માકે, ઑગસ્ટ (જ. 3 જાન્યુઆરી 1887, મેશેડ, જર્મની; અ. 1914, પર્થિસ-લેઝ-હર્લસ નજીક) : જર્મન અભિવ્યક્તિવાદી (express- ionist) ચિત્રકાર. બાળપણ કૉલોન અને બૉન નગરોમાં વીત્યું. 1904માં તેમણે ‘ડસલડર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’માં 2 વરસ સુધી કલાનો અભ્યાસ કર્યો. આ દરમિયાન ઇટાલી અને બેલ્જિયમનો પ્રવાસ કર્યો. અહીં સંતોષ ન થવાથી તેઓ બર્લિનમાં જઈ ચિત્રકાર કૉરિન્થના શિષ્ય થયા; પરંતુ અહીં પણ પોતે ખોટા સ્થાને ભરાઈ પડ્યા હોય તેવી લાગણી નીપજતાં કૉરિન્થનો ત્યાગ કરી સ્વશિક્ષણ દ્વારા આગળ વધવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેમણે ચિત્રકાર બૉક્લિનની ચિત્રકૃતિઓ આદર્શ તરીકે સ્વીકારી હતી. 1907માં ધનાઢ્ય જર્મન ઉદ્યોગપતિ બર્નહાર્ડ કોહલર સાથેનો પૅરિસ-પ્રવાસ ખૂબ ફળદાયી નીવડ્યો. અહીં ફ્રેંચ પ્રભાવવાદી ચિત્રો જોવા મળ્યાં. કોહલર પોતે પણ કલાપ્રેમી અને કલાના આશ્રયદાતા હતા. કોહલરે માકેની તેમજ બ્રૂક અને ‘બ્લો રાઇટર’ જૂથના અન્ય જર્મન અભિવ્યક્તિવાદી કલાકારોની અનેક કૃતિઓ ખરીદી નાણાકીય સહાય પૂરી પાડી હતી.

પૅરિસમાં માકે માનેનાં ચિત્રોથી ખૂબ પ્રભાવિત થયા અને તેમનાં ચિત્રોની નાની પ્રતિકૃતિઓ પણ કરી અને લાગણીની અભિવ્યક્તિના માધ્યમ તરીકે રંગોનો ઉપયોગ કરતા થયા. તેમનાં ચિત્રોમાંથી ઘેરા રંગો દૂર થયા અને આછા તેજસ્વી રંગો ઊભરી આવ્યા. 1909માં માકેએ કોહલરનાં ભત્રીજી ઇલિઝાબેથ ગેર્હાર્ટ સાથે લગ્ન કર્યું. ત્યારબાદ તેઓ બવેરિયાના ટગેર્ન સરોવર-કાંઠે સ્થિર થયા અને અહીં તેમની કલાપ્રવૃત્તિએ પ્રૌઢિ ધારણ કરી તથા વિપુલ માત્રામાં ચિત્રસર્જન કર્યું. 1910માં મ્યૂનિકમાં માતીસનાં ચિત્રોમાંના દ્વિપરિમાણી અભિગમથી પ્રભાવિત થયા અને પોતાનાં ચિત્રોમાં પણ ત્રિપરિમાણને સ્થાને દ્વિપરિમાણ આલેખવાનું શરૂ કર્યું. માતીસના ભડકીલા રંગો પણ માકેએ અપનાવ્યા. પિકાસોનાં ચિત્રો પણ આ જ વર્ષે જોયાં. મ્યૂનિકમાં અન્ય અભિવ્યક્તિવાદી ચિત્રકાર ફ્રાન્ઝ માર્ક સાથે થયેલી ઓળખાણ આજીવન ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમી. આ ઉપરાંત કૅન્ડિન્સ્કી અને ‘બ્લૉ રાઇટર’ જૂથના અન્ય ચિત્રકારો સાથે પણ ઓળખાણ થઈ. 1910ના અંતમાં તેઓ બૉન ગયા અને ‘બ્લૉ રાઇટર’ જૂથના મુખપત્ર માટે મહોરાં વિશે લેખ લખ્યો. 1912માં તેમને ડેલોનેના ઑર્ફિઝમનું તેમજ ઘનવાદ અને ફૉવવાદનું આકર્ષણ થયું. આ જ વર્ષે કૉલોનમાં યોજાયેલા પ્રદર્શનમાં ફ્યૂચરિસ્ટ કલાકારોનાં ચિત્રો જોયાં. આ બધાંની અસરોને કારણે માકેનાં તે પછીનાં ચિત્રો ઘણાં અનુભવ-સમૃદ્ધ બન્યાં.

માકેનાં ચિત્રોમાં પશુ-પંખીની આકૃતિઓ, માનવ-આકૃતિઓ અને નિસર્ગનો સુમેળ જોવા મળે છે. આ ત્રણેય આકૃતિઓ ડેલોનેના જેવી પારદર્શક રંગચ્છાયાઓ અને ભૌમિતિક ચોસલામાં વિભાજિત થયેલી જોવા મળે છે. ઘણાં ચિત્રોનો વિષય ‘ઝૂ’ હોવા છતાં તેમાં કેવળ પશુપંખીઓ સાથે માનવઆકૃતિનો અદભુત સંવાદ રચાયેલો જોવા મળે છે. સમગ્ર વિશ્વના આદિવાસીઓ પ્રત્યે પણ માકેને આકર્ષણ હતું. ઉત્તર અમેરિકાના રેડ ઇન્ડિયનો પણ તેમનાં ઘણાં ચિત્રોમાં વિષય તરીકે આવે છે. આફ્રિકા તથા પૂર્વના દેશો પ્રત્યે પણ માકેને ખેંચાણ હતું. 1913માં બે ચિત્રકારો લૂઇ મોઇલે અને પૉલ ક્લે સાથે તેમણે ટ્યૂનિસિયા અને મોરૉકોની યાત્રા કરી. અહીં સૂર્યના ઝગારા મારતા પ્રકાશમાં ડોનેના ઑર્ફિઝમની ચકાસણી કરી. પોતાનાં તે પછીનાં ચિત્રોના રંગો વધુ તેજસ્વી બન્યા. અહીં થોડાં જળરંગી ચિત્રો અને અઢળક ત્વરાલેખનો તેમણે કર્યાં. જર્મની પાછા ફરી આ ત્વરાલેખનોના આધારે નવાં ચિત્રો સર્જ્યાં.

પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં 1914માં તેઓ સૈનિક તરીકે જોડાયા અને રણમોરચે લડતાં લડતાં મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા