માછલી (Fish)
કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના આધારે તેમને જુદા જુદા વર્ગનાં ગણવામાં આવે છે.
અત્યંત ઉષ્ણ કે ખારાં (દા.ત. સૉલ્ટ-લેક, યુ.એસ.) જળાશયો બાદ કરતાં, સ્થિર પાણી જ્યાં હોય તેવાં બધાં સ્થળોમાં માછલીઓ વાસ કરતી હોય છે. પહાડી ઝરણાં (mountain streams) હોય કે દરિયાનો તલપ્રદેશ, ઉષ્ણ કટિબંધનો પ્રદેશ હોય કે ધ્રુવ-પ્રદેશ, લગભગ બધા પ્રકારનાં જળાશયોમાં માછલી તરતી-ફરતી દેખાય છે. વિવિધ પ્રકારનાં જળાશયીન પર્યાવરણોમાં રહેવા માછલીઓ અનુકૂલન પામેલી હોવાથી બંધારણ કે દેહધાર્મિક ર્દષ્ટિએ તેમનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. વળી માછલીના વસવાટની ર્દષ્ટિએ દરિયાનો પણ ઉપલો સ્તર (pelagic), મધ્યસ્તર (columnar layer), નિમ્નસ્તર (deep layer), તલસ્થ પ્રદેશ (bottom), ખાડી (estuary), ખડકાળ (rocky) પ્રદેશ, રેતાળ, કાદવમય અને શેવાળજન્ય તટવર્તી પ્રદેશ જેવા વિવિધ વિભાગ પાડવામાં આવે છે. પર્યાવરણની ર્દષ્ટિએ ઉપર્યુક્ત આવાસોમાં વિવિધતા હોવાથી, ત્યાં રહેલી માછલીઓમાં પણ અનુકૂલનાત્મક વિવિધતા જોવા મળે છે.
પ્રારૂપિક માછલીનું બંધારણ : પાણીમાં રહીને ઝડપી પ્રચલન કરવા અનુકૂલન પામેલી પ્રારૂપિક માછલીનું શરીર સુવાહી (streamlined) અને ત્રાક આકારનું હોય છે. માછલીનો આડો છેદ લંબગોળ હોય છે. તે વક્ષછેડેથી તીક્ષ્ણ અને અણીદાર હોય છે. માછલીને ગ્રીવા હોતી નથી, જ્યારે આખું શરીર માથું, ઉરસ, ઉદર અને પૂંછડી – એમ ચાર પ્રદેશોમાં વહેંચાયેલું હોય છે. માથાના કંઠપ્રદેશમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએથી શ્વસનાંગો તરીકે ઝાલરોની જોડ આવેલી હોય છે. અસ્થિમીનોની ઝાલરો ઝાલરઢાંકણ (operculum) વડે ઢંકાયેલી હોય છે, જ્યારે કાસ્થિમીનોમાં ઝાલરો પર ચામડીનું આચ્છાદન હોય છે. 5 જોડમાં આવેલ ઝાલર-દ્વાર (gill opening) વાટે ઝાલરગુહામાં પ્રવેશતા પાણીનો ત્યાગ કરવામાં આવે છે.
ત્વચા : જળાશયોમાં વસવાટ કરતી માછલીની ત્વચા પાણીના પ્રવેશ માટે અભેદ્ય હોય તે અગત્યનું છે. તદનુસાર માછલીની ત્વચા ભીંગડાં (scales) વડે ઢંકાયેલી હોય છે. આદ્ય માછલીઓનાં ભીંગડાં જાડાં હતાં, પરંતુ આધુનિક માછલીઓનાં ભીંગડાં મોટેભાગે અત્યંત પાતળાં અને વજનમાં હલકાં હોય છે. તેમની ગોઠવણ નળિયાંની માફક હોય છે; પરિણામે માછલી પોતાના શરીરને સહેલાઈથી વાળી શકે છે. ત્વચા પર શ્લેષ્મગ્રંથિઓ આવેલી હોય છે. તેના સ્રાવને લીધે માછલીની ત્વચા લીસી રહે છે અને શ્લેષ્મને લીધે તેને બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોથી પૂરતું રક્ષણ મળે છે. લીસી ચામડીને લીધે પરભક્ષણ (predation) તેમજ અપઘર્ષણ(abrasion)થી માછલી સહેલાઈથી બચી શકે છે.
ભીંગડાં : આધુનિક અસ્થિ-મીનોનાં ભીંગડાં અસ્થિનાં બનેલાં હોય છે. મોટેભાગે ભીંગડાં આકારે ગોળ (ચક્રાકાર–cycloid) કે દંતમય (ctenoid) હોય છે. ચક્રાકાર ભીંગડાં ગોળ, લીસાં અને સરળ (smooth) કિનારીયુક્ત હોય છે. દંતમય ભીંગડાંના પશ્ચ કિનારે દાંત જેવા પ્રવર્ધો આવેલા હોય છે. જૂજ માછલીઓનાં ભીંગડાં આકારે સમચતુર્ભુજ (પતંગ જેવાં – rhomboid) હોય છે. તે સહેજ જાડાં હોય છે અને તેમનો ઉપલો સ્તર ગૅનોઇનનો બનેલો હોય છે; જ્યારે મધ્યસ્તરમાં ડેન્ટાઇન આવેલું હોય છે. માત્ર તેનો તલસ્થ ભાગ અસ્થિનો બનેલો હોય છે. આ ભીંગડાં ગૅનોઇડ તરીકે ઓળખાય છે. દંતાભ (placoid) પ્રકારનાં ભીંગડાં કાસ્થિમીનોમાં જોવા મળે છે. તેને એક તલસ્થ તકતી (basal plate) હોય છે, જે ત્વચામાં ખૂંપેલી
રહે છે. તકતી પરથી એક કંટકમય પ્રવર્ધ નીકળે છે. તે સહેજ ઊપસેલો અને પાછલી દિશાએથી વાળેલો હોય છે. તેનું ભીંગડું પોલાણવાળું અને તે ડેન્ટાઇનનું બનેલું હોય છે. એ પોલાણને જ જૂની ગુહા (pulp cavity) તરીકે ઓળખવામાં આવે છે.
બિડાલ મીન (cat fish) જેવી માછલીઓ ભીંગડાં વગરની હોય છે; જ્યારે વામ (eel) જેવી માછલીઓમાં ભીંગડાં અત્યંત સૂક્ષ્મ હોય છે. સ્ટર્જન માછલીનો શીર્ષ-પ્રદેશ હાડકાંની તકતી વડે ઢંકાયેલો હોય છે, જ્યારે એના શરીરના શેષ ભાગ પર પાંચ હારમાં ગોઠવાયેલ હાડકાંનું કવચ આવેલું હોય છે. જળઘોડો (sea horse) અને ચલમ-મચ્છી (pipe fish) જેવી માછલીઓનું શરીર સંપૂર્ણપણે હાડકાંની તકતી અને મુદ્રા વડે ઢંકાયેલું હોય છે. દડો-માછલી(globe fish)ની ત્વચા પર ભીંગડાં હોતાં નથી, પણ કંટકો હોય છે.
