માક્કીઆયૉલી : ઓગણીસમી સદીના ફ્લૉરેન્સના ચિત્રકારોનું જૂથ. ઇટાલીની નિયમપરસ્તીને વરેલી કલા-એકૅડેમી સામે તેમનો ઉગ્ર વિરોધ હતો. સર્જન માટેની પ્રેરણા મેળવવા તે પ્રકૃતિ તરફ વળ્યા. આ જૂથનું વલણ એવું હતું કે રંગના ધબ્બા (ઇટાલિયન શબ્દ macchia, અંગ્રેજી patches) ચિત્રકલાનું સૌથી મહત્વનું પાસું છે. કોઈ પણ ચિત્રની દર્શકના ચિત્ત પર જે છાપ ઝિલાય છે તે તેમાંના કોઈ વૈચારિક સંદેશ કે નિરૂપણ મારફત નહિ, પણ ચિત્રાંકિત થયેલી સપાટી મારફત જ શક્ય બને છે. આ કલાકારો પ્રકૃતિનાં ર્દશ્યોની પ્રારંભિક છાપ આલેખવા માટે સ્કૅચ ટૅકનિકનો ઉપયોગ કરતા અને તે માટે રંગ તથા પ્રકાશની પદ્ધતિ અપનાવતા. તેમની વિચારસરણી ફ્રેન્ચ પ્રભાવવાદી(impressionist)ના વલણ જેવી હતી; જોકે રંગસંયોજન પરત્વે તેમનો વિશેષ ઝોક હતો.
20 વર્ષના ટૂંકા ગાળા દરમિયાન, આ કલાકારોએ તાજગીપૂર્ણ તથા ઉલ્લાસપૂર્ણ ચિત્રોનું સર્જન કર્યું. આ જૂથના સૌથી ગણનાપાત્ર કલાકાર હતા ફ્લૉરન્ટાઇન જિયોવાની (1825–1908); તેમણે તેજસ્વી રંગોના ધબ્બાનો ઉપયોગ કરી પ્રકાશ તથા રંગમયતાનો અત્યંત ચમકદાર પ્રભાવ ઊભો કર્યો. અન્ય કલાકારોમાં આ જૂથના સિદ્ધાંતશાસ્ત્રી અને વિવેચક ટેલમૅકો સિગ્નૉરી (1853–1901) પણ ઉલ્લેખનીય છે; તેમણે તેમનાં બહુધા સમાજજીવનનાં મહત્વનાં ર્દશ્યોમાં રંગોનો ખૂબ નજાકતથી ઉપયોગ કર્યો છે.
મહેશ ચોકસી