માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી, છીપલાં, દીવાસળી, છાપું વગેરે ગમે તે વસ્તુ ખાવાની તીવ્ર ઇચ્છા અનુભવે છે. અંગ્રેજી શબ્દ ‘pica’ બધું જ ખાઈ જતા એક પક્ષીના મૂળ લૅટિન નામ ‘magpie’ પરથી આવ્યો છે. લોહતત્વની ઊણપ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓમાં તથા બાળકોમાં વધુ થતી હોવાને કારણે મૃદભક્ષણ પણ તેમનામાં વધુ જોવા મળે છે. પરંતુ તે અન્ય વ્યક્તિઓમાં પણ હોઈ શકે. એક અંદાજ મુજબ અમેરિકામાં 27 %થી 75 % સગર્ભા સ્ત્રીઓ તથા 17 %થી 27 % બાળકોમાં તે જોવા મળે છે. માટીમાંનાં અન્ય દ્રવ્યો ખોરાકમાંના લોહને રાસાયણિક સંયોજનો વડે ગ્રહી લે છે. તેને કારણે લોહનું અવશોષણ ઘટે છે અને દર્દીની લોહતત્વની ઊણપની સમસ્યા વધુ વિષમ બને છે. ઘણી વખત મૃદભક્ષણનું વર્તન દર્શાવતી વ્યક્તિમાં પાંડુતા (anaemia) અથવા હીમોગ્લોબિનની ઊણપ ન પણ થયેલી હોય, છતાં તેમનામાં લોહતત્વની ઊણપ તો થયેલી જ હોય છે. મૃદભક્ષણને કારણે લોહતત્વની ઊણપ થવાની સંભાવના હોવા છતાં તેને પોતાને પણ લોહની ઊણપનું એક મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. આમ તે લોહતત્વની ઊણપનું કારણ તથા લક્ષણ બંને છે. આવા દર્દીને સારવારરૂપે લોહતત્વ આપવાથી મૃદભક્ષણ આપોઆપ બંધ થાય છે. બાળક જો મૃદભક્ષણરૂપે ભીંત પરના સીસાવાળા રંગોના પોપડા ખાય તો તેને સીસાની ઝેરી અસર થવાની સંભાવના રહે છે.

શિલીન નં. શુક્લ