વર્ણ : વર્ણની ર્દષ્ટિએ માછલીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ત્વચાનો રંગ કોષોમાં આવેલ રંગકણો(chromatophores)ને આભારી હોય છે. ત્વચા પરની રંગકણોની વિશિષ્ટ ગોઠવણને લીધે ભક્ષકો માછલીને સહેલાઈથી ઓળખી શકતા નથી. સમૂહમાં પ્રયાણ કરતી માછલીઓનો વર્ણ ભાગ્યે જ આંખ અંજાઈ જાય એવો હોય છે; જ્યારે છૂટુંછવાયું એકલ જીવન પસાર કરનાર માછલીઓના રંગમાં ઘણી વિવિધતા રહેલી હોય છે. સામાન્યપણે ઘણી માછલીઓ પીઠ પરથી વાદળી-હરિત રંગની હોય છે; જ્યારે નીચલી બાજુએથી સફેદ હોય છે. આમ ઉપરની બાજુએ આકાશના જેવો રંગ ધારણ કર્યો હોવાથી અને નીચેની બાજુ એનો રંગ પ્રકાશ સાથે સમરસ થઈ જતો હોવાથી તે માછલીઓ ભક્ષકો સામે રક્ષણ મેળવે છે. ભરતી-ઓટના પ્રદેશમાં તળિયાની સપાટીએ વાસ કરતી માછલીઓનો રંગ તલસપાટીની સાથે મળતો આવતો હોય છે. કેટલીક માછલીઓ રંગે ચમકદાર હોય છે અને તે વિષાણુ-કંટકો ધારણ કરે છે. ભક્ષકો આવી માછલીઓનું ભક્ષણ કરતાં અચકાય છે. રંજક પ્રવાળના ખડકોમાં રહેતી માછલીઓ આકર્ષક રંગોવાળી હોય છે. તેમની ત્વચા સામાન્યપણે આડાઅવળા પટાઓવાળી હોય છે. વધારામાં તેઓ એક ખૂણે નેત્ર-ટપકું (eye spot) ધરાવતી હોય છે. દા.ત. પતંગ-મત્સ્ય (butterfly fish). તેથી તે માછલીઓના શરીરની રૂપરેખાઓનું ભંજન થવાથી તેઓ પર્યાવરણ સાથે સર્દશતા ધારણ કરે છે અને દુશ્મનની નજરમાંથી સહેલાઈથી છટકી જાય છે. ઘણી માછલીઓ ગભરાઈ જતાં પોતાનો રંગ બદલીને ભક્ષકને થાપ આપી છટકી જવાનો પ્રયાસ કરતી હોય છે.
આકાર : ઝડપથી તરવાની ક્ષમતા ધરાવતી માછલીઓનું સ્વરૂપ સુવાહી (streamlined) હોય છે; પરંતુ વિવિધ નિકેતોમાં રહેવા અનુકૂલન પામેલી માછલીઓના આકારમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. દા.ત., જળાશયોના તળિયે વાસ કરતી માછલીઓ ઉપર-નીચેથી ચપટી હોય છે. જ્યારે પાણીનો પ્રવાહ નિશ્ચલ હોય તેવા પાણીમાં વાસ કરતી પાપલેટ જેવી માછલીઓનું શરીર પાર્શ્વ બાજુએથી ચપટું હોય છે. દરિયાના ઉપલે સ્તરે માર્ગક્રમણ કરતી બાંગડા કે તારલી જેવી માછલીઓ આકારે અત્યંત સુવાહી હોય છે, જ્યારે મધ્યસ્તરે રહીને માર્ગક્રમણ કરતી માછલીઓના આકારમાં વૈવિધ્ય નજરે પડે છે. દા.ત., પટી-મીન (ribbon-fish) જેવી માછલીઓ રિબનની જેમ ચપટી અને લાંબી હોય છે. જ્યારે વામ (eel) માછલીઓ આકારે સાપના જેવી ગોળ અને લાંબી હોય છે. પાણી છીછરું અને શેવાળયુક્ત હોય તો ત્યાં વાસ કરતી જળઘોડો માછલી માણસની જેમ લંબ-અક્ષમાં સમાંતર એટલે કે ઊભી રહે છે. તેનું મોઢું ઉપરની બાજુએ આવેલું હોય છે. મુખની રચના ઘોડાના શીર્ષ-પ્રદેશના જેવી હોવાથી, આ માછલી જળઘોડો તરીકે ઓળખાય છે. તેની પૂંછડી નીચલી બાજુએ હોય છે અને તે જળાશયમાં આવેલ શેવાળને પકડવા અનુકૂલન પામેલી હોય છે. આ નિકેતમાં વાસ કરતી ચલમ-માછલીનો આકાર ચલમ જેવો હોય છે અને તે જળમાં તેની સપાટીને સમાંતર તરે છે. દરિયાના કાંઠે ભરતી-ઓટવાળા પ્રદેશમાં વસતી કંદુક-માછલી આકારે દડા જેવી ગોળ હોય છે. તેના શરીર પર કંટકો આવેલા હોય છે અને ભક્ષકથી બચવા તે કાંટાળા દડાનું બિહામણું સ્વરૂપ ધારણ કરે છે. દક્ષિણ અમેરિકાની પર્ણ માછલી (leaf fish) આકારે પાંદડા જેવી હોય છે. તેથી ભક્ષકો તેને પાંદડું સમજીને તેનું ભક્ષણ કરવા લલચાતા નથી. એ રીતે દરિયાના ઊંડા પાણીમાં વસતી ઘણી માછલીઓ ચિત્રવિચિત્ર આકારની હોય છે. સ્કેટ અને કિરણમત્સ્ય નામે ઓળખાતી કાસ્થિમીન મોટેભાગે સમુદ્રના તળિયે વાસ કરે છે અને આકારે ઉપરનીચેથી ચપટી હોય છે. તરાબ્લા (devil fish) કાસ્થિમીન પણ ઉપરનીચેથી ચપટી હોય છે, પરંતુ તે મોટેભાગે પૃષ્ઠ-મીનપક્ષોનો ઉપયોગ હલેસાંની જેમ કરી પાણીમાં તરતી જોવા મળે છે.
મીનપક્ષો (fins) : વિકાસની શરૂઆતમાં જન્મ પામેલી આદ્ય માછલીઓ છીછરા પાણીમાં રહીને પરિસર્પણ ગતિ (wriggling movement) વડે પ્રચલન કરવા અનુકૂલન પામી હતી; પરંતુ સમયને અધીન જ્યારે વધુ ક્રિયાશીલ બની અને ખુલ્લા પાણીમાં પ્રવેશ કરવા લાગી ત્યારે પાણીના પ્રવાહની અસર હેઠળ તેમને અનિયંત્રિત આરોહ-અવરોહાત્મક (pitching) લોટણ (rolling) ગતિનો સામનો કરવાનું અનિવાર્ય બન્યું. આ માછલીઓ એમના મીનપક્ષોને લીધે આવાં વિપરીત બળોનો સામનો કરી શકે છે. માછલીના પૃષ્ઠ (dorsal), પુચ્છ (candal) અને વક્ષ (ગુદા–anal) મીનપક્ષો અયુગ્મી હોય છે, જ્યારે સ્કંધ (pectoral) અને નિતંબ (pelvic) મીનપક્ષો સયુગ્મી હોય છે. પાંખ જેવા આકારના આ મીનપક્ષો વડે તેઓ પાણીમાં સ્થિરતા (stability) પ્રાપ્ત કરે છે. વળી તેઓ માછલીનાં ગતિ અને સંચાલન(steering)માં પણ મદદરૂપ નીવડે છે.
