માકવારી બારું : ઑસ્ટ્રેલિયાની દક્ષિણે આવેલા ટાઝમાનિયાના પશ્ચિમ કિનારા પરનું બંદર. આ બારામાં હિન્દી મહાસાગરનો એક ફાંટો પ્રવેશે છે. આ બારું વાસ્તવમાં તો સ્તરભંગ-ખીણ હતી. આ ખીણ વાયવ્ય-અગ્નિમાં 32 કિમી. લંબાયેલી છે અને હિમીભવનના ઘસારાથી 8 કિમી. જેટલી પહોળી બની રહેલી છે. આ બારામાં ઈશાન તરફથી કિંગ અને અગ્નિ તરફથી ગૉર્ડન નદી મળે છે. હેલ્સ ગેટ્સ (Hell’s Gates) પ્રવેશદ્વારના સાંકડા મુખ પર રેતાળ આડ રચાયેલી છે. પરિણામે બારાના વિસ્તરણરૂપ લૉંગ બે પરના સ્ટ્રેહાન ખાતે બંદરી સુવિધાઓ મર્યાદિત બની છે.

1815માં કૅપ્ટન જેમ્સ કેલી નામના સાહસિકે આ બારાના પ્રવેશદ્વારની મુલાકાત લીધેલી. ન્યૂ સાઉથ વેલ્સના તત્કાલીન ગવર્નર લૅકલાન માકવારીના નામ પરથી આ બારાને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. 1821માં આ કિનારાનો વિસ્તાર પૅસિફિકમાં આવેલા નૉર્ફૉક ટાપુના માણસોને વસાવવા પસંદ કરવામાં આવેલો. આ વસાહત ‘સેટલમેન્ટ (સારાહ) આઇલૅન્ડ કૉલોની’ના નામથી ઓળખાય છે. 1833માં આ વસાહત, જીવનજરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાનું અશક્ય બનતાં, બંધ કરવામાં આવી. તે પછીનાં 40 વર્ષ આ બારું નિર્જન રહ્યું. ત્યારબાદ કિંગ વૅલીમાં સુવર્ણ ખાણોનું અને ગૉર્ડન ખાતે લાકડાં વહેરવાનું કામ શરૂ થતાં વસવાટ શરૂ થયો.

ગિરીશભાઈ પંડ્યા