માટી-નિક્ષેપો

January, 2002

માટી-નિક્ષેપો (Clay-deposits) : મૃદખનિજ-બંધારણવાળા નિક્ષેપો. ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા સિલિકેટ-ખડકોનું ચોક્કસ પ્રકારની આબોહવાના સંજોગો હેઠળ વિઘટન થવાથી પરિવર્તન થાય છે અને અવશિષ્ટ નિક્ષેપો તૈયાર થાય છે. ક્યારેક કેટલાક નિક્ષેપો ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી પણ બને છે. આ નિક્ષેપોમાં રહેલાં ખનિજોનાં કણકદ 0.01 મિમી.થી 0.004 મિમી. કે તેથી પણ ઓછાં હોય છે. તે કલિલ સ્થિતિવાળાં પણ હોય છે. આ રીતે માટી-નિક્ષેપો અતિસૂક્ષ્મદાણાદાર જોવા મળે છે. તે સુંવાળા અને લીસા હોય છે તથા પાણીના મર્યાદિત પ્રમાણ સાથે તેમનું મિશ્રણ થવાથી સુઘટ્યતા પ્રાપ્ત કરે છે.

બધા જ પ્રકારના માટી-નિક્ષેપો મૃદખનિજોના બંધારણવાળા હોય છે અને બધાં જ મૃદખનિજો જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટથી બનેલાં હોય છે. કેટલાંકમાં થોડી માત્રામાં લોહ, મૅગ્નેશિયમ, સોડિયમ અને પોટૅશિયમ પણ રહેલાં મળે છે. મૃદખનિજો ફાયલૉસિલિકેટ્સ છે, એટલે કે તેમનું અણુરચનાત્મક માળખું પડગુંફિત (sheet structure) હોય છે. તે બધા જ મૉનોક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ એલોફેન અને હેલોયસાઇટ દળદાર હોય છે.

માટી-નિક્ષેપોમાં રહેલાં મુખ્ય મૃદખનિજો અને તેમનાં રાસાયણિક બંધારણ નીચે મુજબ છે :

1. કેઓલિનાઇટ, નેક્રાઇટ ડિકાઇટ : Al4Si4O10 (OH)8
2. હેલોયસાઇટ (દળદાર) : Al4 Si4O10(OH)8.4H2O
3. મૉન્ટમોરિલોનાઇટ : Al4Si8O20(OH)4nH2O
4. બિડેલાઇટ : Al4(Al, Si)8O20(OH)4
5. પાયરોફિલાઇટ : Al2Si4O10(OH)2
6. ઍલોફેન (દળદાર) : Al4 Si4O10(OH)8
7. ઇલાઇટ (હાઇડ્રોમાઇકા) : KAl4AlSi7O20(OH)4
8. ક્લૉરાઇટ : (Mg.Fe)5Al(Al, Si3) O10 (OH)8

કુદરતી સ્થિતિમાં મળી આવતા ઉપર દર્શાવેલા એક કે વધુ ખનિજ-જથ્થાઓમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર અને લોહઑક્સાઇડ પણ મળે છે. કેઓલિન અથવા ચિનાઈ માટી એ કેઓલિનાઇટનું અતિસૂક્ષ્મ સ્ફટિકમય સ્વરૂપ છે.

પ્રકીર્ણ નિક્ષેપો : બેન્ટોનાઇટ, ચિનાઈ માટી (કેઓલિન), મુલતાની માટી, લિથોમાર્જ, ગોલકમૃદ (ball clay) અથવા કુંભારની માટી અને અગ્નિજિત મૃદ માટી-નિક્ષેપો રૂપે મળતા અન્ય પ્રકારો છે.

પ્રાપ્તિ : માટીનિક્ષેપો ખવાણક્રિયાની પેદાશ છે. તે જ્યાં બને છે ત્યાં જ અવશિષ્ટ માટી રૂપે મળે છે; અથવા નદી, હિમનદી કે પવન જેવાં ભૂસ્તરીય પરિબળોના વહન દ્વારા સ્થાનાંતરિત થઈને સમુદ્રમાં સ્તર રૂપે અથવા સરોવરોમાં આવરણ રૂપે મળે છે. હિમનદીજન્ય માટીનિક્ષેપો ગુરુગોળાશ્મ માટી રૂપે તો વાતજન્ય નિક્ષેપો લોએસ રૂપે પણ મળે છે.

