માનવવાદ : માનવને કેન્દ્રમાં રાખી પ્રચલિત થયેલી વિચારધારા; વિશ્વમાં માનવના સ્થાન, સ્વરૂપ અને મહત્વ પર ભાર મૂકતી ચિંતનપ્રણાલી. માનવીની ગરિમાની–ગૌરવની સ્થાપના અને ઉપાસના; માનવતત્વનાં દ્યોતક વિશિષ્ટ લક્ષણો(દા.ત., બૌદ્ધિકતા)ની રક્ષા, માવજત તથા સંવર્ધન પર માનવવાદનો પાયો રચાયો છે. શીલરે માનવવાદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, ‘જે લાક્ષણિક રીતે માનવીય હોય અને નિસર્ગાતીત નહિ (supernatural), જે માનવીમાં નિહિત હોય અને બાહ્ય પ્રકૃતિમાં નહિ, જે માનવીને તેની સર્વોચ્ચ ઊંચાઈએ સ્થાપતું હોય કે તેને મહત્તમ સંતોષ પ્રદાન કરતું હોય તેને સ્વાભાવિક રીતે જ માનવવાદ કહી શકાય.’ આ ર્દષ્ટિએ જોતાં માનવીએ પ્રથમ વાર માનવી તરીકેની ચેતના અનુભવી ત્યારથી માનવવાદ શરૂ થયો એમ ગણી શકાય. આ પછી તો ભૌતિકવાદી, બુદ્ધિનિષ્ઠ, વૈજ્ઞાનિક અભિગમ દ્વારા તેનો દાર્શનિક પાયો ર્દઢ થતો ગયો અને માનવીની સ્વતંત્રતા, તમામ માનવીઓ વચ્ચેની એકતા અને બંધુત્વ જેવાં મૂલ્યોની પ્રતિષ્ઠા સાથે તેનું આધુનિક રૂપ ઘડાયું.

ચિંતનપ્રણાલીના આધારે તેનો તંતુ ચાર્વાક-દર્શનમાં, ગ્રીક ચિંતકોના ચિંતન વગેરેમાં સહજ રીતે ખોળી શકાય. યુરોપમાં પ્રગટેલા નવજાગૃતિ(renaissance)ના, પ્રબોધન(enlightenment)-યુગના, ધર્મસુધારણા (reformatism) તથા બુદ્ધિનિષ્ઠા (rationalisation) અને ધર્મનિરપેક્ષતા(secularion)ના પ્રવાહોએ માનવવાદના પિંડને આકાર આપવામાં નિર્ણાયક ફાળો આપ્યો છે.

યુરોપમાં માનવવાદને પુષ્ટ કરનારા આ બધા વિચારપ્રવાહો પ્રગટ્યા, પાંગર્યા અને ફેલાયા. ભારતમાં એક બાજુ સાહિત્ય, સંગીત, નૃત્ય, સ્થાપત્ય આદિ કળાઓ તર્કપુર:સર સંવેદનના સ્તરે વિકસી ને માનવજીવનને અનેકધા સમૃદ્ધ કરતી રહી અને બીજી બાજુ પરલોકવાદ, માયાવાદ, પ્રારબ્ધવાદ જેવી તેમજ ભક્તિપ્રધાન સાંપ્રદાયિક શ્રદ્ધાપ્રેરિત વિચારસરણીઓ પણ આગળ ધપતી રહી, પરંતુ એ વિચારસરણીઓ જ્ઞાનપૂત, તર્કનિષ્ઠ ભૂમિકાઓનો અપેક્ષિત વિકાસ કરવામાં તેમજ માનવના વૈચારિક વિશ્વનો અબાધિત પ્રભાવ પ્રગટ કરવામાં નિષ્ફળ રહી અને પરિણામે તે સમાજને અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા, તર્કહીનતા વગેરે અનિષ્ટો તરફ ખેંચી ગઈ અને તેના ફલસ્વરૂપે માનવતાનો–માનવમૂલ્યોનો ક્રમશ: હ્રાસ થતો ગયો.