પૃષ્ઠ-મીનપક્ષો અને સ્કંધ-મીનપક્ષો શરીરના સ્થિરકારકો (stabilizing agents) તરીકેની ગરજ સારે છે. પૃષ્ઠ-મીનપક્ષો ટટ્ટાર બની જવાથી તે પાણીના ઘર્ષણને અવરોધે છે. તેથી માછલી પાણીમાં સ્થિરતા જાળવી શકે છે. સ્કંધ-મીનપક્ષો શરીરની સમતુલા જાળવવા ઉપરાંત શરીરને યોગ્ય દિશાએ વાળવામાં પણ મદદરૂપ નીવડે છે. ઝડપી ગતિએ પ્રયાણ કરતી તરતી માછલીઓમાં બ્રેક(brake)ની જેમ ગતિ (speed) અટકાવવામાં પણ તે ઉપયોગી થાય છે. સ્કંધમીન-પક્ષો શરીરને કાટખૂણે પાણીમાં પ્રસરવાથી બ્રેક બની માછલીઓની ગતિને અવરોધે છે. ઝડપી ગતિએ માછલી તરતી હોય ત્યારે આ સ્કંધ-મીનપક્ષો શરીરની દીવાલને ચીટકી રહે છે. દરમિયાન ગુદા-મીનપક્ષો પંખાની જેમ ગડીબંધ રહીને શરીરને ચીટકે છે. નિતંબ-મીનપક્ષો માછલીને સ્થિર રાખે છે. પુચ્છ-મીનપક્ષો શરીરને ડાબી કે જમણી દિશાએ વાળવા ઉપરાંત નોદક (propeller) તરીકેની ગરજ સારે છે.
અસ્થિ માછલીઓના મીનપક્ષો પાતળા હોય છે અને તે કિરણો (rays) ધારણ કરે છે, જ્યારે કાસ્થિમીનોના મીનપક્ષો જાડા હોય છે અને તેમના પર ચામડીનું જાડું આવરણ હોય છે.
બિડાલ-મીનો(cat fishes)ના પૃષ્ઠ અને સ્કંધ-મીનપક્ષોના આગલા ભાગમાં આવેલાં કિરણો કંટકોમાં રૂપાંતર પામેલાં હોય છે. આ કંટકો અત્યંત મજબૂત હોય છે. પરિણામે તે ભક્ષક સામે રક્ષણ મેળવે છે અને આક્રમણમાં પણ મદદરૂપ નીવડે છે. કંટક-મીનપક્ષો (acantho-pterygii) પૃષ્ઠ, ગુદા અને નિતંબ-મીનપક્ષોનાં કેટલાંક કિરણો કંટકોમાં રૂપાંતર પામેલાં હોય છે. આ કંટકો ભક્ષકો સામે રક્ષણ આપતા હશે તેમ માનવામાં આવે છે, જ્યારે પૃષ્ઠ-મીનપક્ષોનાં કિરણો દ્રવગતિ(hydro-dynamics)ની ર્દષ્ટિએ માછલીને ગતિશીલ બનાવી શરીરને વાળવામાં સહાયકારી નીવડતાં હોય છે.
નિયમન (osmoregulation) : મીઠાં જળાશયોમાં વસવાટ કરતી માછલીઓના અંત:સ્થ પ્રવાહી(internal fluid)માં આવેલ લવણોનું પ્રમાણ 0.5 % અને 0.6 % જેટલું હોય છે, જ્યારે જળાશયમાં (એટલે બાહ્ય પર્યાવરણિક પાણીમાંનાં) લવણોનું પ્રમાણ નહિવત્ હોય છે. આમ અંત:સ્થ પ્રવાહી અતિપરાસરી (hypertonic) હોય છે. માછલીના ખોરાક સાથે અન્નમાર્ગ વાટે શરીરમાં પાણી સતત પ્રવેશતું હોવાથી પરાસરણ-નિયમનને અધીન તે સહેલાઈથી અંત:પ્રવાહીમાં પ્રસરી શકે છે. તેથી વધારાના પાણીને શરીરમાંથી બહાર કાઢવા મૂત્ર-તંત્ર વધુ ક્રિયાશીલ બને તે અનિવાર્ય બને છે. પરિણામે મૂત્રપિંડો વધારાનું પાણી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. મૂત્રાશયના અભાવમાં મૂત્રનું નિર્માણ થતાં તે અવસારણી વડે સીધું જ પાણીમાં ઠલવાય છે. મૂત્રપિંડમાં પાણીનું શોષણ કરવા અત્યંત વિપુલ પ્રમાણમાં ઉત્સર્ગઘટકો (nephrons) આવેલા હોય છે; પરંતુ મીઠાં જળાશયોમાં લવણોની સાવ અછત હોવાને કારણે મૂત્રપિંડોમાંથી લવણોનું ઉત્સર્જન જવલ્લે જ થાય છે અને મૂત્ર અત્યંત અલ્પપરાસરી (hypotonic) હોય છે. મીઠાં જળાશયની માછલીઓ ખોરાક ઉપરાંત ઝાલર વાટે પણ લવણોનું શોષણ કરી શરીર માટે વધારાનું લવણ મેળવી લે છે. આનાથી ઊલટું દરિયાઈ માછલીઓના અંત:સ્થ પ્રવાહી(internal fluid)માં લવણનું પ્રમાણ, દરિયાઈ પાણીના કરતાં સાવ ઓછું હોય છે. ખોરાક વાટે વધારે લવણયુક્ત પાણી શરીરમાં સતત પ્રવેશતું હોય છે. પરિણામે આસૃતિદાબ-નિયમન હેઠળ પાચનતંત્રમાં પ્રવેશેલાં લવણો અંત:સ્થ પ્રવાહીમાં આવેલા પાણીનું શોષણ કરી શકે છે, જે શરીર માટે ખતરનાક નીવડે છે. શરીરના પ્રવાહીમાં પાણીનું પ્રમાણ જળવાય અને શરીરમાં પ્રવેશેલ વધારાના લવણનો ત્યાગ કરવામાં આવે, તે અગત્યનું છે. દરિયાઈ માછલીઓ ઝાલર વાટે પણ લવણનો ત્યાગ કરતી હોય છે. મૂત્ર વાટે તે ભાગ્યે જ પાણીનો ત્યાગ કરતી હોય છે. તેથી મૂત્રપિંડમાં ઉત્સર્ગઘટકોનું પ્રમાણ નહિવત્ હોય છે અને મૂત્ર અત્યંત અલ્પપરાસરી હોય છે.
નદીમાંનું પાણી ભરતી-મુખપ્રદેશ (estuary) વાટે સતત દરિયા તરફ વહે છે, જ્યારે ભરતી દરમિયાન દરિયાનું પાણી ભરતી-મુખ વાટે નદીમાં પ્રવેશતું હોય છે. તેથી ભરતી-મુખપ્રદેશમાં વહેતાં પાણીની ક્ષારતામાં સતત વધઘટ થયા કરે છે. તેથી આ પાણીના આસૃતિ-દાબમાં સતત થતા ફેરફારો સાથે ત્યાં વસતી માછલીઓ અનુકૂલન પામેલી હોય તે અગત્યનું છે. માત્ર આવી રીતે અનુકૂલન પામેલી વિશિષ્ટ માછલીઓ જ ભરતી-મુખપ્રદેશમાં વસવાટ કરે છે.
