માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ

January, 2002

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ : માટીમાંથી શિલ્પો અને આકૃતિઓ (figurines) બનાવી પકવવાની કલા, અંગ્રેજીમાં તેને ટેરાકોટા કહે છે. જૂના વખતમાં માટી ઘાટ ઘડવા માટે વપરાતી. તે સુલભ હતી, માટે નહિ, પણ તેનાથી ઘાટ ઘડવાનું વધારે સરળ હતું માટે. આથી સામાન્ય માણસની નવા ઘાટ ઘડવાની વૃત્તિ કંઈક અંશે સંતોષાતી. તેમાંથી સૌન્દર્યની તૃપ્તિ ઉપરાંત ઘરગથ્થુ અને યજ્ઞયાગાદિની જરૂરિયાતો પણ પૂરી થતી હતી. વ્રત, પૂજા તેમજ સામાજિક-ધાર્મિક ઉત્સવોમાં તેનો ઉપયોગ થતો. ઉપયોગ કર્યા બાદ જળાશયમાં તેનું વિસર્જન કરવામાં આવતું. કારણ માટીની ચીજો દીર્ઘજીવી બનતી નહોતી. માટીના આકારને સખત કરવાને માટે તેને તડકામાં અથવા અગ્નિમાં પકવવામાં આવતી. આ રીતે પરાપૂર્વથી ઘાટ ઘડવાના સહેલા અને સગવડભર્યા સાધન તરીકે માટીનો ઉપયોગ થતો રહ્યો છે.

માટીની કલાકૃતિઓ હડપ્પા નગર સંસ્કૃતિમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવી છે. માટીકામ લોકપ્રિય હોવાના પુરાવા રૂપે હડપ્પા સંસ્કૃતિ પહેલાંની કુલી અને ઝોબની કૃષિ-સંસ્કૃતિ સાથે શરૂ થઈ હોય એમ મનાય છે. આ સંસ્કૃતિમાં માટીની આકૃતિઓમાં ઘાટ ઘડવાની પદ્ધતિ ઘણી પ્રાથમિક કક્ષાની જણાય છે અને તેનો વિકાસ પછીની હડપ્પાની આકૃતિઓમાં જોઈ શકાય છે.

પ્રાગૈતિહાસિક અને ત્યારપછીના ઐતિહાસિક યુગમાં માટીકામની કલાએ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માટીની ચીજોનો ઉપયોગ મુખ્યત્વે ઘરગથ્થુ હતો. તેનો વપરાશ પૂજા માટે, ઘરના સુશોભન માટે, બાળકોનાં રમકડાં માટે, લોકપ્રિય ધાર્મિક પ્રથા માટે અને જંતરમંતરના કાર્ય માટે થતો. લેખિત પુરાવા માટે પણ માટીની મુદ્રાનો ઉપયોગ થતો. આવી મુદ્રાઓમાં લોકોની કલાસૂઝ તેમાં કરેલી કોતરણી કે છાપમાં જોઈ શકાય છે. શણગાર માટે ગરીબ વર્ગ માટીમાંથી મનોહર અલંકારો બનાવતો. ઈંટોનાં મકાનોમાં પણ માટીકામનો સુશોભન માટે ઉપયોગ થતો. આમ, પકવેલી માટીની આકૃતિઓ કલાસૌન્દર્યનો અનુભવ કરાવવા ઉપરાંત લોકોનાં જીવન અને સંસ્કૃતિના અભ્યાસ માટેની અગત્યની માહિતી પૂરી પાડે છે.