નવજાગૃતિ પૂર્વેના સમયમાં પશ્ચિમે પૂર્વ પાસેથી ઘણું શીખવાનું રહેતું. વળી પૂર્વની માનવસંસ્કૃતિના કેન્દ્ર તરીકે ગણના થતી હતી. યુરોપમાં પ્રશિષ્ટ ગ્રીક અને રોમન સાહિત્ય તથા વિચારોના પુનરાગમનથી ભૌતિકવાદી, ઐહિકવાદી, બુદ્ધિવાદી (તર્ક અને શંકાને ઉત્તેજન આપતી) પ્રણાલીઓ વિકસી. ધર્મગ્રંથો અને દેવળ વગેરેના આધિપત્યને પડકારવાના વલણને પોષણ મળ્યું. આ સાહિત્ય તથા દર્શન (ફિલસૂફી) અને તેના મિજાજ સાથે યુરોપમાં તબીબીશાસ્ત્ર, ભૌતિક તથા રસાયણશાસ્ત્ર વગેરે વિષયોનું અધ્યયન તથા તેના ફલસ્વરૂપે ટૅકનૉલૉજી અને વૈજ્ઞાનિક અભિગમ પણ આકાર પામ્યો, જ્યારે ભારતમાં ઉપનિષદોએ કેળવેલી બૌદ્ધિક પરંપરા વીસરાઈ ગઈ અને જ્ઞાન તથા અનુભવ સીમિત બન્યાં.

યુરોપમાં આ માનવવાદી પ્રણાલીનો ઉભાર ચૌદમી સદીના અંતભાગમાં ઇટાલીમાં નજરે પડે છે. કૉન્સ્ટેન્ટિનોપલના પતન પછી ગ્રીક સાહિત્યના ગ્રંથો અહીં આવ્યા. સમૃદ્ધિ હતી, નવરાશ હતી અને ઇટાલીમાં ખ્રિસ્તી ધર્મનું વડું મથક હતું (ઘણા પાદરીઓ અને સામંતો ગ્રીક સાહિત્યના અઠંગ અભ્યાસી હતા); તેથી અહીં સાહિત્ય, કલા, વાચન અને ચિંતનને પોષક વાતાવરણ સાંપડ્યું. નવા અભિગમથી જોવા-વિચારવાની ર્દષ્ટિ સાંપડી અને યુરોપ મધ્યયુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યું. માનવગૌરવ અને વ્યક્તિસ્વાતંત્ર્ય આ યુગની લાક્ષણિકતા બની તથા મધ્યયુગીન માનસિક ગુલામીનાં બંધનો ફગાવી દેવામાં આવ્યાં.