કેટલીક માછલીઓ પ્રજનનકાળ દરમિયાન પ્રજનનાર્થે મીઠાં જળાશયોમાંથી દરિયા તરફ જ્યારે કેટલીક માછલીઓ દરિયામાંથી મીઠાં જળાશયો તરફ પ્રયાણ કરતી હોય છે. ભારતમાં મીઠાં જળાશયોમાં વસતી વામ (Anguilla bengalensis) માછલી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી ઉત્તર યુરોપમાં આવેલ દરિયામાં પ્રજનન કરે છે. આ માછલી સ્થળાંતર દરમિયાન ભરતી-મુખપ્રદેશમાં ઘણો સમય ગાળીને દરિયામાં પ્રવેશે છે. તે જ પ્રમાણે અરબી સમુદ્રમાં વસતી કેટલીક દા.ત., ચાકસી (hilsa) જેવી દરિયાઈ માછલીઓ ઈંડાં મૂકવા નર્મદા નદીમાં પ્રવેશતી હોય છે.
ઉત્પ્લાવકતા (buoyancy) : ટિલિયૉસ્ટી (અસ્થિમીન) સમૂહની મોટાભાગની માછલીઓની શરીર-ગુહામાં એક વાયુ-કોથળી (air/swim bladder) આવેલી હોય છે. વાયુ-કોથળીયુક્ત માછલીઓની વિશિષ્ટ ઘનતા (specific gravity) લગભગ જળાશયીન પાણીના જેટલી હોય છે. એટલે કે મીઠા જળાશયની માછલીની વિશિષ્ટ ઘનતા આશરે 1.000 જ્યારે દરિયાઈ માછલીની આશરે 1.026 હોય છે. પરિણામે આ માછલી પાણીમાં વિશિષ્ટ (specific) સ્તરે રહેવા અનુકૂલન પામેલી હોય છે. વાયુ-કોથળીથી માછલીને સ્થિરતા આવે છે અને તે તેને ડૂબી જતાં અટકાવે છે.
મોટાભાગની વાયુ-કોથળી વગરની માછલીઓ દરિયાનિવાસી હોય છે. કાસ્થિ-મત્સ્યો કોથળી વગરનાં હોય છે, અને તે મુખ્યત્વે દરિયાનિવાસી તરીકે જીવન પસાર કરતાં હોય છે. દરિયાઈ ટિલિયૉસ્ટી માછલીઓની વિશિષ્ટ ઘનતા સામાન્યપણે 1.06થી 1.09 જેટલી હોય છે. મોટાભાગનાં કાસ્થિ-મત્સ્યોની વિશિષ્ટ ઘનતા પણ લગભગ ઉપરનાં જેટલી જ હોય છે. શરીરની વિશિષ્ટ ઘનતા સહેજ વધારે હોવાથી ડૂબી ન જવાય તે માટે શાર્ક જેવી કેટલીક માછલીઓના સ્કંધ-મીનપક્ષો જલપર્ણિકા(hydrofoils)ની ગરજ સારે છે. જોકે ઘણાં કાસ્થિ-મત્સ્યોમાં વજનમાં સાવ હલકાં એવાં સ્ક્વૅલિન જેવાં તત્વો આવેલાં હોય છે. પરિણામે તેમનું શરીરનું વજન હલકું બની જવાથી, તેની વિશિષ્ટ ઘનતા લગભગ દરિયાના પાણી જેટલી થાય છે.
ઊંડા પાણીમાં રહેતી માછલીઓને નીચલે સ્તરે ક્રમશ: વધતા પાણીનું દ્બાણ પણ સહન કરવું પડે છે. તેથી નીચેના સ્તરે રહેતી માછલીઓમાં સામાન્ય રીતે વાયુ-કોથળીઓનો અભાવ હોય છે. નીચલે સ્તરે વાસ કરતી જૂજ માછલીઓમાં જ તે આવેલી હોય છે. તે અત્યંત નાની અને અવશિષ્ટ રૂપે આવેલી હોય છે. ઉપલે સ્તરે રહેતી માછલીઓ વાયુ-કોથળીમાં રહેલા વાયુના પ્રમાણમાં વધ-ઘટ કરી પાણીની વિવિધ સપાટીએ અને પાણીના નીચલા સ્તરે પણ ખોરાકની શોધ માટે જઈ શકે છે. વાયુ-કોથળીઓ પાચનતંત્ર સાથે સંકળાયેલી નલિકા હોય છે. આ નલિકાનું દ્વાર-છિદ્ર કેટલીક માછલીઓમાં ખુલ્લું હોય છે, જ્યારે કેટલીકમાં તે સાવ બંધ હોય છે. દ્વાર ખુલ્લું હોય એવી માછલીઓ વિશિષ્ટ ઘનતા જાળવવા પર્યાવરણમાંથી વાયુને લેવાની અને પછી મૂકવાની ક્રિયા કરે છે. જોકે મોટાભાગની વાયુ-કોથળીયુક્ત માછલીઓ રુધિર દ્વારા હવાનાં ગ્રહણ-ત્યાગ કરતી હોય છે. બાંગડા જેવી માછલીઓ પાણીના ઉપલા સ્તરે રહેવા છતાં તેમની વાયુ-કોથળીઓ તદ્દન નાની હોય છે, પરંતુ તેઓ હમેશાં ઝડપથી તરતી હોવાના કારણે શીઘ્ર ગતિને કારણે પાણીમાં ડૂબી જતી નથી.
વિશ્રાંતિ અને નિદ્રા : અન્ય પ્રાણીઓની જેમ માછલીઓ માટે પણ વિશ્રાંતિ અનિવાર્ય હોય છે. તેઓ એક જગ્યાએ સ્થિર રહીને થોડોક સમય લગભગ નિષ્ક્રિય બની વિશ્રાંતિ ભોગવે છે. જોકે કેટલીક માછલીઓ સ્થિરતા જાળવવા યુગ્મ-મીનપક્ષોને હલાવતી હોય છે. માછલીઓને પાંપણ નહિ હોવાથી તેઓ આંખને ઢાંકી શકતી નથી. કેટલીક માછલીઓ પાણીને તળિયે જઈ ત્યાં આરામ કરતી હોય છે. કૅરિબિયન પ્રદેશની કેટલીક માછલીઓ શરીર પર રેતીનું આવરણ ઓઢીને વિશ્રાંતિ લે છે. પ્રોટોપ્ટેરસ જેવી હવાશ્વાસી માછલીઓ જળાશયમાં પાણીની અછત થતાં કાદવમાં દટાઈ રહીને ગ્રીષ્મનિદ્રા (hibernation) લે છે.