આકૃતિ 1 : માતૃકા (મોહેં-જો-દડો, ઈ. સ. પૂ. 2500)

ભારતમાં પકવેલી માટીની આકૃતિઓમાં એક તો પ્રાથમિક કલાનું સ્વરૂપ જોવા મળે છે. તે ઉપરાંત અનુભવને કારણે તે શૈલીમાં થયેલો વિકાસ પણ જોઈ શકાય છે. આજે ગ્રામીણ વિસ્તારમાં માટીકામની પ્રવૃત્તિ લોકોએ ચાલુ રાખેલી જોઈ શકાય છે. પકવેલી માટીના બનાવેલા ઘોડા અને હાથી ગ્રામદેવતાને અર્પણ કરવામાં આવતા. આ રિવાજ આજે પણ પ્રચલિત છે. પશુ-આકૃતિઓ અને માનવ-આકૃતિઓ હાથથી બનાવવામાં આવતી; પરંતુ માનવાકૃતિઓમાં અલંકારો અને અંગો જુદાં બનાવીને ચોંટાડવામાં આવતાં. તેવી જ રીતે પશુ-આકૃતિઓમાં કાન, વાળ,

આકૃતિ 2 : યુગલ (અહિચ્છત્ર, બરેલી. ઈ. સ. પૂ. 200-100)

શીંગડાં (બકરાનાં), જુદાં બનાવીને ચોંટાડવામાં આવતાં. તેવી જ રીતે મનુષ્યની આકૃતિઓમાં શરીરના ભાગ ગોળ કે ચપટા કરવામાં આવતા અને આંખો, હોઠ, કાન, ડૂંટી કે વાળ વગેરે બતાવવા તેના ઉપર આંકા કે રેખા કરવામાં આવતાં. કેટલીક વાર અલંકાર અને શિરોવેષ્ટન માટે આકૃતિ પર ટીપકીઓ ચોંટાડાતી. સ્ત્રીઓની આકૃતિઓ ખૂબ ધ્યાનપૂર્વક કરેલી જણાય છે. તેમાં ભારે નિતંબ, ગોળ સ્તન, ડૂંટી અને પેટનો ભાગ સ્પષ્ટ કરાતાં. આ સ્ત્રીની આકૃતિઓ આદિમાતૃકા કે અવંધ્યત્વની દેવીના ભાવ સાથે બંધ બેસતી જણાય છે. પશુની વિવિધ આકૃતિઓ જુદા જુદા દેવોનાં વાહનો અથવા પ્રતીકો હોવાનો ડૉ. સ્ટેલા ક્રેમરીશનો મત છે.

આકૃતિ 3 : પ્રસન્ન બાળકની મુખાકૃતિ (પાટલીપુત્ર, ત્રીજી સદી)

ઘણાં પ્રાચીન સ્થળેથી માટીની જુદા જુદા આકાર અને ઘાટની અસંખ્ય આકૃતિઓ મળી આવી છે. કલાનાં આ સમૃદ્ધ કેન્દ્રોમાં પંજાબમાં તક્ષશિલા; ઉત્તરપ્રદેશમાં મથુરા, શ્રાવસ્તી, અહિચ્છત્ર, કૌશામ્બી, ભિટા અને રાજઘાટ; બિહારમાં પાટલીપુત્ર (પટણા), બકસાર અને વૈશાલી અને બંગાળમાં તામ્રલિપ્તિ (તામલુક) મહાસ્થાન અને બાણગઢ ગણાવી શકાય. આ ઉપરથી એમ સમજાય છે કે ઉત્તર ભારતમાં માટીની પકવેલી આકૃતિઓ બનાવવાની કલાપ્રવૃત્તિ ખૂબ વિસ્તાર પામેલી. હૈદરાબાદના કેટલાક પુરાતત્ત્વીય ઉત્ખનનને આધારે દક્ષિણમાં પણ માટીની પકવેલી આકૃતિઓ બનાવવાની પરંપરા હોવાનું જાણી શકાય છે.

