માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.
સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા પશ્ચિમમાં સહર્સા જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક માધેપુરા જિલ્લાના ઉત્તર વિભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લામાં ઘણા ટેકરાઓ અને પ્રાચીન સમયનાં સંખ્યાબંધ સ્થળો-અવશેષો આવેલાં છે; પરંતુ વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોસી નદીમાં આવેલાં પૂરથી આ સ્થળોના કોઈ અંશો જોવા મળતા નથી. તે પછીથી કોસી નદી પર બરાજ તેમજ બીજા ઘણા પાળા બંધાવાથી પૂરની અસર હવે વધુ પડતી થતી નથી. રેતાળ પ્રદેશો, ખરાબાની ભૂમિ, અને કેટલાક જંગલભાગોને નવસાધ્ય કરીને ત્યાં ખેતીના પાકોની ઊપજ લેવામાં આવે છે. સમગ્ર રીતે જોતાં, આખોય જિલ્લો ત્યાંનાં ફળદ્રૂપ મેદાનોને કારણે ગીચ વસ્તીવાળો બની રહેલો છે.
કોસી અહીંની મુખ્ય નદી છે. વર્ષાઋતુ દરમિયાન તેમાં આવતાં પૂર ચોતરફ ઘણા વિસ્તારો પર ફરી વળે છે. તેનો પ્રવાહ વારંવાર બદલાતો રહ્યો છે. છેલ્લે છેલ્લે તેનો પ્રવાહ પશ્ચિમ તરફનો થયો છે. હવે તે નિરમાલી અને માધેપુરા નજીકથી વહે છે. કોસીને મળતી અગત્યની નદીઓમાં તિલજુગા, બાટી, ઢીમરા, તાલાબી, પરવણ, ધુસણ, ચાલૌસી, લોરન, કતના, દૌસ અને ઘાઘરીનો સમાવેશ થાય છે.
ખેતી–પશુપાલન : અહીંની કાંપની તથા નવસાધ્ય જમીનોમાં મુખ્યત્વે ડાંગર અને ઘઉંના પાક લેવાય છે. ખેતી એ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. કોસી યોજનાથી પૂર પર પ્રમાણમાં નિયંત્રણ લાવી શકાયું છે અને ખેતીના પાકોમાં વૃદ્ધિ કરી શકાઈ છે. હવે શણ અને મકાઈનું પણ ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત ડાંગરના બે પાક તથા શેરડીનું વાવેતર પણ વધ્યું છે. અગાઉ જ્યાં ગળીનું વાવેતર થતું હતું ત્યાં હવે તેલીબિયાંનું ઉત્પાદન લેવાય છે. કોસી જળાશય-યોજનામાંથી નહેરો દ્વારા ખેતીને સિંચાઈની સવલત અપાય છે. ભેંસો અને બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. આ ઉપરાંત મરઘાં-ઉછેર પણ થાય છે. આ જિલ્લામાં પશુઓ માટેનાં દવાખાનાં પણ છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં એક પણ ખાણ નથી, પરંતુ અહીંની જમીનો ખનિજોની જેમ મૂલ્યવાન બની રહેલી છે. જિલ્લો ઉદ્યોગક્ષેત્રે ઘણો પાછળ છે, કારણ કે ઉદ્યોગો માટેનો કાચો માલ અહીં મળતો નથી. અહીં એક ખાંડસરીનું અને એક સરસવના તેલનું એમ માત્ર બે કારખાનાં આવેલાં છે. આ સિવાય અહીં મીણબત્તી, સાબુ, બિસ્કિટ બનાવવાના એકમો કામ કરે છે. તેમાં કામ કરતા કુશળ-અકુશળ કારીગરોને રોજી મળી રહે છે. જિલ્લામાં ખાંડ અને સરસિયાના તેલનું ઉત્પાદન લેવાય છે; જ્યારે શણની નિકાસ અને કપડાં તથા સિમેન્ટની આયાત કરવામાં આવે છે. બિહારીગંજ, માધેપુરા અને મુરલીગંજ અહીંનાં મુખ્ય વેપારી મથકો છે.
પરિવહન–પ્રવાસન : આ જિલ્લો સડકમાર્ગે તેમજ રેલમાર્ગે રાજ્યનાં જુદાં જુદાં મથકો સાથે જોડાયેલો છે. પૂર્ણિયાથી બિહારીગંજ અને સાક્રીથી નિરમાલી જતા ઈશાન વિભાગીય રેલમાર્ગો અહીંથી પસાર થાય છે. મુરલીગંજ અને માધેપુરા – એ બે અહીંનાં રેલમથકો છે.