પ્રથમ તો આ અભ્યાસીઓ બુદ્ધિથી વિચારતા થયા અને ધર્મગ્રંથોમાં લખેલી બુદ્ધિ કે તર્કવિરોધી વાતો વિશે પ્રશ્ન ઉઠાવતા–શંકા વ્યક્ત કરતા થયા. આમાંથી, આગળ જતાં ઈશ્વર, અલૌકિક સત્તા, ધર્મગ્રંથો, દેવળ વગેરેના વૈચારિક આધિપત્યને ફગાવી દઈ, માનવબુદ્ધિ દ્વારા સત્યાસત્ય નક્કી કરવાના માર્ગે વળ્યા. માનવેતર આધિપત્યને ફગાવી દેવાનાં આ પગલાં સાથે જ માનવબુદ્ધિથી પર કશું ના હોઈ શકે, માનવીની બુદ્ધિ એટલે જ માનવી એ ખ્યાલ અગ્રતા પામે છે તથા બૌદ્ધિક અને વૈચારિક સ્વાતંત્ર્યના મૂલ્યની પ્રતિષ્ઠા થાય છે. પ્રશિષ્ટ ગ્રંથોના અધ્યયન-અધ્યાપન સાથે શિક્ષણવ્યવસ્થા અને પ્રક્રિયા પાંગર્યાં. એટલે સાહિત્ય તથા સમાજવિદ્યાના (‘હ્યુમેનિટિઝ’ નામ પણ ‘હ્યુમેનિઝમ’ સાથે સંકળાયેલું છે.) અભ્યાસનું ક્ષેત્ર વિકસ્યું. આ સાથે એક નવો માનવવાદી મિજાજ અને જોસ્સો પ્રસરવા લાગ્યો અને યુરોપમાં જ્ઞાનની ઉપાસનાનો પવન ફૂંકાવા લાગ્યો. વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક સંશોધન, ભૌગોલિક અને ખગોળવિષયક શોધખોળો, માનવશરીર તથા રોગનાં કારણો અને ઉપચારની ક્ષિતિજો ખૂલવા માંડી. વિજ્ઞાનની સહાયથી માનવીને અનેક તથ્યો પ્રાપ્ત થયાં અને માનવીનો પોતાની બુદ્ધિ અને શક્તિમાં વિશ્વાસ ર્દઢ થયો. મુદ્રણની શોધને લીધે જ્ઞાન અને માહિતીના ફેલાવાને અપૂર્વ વેગ સાંપડ્યો અને સોળમી સદીના અંત સુધીમાં તો માનવવાદી મૂલ્યો યુરોપભરમાં ફેલાઈ ગયાં. સાહિત્યક્ષેત્રે ડેન્ટિ, શેક્સપિયર, ચૉસર, સ્પેન્સર, મિલ્ટન; શિલ્પસ્થાપત્ય, ચિત્ર, સંગીત વગેરે કલાઓના ક્ષેત્રે લિયોનાર્દો-દ-વિન્ચી, માઇકલ એન્જેલો, રફાયેલ વગેરે; વિજ્ઞાનના ક્ષેત્રે કૉપરનિકસ, ગૅલિલિયો, ન્યૂટન, કૅપ્લર વગેરે; દરિયાઈ માર્ગે ભૌગોલિક શોધખોળના ક્ષેત્રે માર્કોપોલો, વાસ્કો-દ-ગામા, કોલંબસ વગેરેના પ્રદાનથી સમગ્ર વિશ્વની તાસીર બદલાઈ. આ ગાળા દરમિયાન કાગળ, મુદ્રણાલય, હોકાયંત્ર, દારૂગોળો વગેરેની શોધોએ પણ યુરોપનું પ્રભુત્વ ઊભું કરવામાં અગત્યનો ફાળો આપ્યો. યુરોપ માનવસંસ્કૃતિનું કેન્દ્ર બન્યું અને વિશ્વને નેતૃત્વ પૂરું પાડવા લાગ્યું. નવજાગૃતિકાળમાં શોધ–સંશોધનોએ ઔદ્યોગિક ક્રાંતિ તેમજ અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિનાં બીજ રોપ્યાં.

દાર્શનિક ર્દષ્ટિએ માનવવાદ નિસર્ગાતીતવાદ – અધ્યાત્મવાદનો હરીફ છે. વળી એક ગાળામાં નિસર્ગવાદનો (કુદરત મહાન છે, માનવી તેની આગળ ક્ષુલ્લક અને નાચીજ છે, સૃષ્ટિની વિકાસયાત્રામાં માનવી એક ક્ષુદ્ર અને ક્ષણભંગુર કૃતિ છે – તેવી માન્યતાનો) પણ તેને સામનો કરવો પડ્યો હતો. અલબત્ત, આજે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે માનવી સૃષ્ટિમાં આવશ્યક અને નિહિત સર્જન છે અને માનવી દ્વારા જ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. સૃષ્ટિશાસ્ત્રની આ ભૂમિકાને આધારે માનવવાદ સાથેની તેની સ્પર્ધા નાબૂદ થઈ છે; પરંતુ હજી પણ ઘણા કુદરત સામે માનવીને ક્ષુલ્લક ગણવાનું વલણ ધરાવે છે. વ્યક્તિને ગૌરવ આપવાના માનવવાદના આગ્રહમાંથી એક તબક્કે એવી માન્યતા પણ પ્રસરી કે આ સૃષ્ટિમાં માનવી કેન્દ્રસ્થાને છે. એટલે તેનાં સુખસમૃદ્ધિ કે લાભ માટે આ સૃષ્ટિની તમામ ચીજો કે જીવોનો તે યથેચ્છ ઉપભોગ કરી શકે. પરિણામે પ્રાકૃતિક સ્રોતોનો બેફામ ઉપયોગ થવા માંડ્યો અને જીવોની હત્યા આચરવામાં આવી. આ સામે આધુનિક માનવવાદીઓ દ્વારા એવી દલીલ રજૂ કરાઈ કે, પર્યાવરણની સમતુલા પણ માનવજીવન માટે આવશ્યક છે અને માનવી એટલે માત્ર આજે જીવતી વ્યક્તિઓ જ નહિ; પણ ભવિષ્યમાં આવનારી માનવ-પેઢીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે કે માનવજાતની હયાતીનો તંતુ જોખમાય નહિ તે રીતે, ભાવિ પેઢીઓનો પણ વિચાર કરીને આચરણ કરવું જોઈએ.