આકૃતિ 4 : વિશિષ્ટ કેશકલા ધરાવતું પાર્વતીનું શિલ્પ (અહિચ્છત્ર, બરેલી, પાંચમી સદી)

બુલંદી બાગમાંથી માટીમાંથી બનાવેલું એક છોકરાનું મુખ મળેલું છે. તેના ચહેરામાં આનંદનો ઉલ્લાસ વ્યક્ત થાય છે. ડૉ. કુમારસ્વામી આ શિલ્પાકૃતિને કોઈ પણ યુગમાં થયેલી ભારતીય કલાની કૃતિમાં સૌથી શ્રેષ્ઠ કારીગીરીનો નમૂનો ગણે છે. તેવી જ રીતે અહિચ્છત્રમાંથી મળેલા પાંચમા સૈકાનું પાર્વતીનું મસ્તક કલાસૌંદર્યના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. આ જમાનાના શ્રેષ્ઠ સાહિત્યકારો અને કવિઓ કાલિદાસ અને બાણ પોતાની કૃતિઓમાં  માટીની કલાકૃતિઓની નોંધ કરે છે; જેમ કે, શાકુન્તલમાં માટીનું રમકડું શકુન (મોર) જોઈને ભરતને તેની માતાની યાદ આવે છે. આજે પણ નવવધૂને પોતાના પતિને ત્યાં જતી વખતે સૌરાષ્ટ્ર અને બંગાળમાં બીજી ભેટસોગાદોની સાથે આવાં રમકડાં આપવાનો રિવાજ છે. કવિ બાણે ‘હર્ષચરિત’માં રાજકુમારી રાજ્યશ્રીના લગ્નપ્રસંગમાં રમકડાં બનાવનાર કારીગરો માછલી, કાચબો, મગર, નાળિયેર, કેળ અને સોપારીનાં વૃક્ષો બનાવતા તેવો ઉલ્લેખ કરેલો છે.

આકૃતિ 5 : શિવનું મસ્તક (ટેરાકોટા)  (અહિચ્છત્ર, બરેલી, પાંચમી સદી આશરે)

રોજિંદા જીવનના પ્રસંગો માટીની કલામાં વ્યક્ત કરાતા. ગુપ્ત સમયની એક તખ્તીમાં એક યુગલ વાતોમાં મગ્ન દર્શાવ્યું છે. તેમાં બંનેની આકૃતિઓમાં સૌહાર્દ વ્યક્ત થતું દૃષ્ટિગોચર થાય છે. આ તખ્તી મહાસ્થાન(બંગાળ)માંથી મળી આવી છે.

રમકડાં ઉપરાંત ધાર્મિક કાર્ય માટે પકવેલી માટીનો ઉપયોગ આજે પણ ધ્યાન ખેંચે છે. માનતા માટેના માટીના ઘોડા અને હાથીઓ સંખ્યાબંધ ઐઈનાર(દક્ષિણ ભારત)ના મંદિરની પાસે મૂકવામાં આવે છે. વળી મણ્ણારગુડીના કૃષ્ણના મંદિરમાં સંતાન ગોપાલને સેંકડોની સંખ્યામાં બાળકોની આકૃતિઓ અર્પણ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વિનાયકચતુર્થીને દિવસે ગજાનનની સુંદરમાં સુંદર કલાત્મક આકૃતિઓ માટીમાંથી બનાવવામાં આવે છે. બંગાળમાં સરસ્વતી અને દુર્ગાપૂજા વખતે કુંભારો માટીની ભવ્ય મૂર્તિઓ બનાવે છે. મોહેં-જો-દડો તથા લોથલ(હડપ્પા સંસ્કૃતિ)ના સમયથી આજદિન સુધી માટીની આકૃતિઓ બનાવવાની પ્રણાલી ચાલુ રહી છે. એક વખત જોનાર તેને કદી ભૂલી શકે નહિ એવી સુંદર આકૃતિઓ આ માટીની કલામાં રજૂ થયેલી છે. (વધુ માહિતી માટે જુઓ ‘ટેરાકોટા’.)

પ્રિયબાળાબહેન શાહ