માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા આકા હુસૈન ખ્વાનસારી પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. તેમને શરૂઆતથી કવિતા લખવાનો શોખ હતો અને શાયરીમાં તેઓ મિર્ઝા તબરીઝી જેવા વિખ્યાત કવિના શિષ્ય હતા. સુલેખનકળા તેઓ અબ્દુર્રશીદ દયલમી જેવા મહાન કલાકાર પાસે શીખ્યા હતા. અશરફે પોતે ચિત્રકાર હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે પોતાના ગુરુઓની પ્રશંસામાં કસીદા કાવ્યો લખ્યાં હતાં. 1659માં તેમના કુટુંબમાં પુત્ર તથા પિતામહનું અવસાન થવાથી તેઓ વતન છોડીને ખુરાસાનના માર્ગે ભારત આવી પહોંચ્યા. તે વખતે ભારતમાં ઔરંગઝેબના શાસનની શરૂઆત થઈ હતી. મુઘલ સમ્રાટે અશરફ માઝન્દરાનીની વિદ્વત્તા તથા પવિત્રતા જોઈને તેમને પોતાની શાહજાદી ઝૈબુન્નિસાના ગુરુ બનાવ્યા હતા. શાહજાદીએ અશરફ પાસેથી લગભગ 13 વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું. 1672માં પોતાના વતનની યાદ આવતાં અશરફે એક સરસ ફારસી કાવ્ય લખીને શાહજાદી પાસે ભારત છોડવાની પરવાનગી માંગી અને પરવાનગી મળતાં તેઓ ઇસ્ફહાન પાછા ગયા હતા. 1707માં ઔરંગઝેબના શાસન દરમિયાન મૌલાના અશરફ પાછા ભારત આવ્યા. હવે મુઘલોની જાહોજલાલી રહી ન હતી. તેઓ કેટલાંક વર્ષો શાહજાદા અઝીમુશ્શાનની સાથે અઝીમાબાદ–પટણામાં રહ્યા હતા. શાહજાદો અઝીમુશ્શાન તે વખતે બિહારનો સૂબેદાર હતો. અઝીમુશ્શાન તેમને બહુ માન આપતો હતો. બંગાળાના રસ્તે હજયાત્રા માટે સમુદ્રી જહાજમાં જતાં રસ્તામાં મોંગીરમાં જ તેમનું અચાનક અવસાન થયું. મોંગીરમાં તેમનો મકબરો છે; પણ તેમના અવસાનની તારીખ મળતી નથી.
મૌલાના અશરફ ઉચ્ચ કોટિના ફારસી કવિ હતા. તેમના દીવાનમાં કસીદા, ગઝલ, મસ્નવી વગેરે પ્રકારનાં કાવ્યો મળે છે. તેમના દીવાનની, તેમના પોતાના હાથે સુંદર અક્ષરોમાં લખાયેલી એક હસ્તપ્રતમાં 1672 સુધીનો તેમનો કલામ મળે છે; જ્યારે 1684ની બીજી હસ્તપ્રતમાં પહેલાં કરતાં પ્રમાણમાં વધુ કાવ્યો સચવાયાં છે. તેઓ વિચારપ્રેરક અને અર્થપૂર્ણ વિષયો ઉપર કાવ્યો લખતા હતા. તેઓ કવિતા લખવામાં એવા પાવરધા હતા કે લોકો સાથે વાતો કરતાં કરતાં અથવા વાચન કરતાં કરતાં કાવ્યો લખી દેતા. તેમણે હિંદુસ્તાની તહેવાર હોળી ઉપર પણ કાવ્ય લખ્યું છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી