માચવે, પ્રભાકર બળવંત (જ. 26 ડિસેમ્બર 1917, ગ્વાલિયર, પાટોર; અ. 17 જૂન 1991) : ભારતીય અને હિન્દી સાહિત્યના સર્જક. તેઓ મર્મજ્ઞ અને બહુભાષાવિદ લેખક હોવા ઉપરાંત તેમણે બાલ-સાહિત્યકાર, પ્રવાસલેખક, વ્યંગ્યકાર, રેખાચિત્રલેખક, સંપાદક, સમીક્ષક, અનુવાદક તરીકે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોનું વિપુલ ખેડાણ કર્યું છે. મરાઠીભાષી હિન્દી લેખક પ્રભાકર માચવેની 1934માં પહેલી હિન્દી કાવ્યરચના અને રેખાચિત્ર ‘કર્મવીર’માં અને પ્રથમ મરાઠી કાવ્યરચના ‘કાવ્યરત્નાવલી’માં પ્રગટ થયાં. આમ 1934થી 1991 સુધીનાં 57 વર્ષમાં એમણે 125થી વધુ પુસ્તકોનું લેખનકાર્ય કર્યું. 1934માં બી. એ. (ઇન્દોર), 1936માં એમ. એ. (દર્શનશાસ્ત્ર, આગ્રા), અંગ્રેજી સાથે એમ. એ. (1941) તથા અંગ્રેજીમાં ‘હિન્દી-મરાઠી નિર્ગુણ સંત કાવ્ય’ પર પીએચ. ડી.(આગ્રા યુનિવર્સિટી)ની ડિગ્રી મેળવી (1957). થોડો સમય તેમણે ઉજ્જૈનમાં દર્શનશાસ્ત્ર વિશે અધ્યાપનકાર્ય કર્યું. 1948માં તે છોડી આકાશવાણીમાં નિર્માતા તરીકે જોડાયા (1949–54). ત્યારબાદ સાહિત્ય અકાદમીમાં જોડાયા અને 1964માં સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા. વચગાળામાં અમેરિકા જઈ વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામગીરી કરી (1959–61). 1964થી ’66 સુધી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ખાસ ફરજ-અધિકારી બન્યા. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડી’(સિમલા)માં ફેલો તરીકે નિયુક્ત થયા. ભારતીય ભાષા પરિષદ(કૉલકાતા)માં થોડો વખત નિયામક તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
તેમણે ગાંધીવિચારને જીવનવ્યવહાર બનાવ્યો હતો. 1934માં સેવાગ્રામમાં ગાંધીજીને મળ્યા. 1940માં ગાંધીજી સાથે પત્રવ્યવહાર કર્યો અને એ વર્ષે 8 નવેમ્બરે સેવાગ્રામમાં શરદ પારનેકર સાથે ગાંધીજીએ તેમનાં લગ્ન પણ કરાવી આપ્યાં.
1935માં પ્રેમચંદે ‘હંસ’માં એમની પહેલી વાર્તા છાપી. 1939માં નિરાલાજીએ ‘સુધા’માં એમનો પહેલો લેખ છાપ્યો. આ જ વર્ષે ‘ચાંદ’માં મહાદેવીજીએ એમની વાર્તા છાપી. 1943માં ‘તારસપ્તક’(સં. અજ્ઞેય)માં એમની 7 રચનાઓનું પ્રકાશન થયું. અમેરિકા (1959–61), શ્રીલંકા (1963), પશ્ચિમ જર્મની (1969), બાંગ્લાદેશ (1973), નેપાળ (1984), મૉરેશિયસ (1987) અને રશિયા-બલ્ગેરિયા(1991–92)માં વ્યાખ્યાનો આપેલાં.
તેમને મળેલાં સન્માનોમાં સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર (1972), સાહિત્યવાચસ્પતિ (1983), ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન ઍવૉર્ડ તથા મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ મુખ્ય છે. 1988માં પ્રયાગના હિંદી સાહિત્ય સંમેલન તરફથી તેમને ‘વિદ્યાવાચસ્પતિ’ની માનાર્હ ડિગ્રી એનાયત કરાઈ હતી.
ડૉ. પ્રભાકર માચવેના વિપુલ સાહિત્યિક પ્રદાનમાં ‘પરંતુ’ (1951), ‘એક તારા’ (1951), ‘દવાભા’ (1952), ‘સાંચા’ (1957), ‘જો’ (1965), ‘કિશોર’ (1969), ‘તીસ-ચાલીસ-પચાસ’ (1973), ‘દર્દ કે પૈબન્દ’ (1974), ‘કિસ લિએ’ (1975), ‘દ્યૂત’ (1976), ‘લક્ષ્મીબેન’ (1976), ‘કહાં સે કહાં’ (1978), ‘દશભુજા’ (1981), ‘આંખેં મેરી બાકી ઉન કા’ (1983), ‘લાપતા’ (1984) અને ‘અનદેખી’ (1988) – એ નવલકથાઓનો; ‘સ્વપ્નભંગ’ (1955), ‘અનુક્ષણ’ (1958), ‘મેપલ’ (1963) અને ‘વિશ્વકર્મ’ (1988) નામે ખંડકાવ્ય–એ કાવ્યગ્રંથોનો; ‘સંગીનો કા સાયા’ (1943) (વાર્તાસંગ્રહ)નો ‘ગલી કે મોડ પર’ (1969) (એકાંકી)નો; ‘છત્રપતિ શિવાજી’(1975)નો તેમજ બાલસાહિત્યના ગ્રંથો (5), પ્રવાસવર્ણનના ગ્રંથો (2), વ્યંગ્યલખાણોના ગ્રંથો (5), રેખા-ચિત્રોના એક ગ્રંથનો તથા સંપાદિત ગ્રંથો (19), અનૂદિત હિન્દી ગ્રંથો (18), અંગ્રેજી ગ્રંથો (17) અને મરાઠી ગ્રંથો(13)નો સમાવેશ થાય છે. અન્ય પ્રકાશનોમાં ‘સો સવાલ, એક જવાબ’ (1969), ‘મરાઠી લોકકથાએં’ (1969), ‘નમક આંદોલન’ (1976) અને ‘સીખિયે પઢિયે 15 ભાષાએં’ (1986) અને ‘ગાંધી કે આશ્રમ મેં’ તથા ‘ગાંધીજી ઔર ભારતીય સાહિત્ય’ ઉલ્લેખપાત્ર છે. આ બધાં પ્રકાશનોના કારણે માચવેની ખ્યાતિ સર્વ ભાષાના પુરસ્કર્તા તરીકે વધારે રહી છે. તેમણે ‘શાસન શબ્દકોશ’ (1948) પણ તૈયાર કર્યો હતો. તેમણે કેટલાંયે હિન્દી, મરાઠી અને અંગ્રેજી પુસ્તકોમાં લેખો લખ્યા છે. તેમણે અવનવાં સાહિત્યિક સ્વરૂપો–પ્રકારો, છંદો તથા શૈલીના ક્ષેત્રે અનેક પ્રયોગો કર્યા છે. પ્રસંગોપાત્ત, તેઓ બળવાખોર અને મૂર્તિભંજક વલણ ધરાવતા પણ જણાયેલા. તેમની ભાષામાં તેમની આગવી વેધકતા છે.
રજનીકાન્ત જોશી