માધવગુપ્ત (ઈ. છઠ્ઠી સદી) : ગયા નજીકના અફસદ શિલાલેખમાં ઉલ્લિખિત પાછળનો ગુપ્ત રાજા (Later Guptas). ‘હર્ષચરિત’માં જણાવ્યા અનુસાર તેનો પિતા મહાસેન-ગુપ્ત (ઈ.સ.ની છઠ્ઠી સદી) મગધ, ગૌડ અને માલવાનો રાજા હતો. ઉપર્યુક્ત શિલાલેખમાં તેને મહાસેન-ગુપ્તના વારસદાર તરીકે દર્શાવ્યો છે. મહાસેન-ગુપ્તે છેલ્લાં વરસોમાં માલવા ગુમાવ્યું હશે. તેના બે પુત્રો કુમારગુપ્ત અને માધવગુપ્તને થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધને આશ્રય આપ્યો હતો. માલવાના આ બંને રાજકુમારો પ્રભાકરવર્ધનના પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના સેવકો બન્યા હતા.
જયકુમાર ર. શુક્લ