માનવવાદ એક મૂલ્યપ્રથા છે. અન્ય વિચારધારાઓની માફક તે નિશ્ચિત લક્ષ્ય હાંસલ કરવા માટેના વ્યવહાર કે આચરણનો નકશો આપતો નથી, નૂતન વ્યવસ્થાનું બંધિયાર માળખું સૂચવતો નથી કે અધિકૃત કાર્યક્રમ આપતો નથી. માનવવાદ માત્ર અમુક માનવીય મૂલ્ય માટેનો આગ્રહ દર્શાવે છે અને તેના આધારે વ્યવહાર, વ્યવસ્થા કે કાર્યક્રમનો માપદંડ આપે છે. દરેક પ્રજાએ આ મૂલ્યોના સંદર્ભમાં પોતાનાં વ્યવહાર, વ્યવસ્થા કે કાર્યક્રમ વિકસાવવાનાં છે, મૂલવવાનાં છે.

માનવવાદના વૈચારિક-દાર્શનિક આંદોલનના ફલસ્વરૂપે રાજકીય ક્ષેત્રે લોકશાહી મૂલ્યો અને વ્યવસ્થાની હિમાયત આકાર પામી. કોઈ પણ આધિપત્યનો ઇન્કાર, પ્રત્યેક માનવીનાં ગૌરવ અને બુદ્ધિની મહત્તાનો સ્વીકાર, વૈચારિક સ્વાતંત્ર્ય વગેરે સ્વાભાવિક રીતે જ લોકશાહી માટેની ભૂમિકા રચવામાં પ્રાણરૂપ હતાં; પરંતુ વિજ્ઞાને ખોલેલાં દ્વાર મારફતે સ્થપાયેલા મૂડીવાદ, સંસ્થાનવાદ વગેરેના ગાળામાં માનવવાદની સરવાણી કુંઠિત થઈ. એક બાજુ વ્યક્તિવાદ અને તેના પ્રતિદ્વંદ્વી જેવો સમાજવાદ આકાર પામ્યા. આ બંને છેડાને ત્યજીને ફરી માનવવાદી મૂલ્યો સ્થાપવાનું, નૂતન વૈજ્ઞાનિક સંશોધનો તથા તેના આધારે પ્રાપ્ત થયેલા જ્ઞાન અને સમજના પાયા પર માનવવાદનું નવસંસ્કરણ કરવાનું શ્રેય ક્રાંતિકારી ચિંતક માનવેન્દ્રનાથ રૉય(એમ. એન. રૉય)ના ફાળે જાય છે. સાહિત્યકલા દ્વારા પુરસ્કૃત માનવીય ભાવનાઓ, ભૌતિકવાદી-ઐહિકવાદી દાર્શનિક અભિગમ અને વૈજ્ઞાનિક જ્ઞાનથી સુસજ્જ, એટલે કે સૌંદર્યશાસ્ત્ર, દર્શન અને વિજ્ઞાનના સુમેળના પાયા પર રચાયેલી, માનવવાદી મૂલ્યપ્રથાને પુન:સ્થાપિત કરીને, તેને રાજકીય તથા આર્થિક વ્યવસ્થાના માપદંડ તરીકે પ્રયોજવાનું યુગકાર્ય, રૉયનું મહત્વનું પ્રદાન છે.

વીસમી સદીમાં વૈચારિક તથા વ્યવહારના ક્ષેત્રે પ્રવર્તતી અનેકવિધ રાજકીય-આર્થિક વિચારધારાઓ (રાષ્ટ્રવાદ-ધાર્મિક-કટ્ટરવાદ-વ્યક્તિવાદ, અરાજકતાવાદ, ઉદારવાદ, સમાજવાદ, સામ્યવાદ, ફાસીવાદ, ગાંધીવાદ વગેરે) અને તેમની વચ્ચેની સ્પર્ધામાં નવમાનવવાદને સ્થાપિત કરવાનું કાર્ય વિશેષ સજ્જતા માંગી લે છે. રૉયની, રાષ્ટ્રીય ક્રાંતિકારમાંથી સામ્યવાદી કૉમિન્ટર્નના અગ્રણી સભ્ય સુધીની વિચાર અને અનુભવયાત્રાએ તેમને આ માટેની સજ્જતા બક્ષી.

જયંતી પટેલ