ત્વચીય સંવેદનાંગો : જળાશયોનું પાણી સ્થિર હોય અથવા વહેતું પણ હોય. વહેતા પાણી–પ્રવાહની અસર હેઠળ માછલીના શરીરનું વિચલન થતું હોવાથી, તે પાણીના વહેણમાં થતા ફેરફાર પ્રમાણે અનુકૂલન સાધે છે. તે માટે તેનામાં પાર્શ્વરેખાતંત્ર (lateral line system)ની ગોઠવણ થયેલી છે. (આકૃતિ 1, 6 અને 7) આ સંવેદનાંગ
શરીરના ધડ-પ્રદેશની પ્રત્યેક બાજુએ રેખારૂપે આવેલું હોય છે. આ રેખા ભીંગડાં સાથે સંકળાયેલી હોય છે. પ્રત્યેક ભીંગડું નલિકાયુક્ત હોય છે અને પર્યાવરણિક પાણી સાથે સાતત્ય જાળવે છે. નલિકામાં સંવેદનાંગો તરીકે સમૂહમાં કેશ-કોષો (hair-cells) આવેલા હોય છે. આ સમૂહો જેલી જેવા પદાર્થવાળી પ્યાલી(cupula)માં ગોઠવાયેલા હોય છે. આ સંવેદનાંગોને ચેતા પૅપિલા (neuromasts) કહે છે. કેશતંતુઓ પાણીના વહેણથી ચેતનશીલ બને છે. પરિણામે મસ્તિષ્ક-ચેતા ઊર્મિવેગોને ઝીલી તેનો ખ્યાલ મગજને આપે છે.
શાર્ક જેવી કાસ્થિમીનના શીર્ષપ્રદેશમાં વિદ્યુતીય સંવેદનાંગો (electrosensory receptors) તરીકે ઍમ્પ્યુલા ઑવ્ લૉરેંઝિની નામે ઓળખાતા સંવેદનાંગો હોય છે. તે જેલી જેવા પદાર્થવાળી નલિકારૂપે હોય છે. આ વિદ્યુતીય સંવેદનો ભક્ષ્યને શોધવામાં મદદરૂપ નીવડે છે. વળી તેઓ પર્યાવરણિક પાણીના તાપમાનમાં થતા ફેરફારો તેમજ પાણીના દબાણમાં થતા ફેરફારોથી વાકેફ રહેવામાં માછલીને સહાયભૂત થાય છે.
મૂછાંગો (barbels) : મુખ્યત્વે બિડાલમીનો(catfishes)માં બેથી ચાર જોડમાં મૂછાંગો તરીકે ઓળખાતાં અંગો જડબાં પરથી નીકળે છે. મૂછાંગો સ્વાદકલિકાયુક્ત હોય છે. સામાન્યપણે બિડાલમીનોની આંખ નાની હોય છે અને મૂછાંગોના સંપર્કથી પરિસરમાં તેઓ સહેલાઈથી માર્ગક્રમણ કરતી હોય છે.
શ્વસન : કંઠનળીની પાર્શ્વ બાજુએ શ્વસનાંગો તરીકે ઝાલરાંગો (gills) હોય છે. ઝાલરો કંકાલતંત્રની ઝાલરકમાનો પરથી નીકળે છે. પ્રત્યેક ઝાલર બે અર્ધઝાલરો (hemibranehes)ની બનેલી હોય છે અને તે ઝાલરતંતુઓ(gill filaments)માં વહેંચાયેલી છે. ઝાલરતંતુ ગડીયુક્ત હોય છે. પરિણામે તેની સપાટીમાં સારો એવો વધારો થયેલો હોય છે. ગડીઓમાં અનેક કેશજાલિકા હોય છે. હૃદયમાંથી નીકળતી વક્ષ-મહાધમની (ventral aorta) હૃદયમાંથી રુધિર મેળવીને અંતર્વાહી ધમની (affernt artery) વડે ઝાલરોમાં તે ઠાલવે છે. પરિણામે ઝાલરોમાંથી વહેતું લોહી પ્રાણવાયુયુક્ત બનીને બહિર્વાહી ધમની (efferent artery) દ્વારા પૃષ્ઠ-મહાધમની (dorsal aorta) તરફ વહે છે. આ મહાધમનીમાંથી વહેતા રુધિરને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે.
શ્વસન-પ્રક્રિયા દરમિયાન જળાશયનું પાણી મુખદ્વાર વાટે કંઠનળીમાં અને ત્યાંથી ઝાલરગુહા તરફ વહે છે. ઝાલરગુહામાં તેની સાથે શ્વાસોચ્છવાસનો સંપર્ક થાય છે અને કાર્બન ડાયૉક્સાઇડયુક્ત પાણી ઝાલરદ્વાર વાટે શરીરમાંથી બહાર નીકળે છે.
સામાન્યપણે માછલીઓમાં ઝાલરોની ચાર જોડ હોય છે. જોકે કાસ્થિમત્સ્ય હેક્ઝાંકસમાં ઝાલરોની છ અને હેપ્ટ્રાંકસમાં સાત જોડ આવેલી હોય છે.
કાર્પ જેવી માછલીઓ કોઈક વાર પાણીની પૃષ્ઠસપાટીએ આવીને વાતાવરણમાંથી હવા મેળવે છે. પાણીમાં ઓગળેલ પ્રાણવાયુનું પ્રમાણ ઘટતાં તેઓ બાહ્ય વાતાવરણમાંથી શ્વાસ લેવા પ્રેરાય છે. આ કારણસર ઘણી વાર મત્સ્યઘરો(aquaria)માં આવેલી માછલીઓ સપાટીએ આવી હવાનો શ્વાસ લેતી જોવા મળે છે. મીઠાં જળાશયોમાં, ખાસ કરીને છીછરાં પાણીમાં, વસતી કેટલીક માછલીઓ તેમજ દરિયાકિનારે વસતી કાદવમાછલીઓ (mud skippers) અને વામ (eel) માછલીઓ ત્વચા વાટે વાતાવરણની હવા ગ્રહણ કરે છે. આવી માછલીઓને હવા-શ્વાસી (air-breathers) કહેવામાં આવે છે.
મરળ માછલીમાં શ્વાસ માટે કંઠનળીમાં હવાખંડો (air chambers) આવેલા હોય છે. ઍનાબાસ માછલી પોતાના ઝાલરખંડોમાં ફૂલ જેવા આકારનાં હવાશ્વાસી અંગો ધરાવે છે. શિંગી(heteropneustes)માં અન્નમાર્ગની ઉપર હવા-શ્વાસી કોથળી(air-sac)ની ગોઠવણ હોય છે.
ખોરાક : મોટાભાગની માછલીઓ માંસાહારી હોય છે. જૂજ માછલીઓ વનસ્પતિ અને સૂક્ષ્મજીવોનો આહાર લે છે. ઘાસ-કાર્પ જેવી માછલીઓ, જડબાં તેમજ કંઠનળીની ઉપલી સપાટીએ આવેલ દાંતના જેવા પ્રવર્ધોની મદદથી વાનસ્પતિક ખોરાક કાતરીને ખાય છે. કાર્પ અને જૂજ મીઠાં જળાશયોની નાના કદની સૂક્ષ્મજીવો પર નભતી માછલીઓની ઝાલરકમાનો ઝાલર-પ્રવર્ધો વડે જોડાયેલી હોય છે. આ ઝાલર-પ્રવર્ધો ગળણી તરીકે કાર્ય કરી સૂક્ષ્મજીવોને ઝાલરખંડ તરફ જતા અટકાવે છે અને આ સૂક્ષ્મજીવો અન્નનળી વડે માછલીઓના ખોરાક તરીકે અન્નમાર્ગમાં પ્રવેશે છે.