ઉપયોગો : ઊંચી સુઘટ્યતાધારક ગોલકમૃદ વિવિધ સિરૅમિક ઉદ્યોગોમાં, ઈંટો, નળિયાં, માટીની પાઇપો, માટીનાં વાસણો માટે વપરાય છે. અગ્નિજિત મૃદમાં સુઘટ્યતા અને અગ્નિરોધકતાનો ગુણધર્મ હોવાથી તે ઍસિડ અગ્નિરોધક ઈંટો બનાવવામાં; બેન્ટોનાઇટ શારકામમાં પંક તરીકે, તેલો અને ચરબીમાં રંગનાબૂદી માટે, ફાઉન્ડ્રી માટેની રેતી તરીકે, ટૂથપેસ્ટ અને સૌંદર્યપ્રસાધનોમાં, લોહઅયસ્કરજના ગોલકો બનાવવામાં બંધકદ્રવ્ય તરીકે વપરાય છે. મુલતાની માટી તેલોના શુદ્ધીકરણ માટે તેમજ કાપડના રેસાઓને સ્વચ્છ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ચિનાઈ માટી ક્રૉકરીની બનાવટમાં; કાપડ, કાગળ અને રબર-ઉદ્યોગમાં; રંગોમાં તથા સૌંદર્ય-પ્રસાધનોમાં વપરાય છે.

ભારતના માટીનિક્ષેપો : ચિનાઈ માટી (કેઓલિન) : ચિનાઈ માટીના કાર્યયોગ્ય જથ્થા ભારતમાં વિસ્તૃતપણે વિતરણ પામેલા છે. તે બિહાર, દિલ્હી, જબલપુર, કેરળ, તામિલનાડુ, દખ્ખણ, કર્ણાટક, ઓરિસા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં મળી આવે છે. આ ઉપરાંત તે આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં અમુક પ્રમાણમાં મળે છે.

ઉચ્ચ કક્ષાના પૉર્સલિન માટેનો જરૂરી દ્રવ્યજથ્થો બિહાર(રાજમહાલ ટેકરીઓ, ભાગલપુર અને ગયા)માં સારા પ્રમાણમાં રહેલો છે. મર્યાદિત નિક્ષેપો કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને ઓરિસાના ઘણા ભાગોમાં મળી આવે છે. ટેરાકોટા તરીકે જાણીતી ચિનાઈ માટીની બફ-કથ્થાઈ રંગની જાત પણ વિસ્તૃત પ્રમાણમાં મળે છે. સુઘટ્ય માટી અથવા કુંભારની માટી તરીકે જાણીતી ગોલકમૃદ (ball-clay) દેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વિતરણ પામેલી છે. તે નમનીય અને સંશ્લેષણ-ગુણધારક હોવાથી વિવિધ પ્રકારનાં માટીનાં વાસણો અને સુશોભનની ચીજવસ્તુઓ બનાવવામાં વપરાય છે.

મુલતાની માટી (fuller’s earth) : આ પ્રકારના માટી-નિક્ષેપો ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં મળે છે.

બેન્ટોનાઇટ : રાજસ્થાન અને જમ્મુમાં તેના વિશાળ જથ્થા મળે છે.

અગ્નિજિત માટી : આસામ, બિહાર, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાંથી મળી રહે છે.

અર્ધઅગ્નિજિત માટી : આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં મળે છે.

લિથોમાર્જ : લિથોમાર્જ એ લૅટેરાઇટ સાથે મળતો એક પ્રકારનો માટીયુક્ત ખડક છે. તે આસામ અને પશ્ર્ચિમ બંગાળમાંથી મળે છે.

ગુજરાત : ગુજરાતમાં ચિનાઈ માટી (અનામત જથ્થો અંદાજે 16.3 કરોડ ટન), અગ્નિજિત માટી (અનામત જથ્થો 15.5 કરોડ ટન), મુલતાની માટી, ડાયેટમયુક્ત મૃદ, બેન્ટોનાઇટ(અનામત જથ્થો–10.5 કરોડ ટન)ના જથ્થાઓ આવેલા છે.

ચિનાઈ માટીના જથ્થા અમરેલી, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણા જિલ્લાઓમાંથી; અગ્નિજિત માટીના જથ્થા કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સૂરત અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી; મુલતાની માટી ભરૂચ, ભાવનગર અને કચ્છ જિલ્લાઓમાંથી; ડાયેટમયુક્ત મૃદ ભાવનગર જિલ્લામાંથી; બેન્ટોનાઇટ અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી મળે છે. (જુઓ ‘મૃદખનિજો’).

ગિરીશભાઈ પંડ્યા