ચંડિકાના મંદિર માટે તથા ત્યાં દુર્ગાપૂજા વખતે ભરાતા મેળા માટે ચંડીસ્થાન, વસંતપંચમી વખતે ભરાતા પાંચ દિવસના મેળા માટે જોરગામ, જિલ્લાનું ઉપવિભાગનું વહીવટી મથક તેમજ વેપારી મથક હોવા ઉપરાંત સિંઘેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવરાત્રિ નિમિત્તે એક મહિના સુધી ભરાતા મેળા માટે સિંઘેશ્વર, કાળીના મંદિર માટે તથા દર વર્ષે કાલીપૂજા નિમિત્તે ત્યાં ભરાતા મેળા માટે રામનગર તેમજ શણનું વેપારી મથક હોવા ઉપરાંત ગોપાષ્ટમી વખતે ભરાતા ત્રણ દિવસના મેળા માટે મુરલીગંજ આ જિલ્લાનાં મહત્વનાં પ્રવાસ-મથકો ગણાય છે. આ સિવાય અહીં વારતહેવારે જુદી જુદી કોમના ઉત્સવો પણ યોજાતા રહે છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 11,77,706 જેટલી છે. તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 93 % અને 70 % જેટલું છે. જિલ્લામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી 1,92,443 જેટલી છે. ધર્મવિતરણ મુજબ વસ્તીમાં હિન્દુઓ અને મુસ્લિમોની વિશેષ છે જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈનોની વસ્તી ઓછી છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ થાય છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 52 % છે, તે પૈકી 70 % પુરુષો અને 30 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. 1996 મુજબ અહીં માધેપુરા ખાતે એક યુનિવર્સિટી અને પાંચ કૉલેજો આવેલી છે. જિલ્લામાં ગ્રામ-કક્ષાએ તબીબી સુવિધાઓનું પ્રમાણ માત્ર 30 % જેટલું જ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં અને 7 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 3 નગરો અને 432 (64 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં ઉત્તર બિહારમાં વૃજ્જિનું રાજ્ય આવેલું હતું. તેનું પાટનગર વૈશાલી હતું. તેની આગળ અંગુત્તરપના પ્રદેશમાં સહર્સા જિલ્લાનો સમાવેશ થતો હતો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ પ્રદેશનાં ગામોમાં પ્રવાસ કરીને લોકોને ધાર્મિક પ્રવચનો આપ્યાં હતાં. મગધે રાજ્યવિસ્તાર કર્યો ત્યારે અંગુત્તરપ સ્વતંત્રતા જાળવી શક્યું હતું. નંદ અને મૌર્ય વંશના સમ્રાટોએ સમગ્ર બિહારને મગધ સામ્રાજ્યમાં જોડી દીધું હતું. તેના ઉપર મૌર્ય પછી શૂંગ, કણ્વ અને ગુપ્ત વંશના રાજાઓ અને તે પછી હર્ષનું આધિપત્ય સ્થપાયું હતું. તે પછી બંગાળના પાલ અને સેન વંશના રાજાઓનો તે એક પ્રાંત બન્યો. ઈ. સ. 1582માં શહેનશાહ અકબરના અમલ દરમિયાન રાજા ટોડરમલે આ વિસ્તારમાં મહેસૂલ નક્કી કર્યું હતું. મુઘલ સમ્રાટો પછી બ્રિટિશ કંપનીના અમલ દરમિયાન 1857માં ત્યાંના લોકો બળવામાં જોડાયા હતા. સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના મહેતાબલાલ યાદવ, શિવાનંદન મંડલ, નંદકિશોર ચોધરી વગેરે નેતાઓએ આગળ પડતો ભાગ લીધો હતો. સહર્સા જિલ્લામાં કિસાન આંદોલન ઉગ્ર બન્યું હતું. ‘હિંદ છોડો’ ચળવળમાં આ વિસ્તારનાં બધાં પોલીસ સ્ટેશનોનો લોકોએ કબજો લઈ લીધો હતો. સહર્સામાં પોલીસના ગોળીબારથી કેટલાક લોકો શહીદ પણ થયા હતા. સહર્સા જિલ્લાનું વિભાજન કરીને 1981માં તેમાંથી માધેપુરા જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