પિરાણ્હા માછલીઓની દાંતની કિનારી અસ્મા જેવી તીણી હોય છે. કેટલીક માછલીઓના દાંત સોયની જેમ અણીદાર હોય છે, જ્યારે અન્ય કેટલાંકમાં તેની કિનારી ચપ્પુને મળતી આવે છે. ગરુડ-કિરણ (eagle ray) મીન અને પૉર્ટ જૅકસન શાર્કના દાંત ઘંટી(mill)ની માફક મૃદુ શરીરોના કવચનો ભૂકો કરે છે. કૉડ જેવી માછલીઓ ભક્ષ્યને આખું ગળે છે. માનવભક્ષી શાર્કના દાંત દેખાવે અત્યંત ભયંકર હોય છે અને પાણીમાં ફસાયેલા માનવ અને અન્ય મોટા કદનાં પ્રાણીઓને તે ચીરી કાપી ખાઈ જાય છે.
કંકાલતંત્ર : કંકાલતંત્રના આધારે માછલીઓને અસ્થિમત્સ્ય અને કાસ્થિમત્સ્ય એવા બે સમૂહોમાં વહેંચવામાં આવે છે. અસ્થિમત્સ્યોનું કંકાલતંત્ર મુખ્યત્વે હાડકાંનું બનેલું હોય છે, જ્યારે કાસ્થિમત્સ્યોનું કાસ્થિયુક્ત હોય છે. સામાન્યપણે આ બંને પ્રકારની માછલીઓમાં ધડ અને પૂંછડીપ્રદેશનું મધ્યસ્થ માળખું કરોડસ્તંભનું બનેલું હોય છે. કરોડસ્તંભ અનેક કશેરુકાઓ(vertebrae)માં વહેંચાયેલો હોય છે. અસ્થિમત્સ્યોની કશેરુકા પૃષ્ઠકંટક ઉપરાંત, પુચ્છપ્રદેશમાં વક્ષકંટક વડે જોડાયેલી હોય છે. આ કંટકો મુખ્યત્વે શરીરના સ્નાયુઓને આધાર આપે છે. કાસ્થિમત્સ્યોમાં આવેલી ખોપરી કાસ્થિઓના વિલયનથી એક સળંગ પેટીનું સ્વરૂપ ધારણ કરે છે. અસ્થિમત્સ્યોની ખોપરી વિવિધ હાડકાંના જોડાણથી બનેલી હોય છે. મોટાભાગની માછલીઓના કંઠપ્રદેશમાં ઝાલરકમાનોની પાંચ જોડ આવેલી હોય છે, જે ઝાલરાંગોને આધાર આપે છે. અસ્થિમીનોના મીનપક્ષો પક્ષ-કિરણો (finrays) વડે સંધાયેલા હોય છે. કંટક-મત્સ્યોમાં પૃષ્ઠ અને ગુદા-મીનપક્ષોનાં આગલાં કિરણો કંટકોમાં રૂપાંતરિત થયેલાં હોય છે. સ્નાયુઓમાં ખૂંપેલા પક્ષ-ધર (pterygiophore) નામે ઓળખાતાં હાડકાં પક્ષ-કિરણોને આધાર આપે છે. કાસ્થિમીનોમાં પણ મીનપક્ષોના તલસ્થ ઘટકો તરીકે પક્ષધરો આવેલા હોય છે. વધારામાં પક્ષધરો પર કૉલેજનની બનેલી અર-કેશ (ceratotrich) નામે ઓળખાતી ઝીણી સળીઓ આવેલી હોય છે.
પ્રજનનાંગો અને પ્રજનન : મોટાભાગની માછલીઓ પ્રજનનકાળ દરમિયાન બાહ્ય ફલનને અનુસરે છે. આમ તો માછલીઓ પાણીમાં રહેતી હોવાથી જનનકોષોનું સંયોજન સહેલાઈથી થઈ શકે છે; પરંતુ તે માટે શુક્રકોષોનો ત્યાગ અંડકોષોની સમીપ થાય તેની અગત્ય છે; તેથી નર અને માદા માછલીઓ એકબીજાના સાંનિધ્યમાં આવે તો જ ફલનપ્રક્રિયા સિધ્ધ થાય બને છે. નર અને માદા જનનકોષોના વિમોચન અને ફલિતાંડ (fertilized egg) સાથે સંકળાયેલ પ્રક્રિયાને અંડ-જનન (spawning) કહે છે. મોટાભાગે અંડજનન-પ્રક્રિયા માત્ર અંડ-જનન ઋતુ (spawning season) નામે ઓળખાતા વિશિષ્ટ કાળ દરમિયાન થાય છે.
ઘણી માછલીઓ જનનકોષોના ત્યાગ માટે અંડ-જનનક્ષેત્ર (spawning ground) તરફ જતી હોય છે. મોટાભાગની માછલીઓનું અંડજનન-સ્થળ પોતાના કાયમી રહેઠાણની નજીક હોય છે, જ્યારે કેટલીક માછલીઓ લાંબું અંતર કાપી અંડજનન-સ્થળ તરફ પ્રયાણ કરે છે. દા.ત., મીઠા જળાશયની ઍંગ્વિલા બેંગાલેન્સિસ નામે ઓળખાતી ‘વામ’ માછલી દરિયામાં પ્રવેશ કરી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી શીત પ્રદેશમાં આવેલા ઉત્તર-યુરોપના ટાપુઓ સુધી જઈ ત્યાં જનનકોષોનો ત્યાગ કરે છે. પ્રવાસ કરીને થાકેલી આ માછલીઓ અંડજનન-પ્રક્રિયા પછી મૃત્યુ પામે છે; પરંતુ તેનાં ડિમ્ભો લાંબું અંતર કાપીને મીઠાં જળાશયોમાં પ્રવેશીને ત્યાં વસવાટ કરે છે. ચાકસી (hilsa) માછલી આમ તો દરિયામાં વસે છે, પણ અંડજનન માટે તે નદીમાં પ્રવેશ કરે છે. શુક્લતીર્થ પાસે આવેલો નર્મદા નદીનો પ્રદેશ ચાકસી માછલીના અંડજનન-સ્થળ તરીકે જાણીતો છે. ચોમાસાની શરૂઆત સાથે ચાકસી માછલીઓ હજારોની સંખ્યામાં દરિયામાંથી નર્મદા નદીમાં પ્રવેશ કરી અંડજનન-સ્થળ સુધી પ્રવાસ કરી ફલનક્રિયા પાર પાડે છે.
મીઠા જળાશયમાં વાસ કરતી કટલા, રોહુ કે મૃગલ જેવી કાર્પ માછલીઓ વર્ષાઋતુની શરૂઆતમાં વહેતા પાણીમાં પ્રવેશીને ત્યાં સંવનન કરે છે. સંવનનકાળ દરમિયાન સૌપ્રથમ નર માદાથી આકર્ષાય છે અને તેની ફરતે ગોળ ગોળ ઘૂમ્યા કરે છે. તેના પ્રભાવ હેઠળ માદા ઉત્તેજાય છે અને પાણીમાં ઈંડાંનો ત્યાગ કરવા પ્રેરાય છે. વિમોચિત ઈંડાંની સંખ્યા લાખોમાં હોય છે. ઈંડાંનું વિમોચન થતાં તુરત જ નર તેમના પર શુક્રકોષો છોડે છે. ઈંડાં તેથી ફલિતાંડમાં ફેરવાય છે અને અનુકૂળ પર્યાવરણને અધીન વિકાસ પામતાં તેમાંથી બચ્ચાં ઉદભવે છે.
