માણેક (Ruby) : કોરંડમ(Al2O3)નો લાલ રંગનો રત્ન-પ્રકાર. તેની રાતા રંગની ઉત્તમ પારદર્શક જાત મૂલ્યવાન રત્ન તરીકે ઓળખાય છે. તેમાં પણ મધ્યમથી ઘેરી ઝાંયવાળી લાલ રંગની જાતથી માંડીને જાંબલી-લાલ કે કેસરી-લાલ જાતને જ માણેક ગણાવાય છે. આછી લાલ, લાલ-ગુલાબી કે અન્ય રંગોવાળી જાત નીલમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બંને કોરંડમના જ પ્રકારો છે. Al2O3ના બંધારણવાળી શુદ્ધ જાત તો રંગવિહીન હોય છે. ઉત્કૃષ્ટ કક્ષાની તેજસ્વી રાતી જાતનું માણેક તેમાં રહેલી ક્રોમિયમ ઑક્સાઇડની જરાક (1 %થી પણ ઓછી) માત્રાનું પરિણામ છે. ક્રોમિયમની હાજરીથી જ લાલ પ્રકાશ ઉત્પન્ન કરવા લેઝરમાં તે વપરાય છે.

સામાન્ય રીતે કોરંડમ ખનિજ એ બેઝિક અગ્નિકૃત ખડકોનો ઘટક છે, પરંતુ તે રત્ન-પ્રકાર તરીકે ઉપયોગમાં લેવા માટેના પારદર્શક સ્વરૂપે ભાગ્યે જ મળે છે. અશુદ્ધ ચૂનાખડકમાં થયેલાં આગ્નેય અંતર્ભેદનોના સંપર્ક-વિભાગમાં તૈયાર થતા આરસપહાણ જેવા ખડક-પ્રકારના એક ઘટક તરીકે પણ તે મળી આવે છે. દુનિયાનાં સારી જાતનાં ગણાતાં માણેક આ પ્રકારના ખડકમાં મ્યાનમારના મોગોક ખાતેથી મળી રહે છે. આજે મોટાભાગનાં માણેક અહીંના રત્ન-ગ્રૅવલ વિસ્તારમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય બે ઉદભવસ્થાનો શ્રીલંકા અને થાઇલૅન્ડ પણ છે. ત્યાં મળતાં માણેક મ્યાનમારની સરખામણીએ ઓછાં મૂલ્યવાન ગણાય છે. શ્રીલંકાનાં માણેક વધુ પડતા આછા રંગવાળાં હોય છે અને કહેવાતાં ‘સિયામ માણેક’ ઘેરાં લાલ હોય છે. ઉત્તમ માણેક તેને કહેવાય, જે મધ્યમ રંગવાળું, પારદર્શક હોય અથવા રતાશ પડતા આછા જાંબલી રંગવાળું હોય, એટલે કે જે કબૂતરના લોહી જેવો લાલ રંગ ધરાવતું હોય. તારકર્દશ્યવાળાં માણેકનું ઓછું મૂલ્ય અંકાય છે, તેમ છતાં તેમની પણ ઘણી માંગ રહે છે. ઠંડી પ્રકૃતિ ધરાવનારાઓ માટે આ રત્ન પહેરવાની સલાહ અપાય છે. તે સૌર વર્ણપટનાં રાતાં કિરણોનો શરીરમાં પ્રવેશ થવા દે છે; તેમ છતાં તેનો અતિરેક ન થાય તે માટે તેને ઉનાળામાં પહેરવાનું ટાળવાનું સૂચવાય છે.

રત્નો પૈકી કૃત્રિમ રત્નોની બનાવટમાં માણેકનો ક્રમ અગ્રસ્થાને આવે છે અને ઝવેરાતમાં પણ તે બહોળા પ્રમાણમાં વપરાતાં થયેલાં છે. 1902માં એ. વર્નેઇલે જ્યોત-ગલન-પ્રક્રિયા (flame fusion process) દ્વારા કૃત્રિમ માણેક બનાવવામાં સફળતા મેળવી. (જોકે અગાઉ આ જ પદ્ધતિ દ્વારા કૃત્રિમ માણેક બનાવવામાં આવતાં હતાં ખરાં, પણ સારી ગુણવત્તાવાળાં બનાવી શકાયેલાં નહિ.) પછીથી ઘણાં વર્ષો બાદ સી. ચેટમે પ્રદ્રાવક-ગલન-પ્રક્રિયા(fluxfusion process)થી કૃત્રિમ માણેક બનાવવાની પદ્ધતિ વિકસાવી. તાજેતરમાં બીજા ઘણાને પણ આ ક્રિયામાં સફળતા સાંપડી છે. બેલ પ્રયોગશાળામાં ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી કૃત્રિમ માણેક બનાવાયાં છે, જેનું બજાર અત્યારે સારું ચાલે છે.

ગિરીશભાઈ પંડ્યા