોલૉઇડ : તેઓ પીળી ચામડી, ચપટું નાક, પહોળું માથું અને સીધા, કાળા વાળ ધરાવે છે. તેમના શરીર પર વાળનું પ્રમાણ ઓછું હોય છે. તેમની આંખ ત્રાંસી-કાળી હોય છે. તેમાં ચીન, જાપાન, ઇન્ડોનેશિયા અને ભારતના ઉત્તર-પૂર્વ-પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. એમાં ત્રણ પેટા ભાગો પડે છે : (i) એશિયાવાસી મૉંગોલ, (ii) ઇન્ડોનેશિયા તથા મલાયાવાસી મૉંગોલ, (iii) અમેરિકી રેડ ઇન્ડિયન જાતિ.

(3) નીગ્રૉઇડ : તેઓની ચામડી કાળી હોય છે. તે પહોળું નાક, મોટા તથા જાડા હોઠ અને નીચું અથવા તો વધુ ઊંચું કદ ધરાવતા હોય છે. તેમનાં જડબાં પહોળાં અને વાળ ઊન જેવા કાળા હોય છે. તેમનું મૂળ વતન આફ્રિકા મનાય છે. આફ્રિકાના દક્ષિણ સહરાથી માંડીને કેપ ઑવ્ ગુડ હોપ સુધીનો વિસ્તાર તેમનો છે.

(4) કૉંગો અથવા મધ્ય આફ્રિકાવાસી વામન : તેઓ મધ્યમ કદ, કાળો રંગ, આગળ નીકળેલું માથું તથા વાંકડિયા વાળ ધરાવે છે. તેમના શરીર પર વધુ પ્રમાણમાં વાળ હોય છે. તેમની ઊંચાઈ 150 સેમી.થી ઓછી હોય છે. તેમને ‘આફ્રિકન હબસી’ પણ કહે છે.

(5) સુદૂર પૂર્વના વામન : તેમની ચામડીનો રંગ વધુ કાળો, તેમના માથાના વાળ ઊન જેવા, તેમના હોઠ મોટા અને ઊંચાઈ 150 સેમી. જેટલી હોય છે. તેમના શરીર પર વાળ ઓછા હોય છે. તેમનું મૂળ વતન આંદામાન ટાપુઓ છે. આ ઉપરાંત લુઝોન, મિન્ડાનાઓ તથા ફિલિપાઇનના ટાપુઓમાં તથા મલાયા ટાપુઓમાં તેઓ વિસ્તર્યા છે.

(6) બુશમૅન, હૉટેનટૉટ : તેઓ કદમાં ઠીંગણા હોય છે. તેમની ઊંચાઈ 150 સેમી.થી ઓછી હોય છે. તેમની ચામડી ઘેરા કાળાથી મધ્યમ કાળી, આંખો મૉંગોલ જેવી ત્રાંસી અને જાંઘ અને નિતંબ ઉન્નત અને ભરાવદાર હોય છે. તેથી ‘ઉન્નતનિતંબતા’ તેમનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે.

(7) મેલેનિશિયન : તેમનો રંગ કાળો હોય છે. તેમને અત્યંત વાંકડિયા વાળ, ઊપસેલું જડબું, ગોળ માથું, પહોળું નાક હોય છે. તેઓ દક્ષિણ પ્રશાંત ટાપુઓમાં મલેનીશિયામાં મુખ્યત્વે જોવા મળે છે.

(8) માઇક્રનિશ્યન (પૉલિનિશ્યન) : તેનો રંગ આછો કાળો અને માથું ગોળ હોય છે. તેના શરીર પર ઓછા, વાંકડિયા જથ્થાવાળા વાળ હોય છે. તેઓ મલેનીશિયાની ઉત્તરપૂર્વના ટાપુઓમાં માઇક્રનિશ્યન તથા પૉલિનિશ્યન જાતિમાં તથા હવાઈ બેટ, ન્યૂઝીલૅન્ડ અને ઉત્તર આઇલૅન્ડ વિસ્તાર સુધી ફેલાયેલા છે.

(9) ઑસ્ટ્રોલૉઇડ : તેઓની ચામડી ચૉકલેટ જેવા રંગની હોય છે. તેઓ વાંકડિયા વાળ, ઊપસેલું મોં, જાડા હોઠ, આગળપડતો ચહેરો અને પહોળું નાક ધરાવે છે. મૂળ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં તથા ભારતમાં વિંધ્ય અને દક્ષિણ ભારતની કેટલીક જાતિઓમાં તેમનો સમાવેશ થાય છે.

(10) આઇનુ : તેઓની ચામડી ચૉકલેટિયા રંગની કે કાળી હોય છે. તેઓ વાંકડિયા વાળ, પાતળા હોઠ, યુરોપિયન (કૉકેશ્યન) જેવા હોય છે. તેમના શરીર પર વાળનું પ્રમાણ વધુ હોય છે. તેમની આંખોનો રંગ ભૂરો કે કાળો અને ઊંચાઈ 156 સેમી. જેટલી હોય છે. તેઓ જાપાનના હૉકાપડ અને તેની આજુબાજુના ટાપુઓમાં વસે છે. તેઓ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ સાથે અમુક અંશે મળતા આવે છે.

(11) વેડ્ડઇડ : તેઓ લાંબું અને સાંકડું માથું, પહોળું નાક, ચૉકલેટ જેવી ભૂરા રંગની ચામડી અને સુંવાળા વાળ ધરાવે છે. તેમનું કદ 150 સેમી. જેટલું હોય છે. આ જાતિસમુદાય ફક્ત શ્રીલંકામાં અત્યંત અલ્પ સંખ્યામાં જોવા મળે છે.

વિશ્વની આ અગિયાર મુખ્ય અને ગૌણ માનવપ્રજાઓ વિશે આજે પણ માનવશાસ્ત્રીઓમાં એકમત નથી. આ ઉપરાંત બીજી પણ એક વાસ્તવિકતા છે કે આજે સમગ્ર વિશ્વમાં આવાં જૂથોનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપે રહ્યું હોય તેમ ભાગ્યે જ જોવા મળે છે; કારણ કે, લાખો વર્ષોથી માનવજાતે વિવિધ કારણોસર સ્થળાંતરો કર્યાં છે. પરિણામે આંતર-પ્રજનન ઘણું થયું છે અને જાતીય તત્વોની ઘણી ભેળસેળ થઈ છે. તેથી મોટાભાગના વિદ્વાનો માને છે કે આજે જાતિતત્વની ર્દષ્ટિએ કોઈ જૂથ શુદ્ધ સ્વરૂપમાં હયાત નથી. જાતિશુદ્ધિ(race-purification)ના બહાના હેઠળ નાઝી જર્મનીમાં યહૂદીઓ પર ભારે સિતમ ગુજારવામાં આવ્યો હતો અને તેમને જર્મની છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. ઇતિહાસમાં નોંધાયેલું એ કલંકિત પ્રકરણ છે. વળી કાળી અને ગોરી ચામડી સાથે સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઉચ્ચતાને સાંકળી રંગભેદ ઊભો કરી ઊંચી-નીચી સંસ્કૃતિનો ભ્રામક ખ્યાલ યુરોપ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા વગેરેમાં વર્ષો સુધી ચાલ્યો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આ સંદર્ભમાં સત્યાગ્રહ કર્યો હતો. તેવો જ અમેરિકામાં પણ આ રંગભેદ તીવ્ર બનતાં માર્ટિન લ્યૂથર કિંગે સત્યાગ્રહ કર્યો હતો અને તેમ કરતાં તેનું બલિદાન પણ લેવાયું હતું. આમ જાતિશુદ્ધિના નામે ‘જાતિભાન’(race consciousness)ની ખોટી માન્યતા ઊભી થઈ છે. આ બાબત માનવશાસ્ત્રે પુરાવાઓ આપી, તેણે પ્રાપ્ત કરેલા જ્ઞાનને આધારે, સ્પષ્ટ કરી આપી છે. આજે તો સાર્વત્રિક રીતે મનુષ્ય બીજા મનુષ્યની સમાન હોવાની ભાવનાનો વિકાસ થયો છે.

અરવિંદ ભટ્ટ