બચ્ચાંની સંભાળ : કેટલીક માછલીઓ બચ્ચાંની સંભાળ જાતે જ કરે છે. ભારતના રાવસને મળતી ટ્રાઉટ અને સાલ્મન માછલીઓ ઈંડાંનું રક્ષણ કરવા માટે જાણીતી છે. દરિયાઈ વિસ્તારના શેવાળ-પ્રદેશમાં વાસ કરતી સ્ટિકલ-બૅક માછલી ઈંડાંનું જતન કરવા પોતાના મૂત્રપિંડમાંથી ચીકણા પદાર્થનો સ્રાવ શેવાળ પર કરીને એક માળો બાંધે છે, જેની રચના ઝૂલાના જેવી હોય છે. માળો તૈયાર થયા પછી ક્રમશ: એક અથવા વધારે માદાની પૂંછડીને કરડી તેમને આકર્ષી માળામાં ઈંડાં મૂકવા પ્રેરે છે, અને માળા તરફ લઈ જાય છે. ત્યાં ઈંડાં મુકાય કે તુરત જ નર તેમના પર શુક્રકોષોનું વિમોચન કરે છે અને તેથી જન્મેલાં બચ્ચાં માળાથી દૂર ન જાય તેની ખાસ કાળજી લે છે. માળો બાંધનાર અન્ય માછલીઓમાં બુલહેડ, ઍનાબાસ જેવીનો સમાવેશ થાય છે.
કેટલાંક બિડાલમીનોનાં ફલિતાંડોનો વિકાસ નરના મોઢાની અંદર થતો હોય છે ! આ કાળ દરમિયાન, મોઢામાં વિકાસ પામતા ગર્ભોને લીધે આશરે પંદર દિવસ સુધી નરને ખોરાકથી વંચિત રહેવું પડે છે. નરના મુખમાંનાં ઈંડાંમાંથી બચ્ચાં જન્મ પામ્યા પછી તેના મુખની આસપાસ હરતાંફરતાં જોવા મળે છે. જો વધુ સમય સુધી બચ્ચાં પિતા જોડે રહેવા મથે તો ભૂખ્યો પિતા બચ્ચાંને ખાઈ જાય તેવું પણ બને છે.
જળઘોડાના પીઠ-પ્રદેશ પર એક કોથળી આવેલી હોય છે. માદા એ કોથળીમાં ઈંડાં મૂકતી હોય છે. બચ્ચાંનો વિકાસ પણ એ કોથળીમાં જ થતો હોય છે. આ કાળ દરમિયાન નર(પિતા)નું પેટ ફૂલેલું દેખાય છે. નર ચલમ-માછલી(pipe fish)ના પીઠપ્રદેશમાં આવેલ એક લાંબી ખાંચમાં માદા ઈંડાનું વિમોચન કરતી હોય છે. ગર્ભના વિકાસ ઉપરાંત બચ્ચાંને સંભાળવાની જવાબદારી પણ નર ઉપાડતો હોય છે.
વળી કેટલીક માછલીઓ અપત્ય-પ્રસવી (viviparous) હોય છે. તેઓ ઈંડાંનો ત્યાગ કરવાને બદલે સીધાં બચ્ચાંને જ જન્મ આપે છે. તેમના શરીરની અંદર જ અંત:ફલનથી ફલિતાંડો નિર્માણ થતાં હોય છે. નર માદાના શરીરની અંદર શુક્રકોષોનો ત્યાગ કરે તો જ એવું બની શકે છે; દા.ત., નર શાર્ક માછલીઓ માદાના શરીરમાં શુક્રકોષોનો ત્યાગ કરતી હોય છે. નર શાર્કની નિતંબ-મીનપક્ષનો પાછલો છેડો આલિંગકો(claspers)માં પરિવર્તન પામેલો હોય છે. સમાગમ દરમિયાન નર પોતાના શરીરને માદાની ફરતે વાળીને પોતાનાં આલિંગકોને અવસારણીમાં ઘુસાડે છે. પરિણામે શુક્રકોષોનો ત્યાગ સહેલાઈથી માદાના શરીરમાં થાય છે.
કેટલીક શાર્ક માછલીઓમાં આમ તો અંત:ફલન માદાના શરીરમાં થાય છે; પરંતુ ફલિતાંડોનો વિકાસ, શરીરની બહાર માદાએ પોતે નિર્માણ કરેલા એક આચ્છાદનની અંદર થાય છે. આમ ભ્રૂણનો વિકાસ શરીરની બહાર થતો હોય છે. અંત:પ્રસવી એવી કેટલીક શાર્કની માદાઓ પોતાના શરીરમાંની જરદીકોથળી(yolk sac)માં ખોરાકનો સંગ્રહ કરે છે. તેના આધારે ભ્રૂણ પોષણ પામી વિકાસ કરે છે. અન્ય કેટલીક માદા માછલીઓ નાભિ (umbilical cord) જેવું અંગ ધરાવતી હોય છે. એવા અંગની સહાયથી ભ્રૂણ, સીધી રીતે માતાના રુધિર વાટે પોષક દ્રવ્યો મેળવે છે. કેટલીક શાર્ક માછલીઓમાં બચ્ચાંનો શિશુ-અવસ્થાનો વિકાસ પણ માદાના શરીરમાં થતો હોય છે. પરિણામે આવાં સંતાનો જન્મ્યા પછી તુરત જ તરવાની ક્ષમતા ધરાવવા ઉપરાંત ખોરાક પણ સ્વતંત્રપણે મેળવી લેવાની ક્ષમતા ધરાવે છે
અસ્થિમીનોમાં સિક્લિડે કુળની માછલીઓ અપત્યપ્રસવી તરીકે જાણીતી છે. ગપ્પી, ઝોર્સેજ જેવી માછલીઓ અપત્યપ્રસવી તરીકે એકીસાથે અનેક બચ્ચાંને જન્મ આપે છે.
સ્થળાંતર (migration) : ઘણી માછલીઓ પ્રકૃતિગત આદતને લઈને હમેશાં પોતાના પરિસરમાં આમતેમ ફરતી હોય છે; જ્યારે તારલી, બાંગડા જેવી માછલીઓ ખોરાકની શોધ માટે સતત માર્ગક્રમણ કરતી હોય છે. દા.ત., અરબી સમુદ્રની તારલી (sardine) માછલીઓ ખોરાકની શોધ માટે ખંડીય છાજલી તરફ પ્રયાણ કરતી હોય છે. ઊર્ધ્વારોહણ ઘટના(upwelling phenomenon)ને લીધે, ખંડીય છાજલીના નિમ્ન સ્તરે સંઘરાયેલા ખોરાકીય ઘટકો ઉપલી સપાટીએ આવી જાય છે. આથી આવી સપાટી વાનસ્પતિક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે અનુકૂળ રહે છે. આ સપાટીએ સૂક્ષ્મ જીવો ઝડપથી વિકાસ પામે છે અને વંશવૃદ્ધિ કરે છે. તારલી માછલી આવા સૂક્ષ્મ જીવોથી આકર્ષાઈને ઑગસ્ટ-નવેમ્બર દરમિયાન કન્યાકુમારીના પશ્ચિમ કિનારાની ઉત્તર દિશાએ લગભગ કર્ણાટકના કિનારા સુધી પ્રયાણ કરે છે. તે જ પ્રમાણે આ જ અરસામાં બાંગડા માછલીઓનો કાફલો કેરળના ઉત્તરપ્રદેશના કિનારા તરફ ખંડીય છાજલી ક્ષેત્રમાં પ્રવેશ કરી, લગભગ મહારાષ્ટ્રના રત્નાગિરિના કિનારા તરફ ઉત્તર દિશાએ માર્ગક્રમણ કરતો હોય છે. બાંગડા માછલીઓ હમેશાં કાફલામાં ફરતી નજરે પડે છે અને દરેક કાફલામાં તેમની સંખ્યા એકાદ લાખથી માંડીને 20 લાખ જેટલી હોઈ શકે છે ! તેથી ચોમાસા પછીની ઋતુ દરમિયાન અરબી સમુદ્રનો કન્યાકુમારીથી રત્નાગિરિ સુધીનો કિનારો તારલી અને બાંગડા માછલીઓ પકડવા માટે જાણીતો છે.
ઉત્તર અમેરિકાના કિનારે આવેલી કૉડ અને હેક જેવી કદમાં મોટી અને વયસ્ક માછલીઓ ઋતુ અનુસાર પોતાનાં રહેઠાણ બદલતી હોય છે. આ સ્થળાંતર મુખ્યત્વે સ્વજાતિભક્ષણથી રક્ષણ મેળવવા અને ખોરાકપ્રાપ્તિ માટે હોય છે.
ઠંડા પ્રદેશની કેટલીક માછલીઓ શિયાળા દરમિયાન ખોરાકની શોધ માટે તેમજ જળાશયના વિપરીત તાપમાનથી રક્ષણ મેળવવા ઉષ્ણ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. વળી જળાશયમાં ઉપલા સ્તરે વસતી માછલીઓ શિયાળામાં ઠંડીથી બચવા નીચલા સ્તર તરફ ખસતી હોય છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે, કેટલીક માછલીઓ પ્રજનન-કાળ દરમિયાન અંડજનન (spawning) અથવા બચ્ચાંની સંભાળ માટે પણ સ્થળાંતર કરતી હોય છે.
વર્ગીકરણ : મેરુદંડી (chordata) સમુદાયના પૃષ્ઠવંશી અનુસમુદાયની આધુનિક જડબાધારી (gnathostoma) માછલીઓને કાસ્થિમીનો (cartilagienous fishes – Elasmobranchi) અને અસ્થિમીનો (teleostomi) એવા બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચવામાં આવે છે.
કાસ્થિમત્સ્યો : કાસ્થિમત્સ્યોની વહેંચણી બે ઉપવર્ગોમાં થયેલી છે (1) ઇલેર્સ્મોબ્રકિયાઈ અને (2) હોલોસેફાલી, જેમાં શરીરની બહાર ખૂલતી 5થી 7 જોડમાં ઝાલરફાટો (gill slits) આવેલી હોય છે. હોલોસેફાલી માછલીની ઝાલરફાટો ચામડીની ગડી વડે ઢંકાયેલી હોય છે અને સામાન્ય ઝાલરદ્વાર વાટે ઝાલરગુહામાં પ્રવેશેલા પાણીને તે બહાર કાઢે છે.
ઇલૅસ્મોબ્રૅંકિયાઈ : તેનું વિભાજન બે શ્રેણીઓમાં થયેલું છે : 1. સેલેકિયાઈ [અથવા પાર્શ્વદ્વારી (pleurotremata)] અને 2. બૅટૉઇડેઈ [અથવા નિમ્નદ્વારી (hypotremata)]. સેલેકિયાઈ માછલીઓની ઝાલરફાટો અંશત: અથવા સંપૂર્ણપણે પાર્શ્વ બાજુએથી ખૂલે છે; જ્યારે બૅટૉઇડેઈમાં ઝાલરફાટો વક્ષ બાજુએથી ખૂલે છે.
કાસ્થિમીનોના કેટલાક દાખલા : માનવભક્ષી (carcharadon), મગરુ (thrasher shark), સાંઢો (scoliodon), છૂરિયો (saw fish), કાનમુશી (hammer-headed shark), કંટકમીન (trygon), વિદ્યુત-મીન (electric-fish Narcine), તરાબ્લા (cow-fail ray) વગેરે.
અસ્થિમત્સ્યો : હાલમાં જીવતી બધી ટિલિયૉસ્ટૉમી માછલીઓનો સમાવેશ અસ્થિમત્સ્ય ઉપવર્ગમાં થાય છે. આ અસ્થિમત્સ્યો માંસલમીનપક્ષ (crossopterygii) ફુપ્ફુસ-મત્સ્યો અને કિરણમીનપક્ષ (actinopterygii) – એવા ત્રણ પેટાવર્ગો(intra classes)માં વહેંચાયેલાં છે.
માંસલમીનપક્ષની સીલકૅન્થ માછલીનું અસ્તિત્વ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ કામોરૉન ટાપુ વિસ્તારના દરિયામાં આશરે 200 મીટર ઊંડાઈએ મર્યાદિત રહ્યું છે. નિઓસેરૅટોડસ, લૅપિડોસાઇરન અને પ્રોટોપ્ટેરસ નામથી ઓળખાતાં ફુપ્ફુસ-મત્સ્યો મીઠાં જળાશયોમાં વસે છે. તેમના મીનપક્ષો સામાન્યપણે અવિકસિત હોય છે.
કિરણમીનપક્ષની ટિલિયૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ દુનિયાનાં લગભગ બધા પ્રકારનાં જળાશયોમાં ફેલાયેલી છે. તેની 20,000 કરતાં વધારે જાતોથી વિજ્ઞાનીઓ પરિચિત છે. તેમની કુલસંખ્યા એકંદર પૃષ્ઠવંશી પ્રાણીઓના 50 % જેટલી થાય છે. મીઠાં જળાશયોમાં વસતી રોહુ, મૃગલ, કાલ્બાસુ જેવી માછલીઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. મીઠાં જળાશયોની અન્ય અગત્યની માછલીઓમાં ઢેબરી (barbus), શિંગી (heteropneustes), કાટિયો (mystus), પહાડી (wallago) અને મરળ (channa) જેવીનો સમાવેશ થાય છે. ભારતના દરિયામાં મળતી આર્થિક અગત્યની માછલીઓમાં પાપલેટ (pomfret), બાંગડા (mackerel), તારલી (sardine), ઢોમા (jew fish), દારા (thread fin), પટ્ટીમીન (ribbon fish), વામ (eel), બૂમલા (bombay duck) અને ચાકસી (hilsa), બોઈ (mugil) જેવી અનેક માછલીઓનો સમાવેશ થાય છે.
(વિગતવાર વર્ગીકરણ માટે જુઓ કાસ્થિમત્સ્યો.)
મ. શિ. દૂબળે