માઇકોર્હિઝા : યજમાન છોડને ઉપયોગી થઈને સહજીવન ગુજારતી ફૂગની એક જાત. માઇકોર્હિઝા વનસ્પતિનાં મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવક (symbiont) છે. એ બંને સહજીવીઓ લાંબા સમય સુધી ગાઢ સંપર્કમાં રહી, એકબીજાની પોષણની જરૂરિયાતોને સંતોષે છે. આમ આ સહજીવન (symbiosis) બંનેને લાભદાયી છે. પોષણ ઉપરાંત વનસ્પતિના મૂળને આ સહજીવી ફૂગ રોગિષ્ઠ જીવાણુઓથી રક્ષણ પણ આપે છે; તેથી વનસ્પતિની સારી વૃદ્ધિ માટે તેનું ફૂગ સાથેનું આ સહજીવન અગત્યનું છે.
માઇકોર્હિઝાનું સહજીવન બાહ્યજીવી અને અંતર્જીવી – એમ બે પ્રકારનું હોય છે.
1. બાહ્યજીવી માઇકોર્હિઝા (ectomycorrhiza) : દેવદાર, ઓક, નીલગિરિ વગેરે જંગલી વનસ્પતિનાં મૂળ ઉપર બહારની બાજુએથી આ પ્રકારની ફૂગની કવકજાળ જાડી છારી રૂપે અથવા તો આચ્છાદન-રૂપે વળગેલી રહે છે, જે નરી આંખે જોઈ શકાય છે.
આ કવકજાળ મૂળથી તે જમીનના ઊંડાણ સુધી વિસ્તરી જમીનમાંથી પોષક તત્વો ચૂસીને વનસ્પતિને પહોંચાડે છે તેમજ વધારાનાં તત્વોને છારીમાં સંગ્રહી રાખે છે. આ ફૂગનું આચ્છાદન મૂળને રોગિષ્ઠ જીવાણુઓથી રક્ષણ આપે છે, તે સાયટોકિનિન જેવાં વૃદ્ધિવર્ધક જૈવ રસાયણો પણ ઉત્પન્ન કરે છે. તેનો લાભ યજમાન વનસ્પતિને મળે છે.
આ પ્રકારનું સહજીવન જીવતી ફૂગમાં મુખ્યત્વે (1) પિસોલિથસ ટિનોક્ટોરિયસ, (2) સિનોકોકમ ગ્રાનિટોર્મ, (3) ઇક્લેટ્સ એલિગન, (4) થેલિફોરા ટેરેસ્ટ્રીનો સમાવેશ થાય છે.
ફ્લ્યુરોસન્ટ સૂડોમોનાસ જેવા રાઇઝોસ્ફિયરના બૅક્ટેરિયા આ પ્રકારનું સહજીવન સ્થાપવામાં ફૂગને મદદકર્તા હોવાનું જણાયું છે; તેથી તેને ‘માઇકોર્હિઝા મદદનીશ બૅક્ટેરિયા’ કહે છે.
2. અંત:જીવી માઇકોર્હિઝા : આ પ્રકારનું સહજીવન લગભગ બધી જ વનસ્પતિઓ સાથે જોવા મળે છે. ખાસ કરીને ઘઉં, વટાણા, મકાઈ, ટમેટાં, સફરજન, નારંગી અને સ્ટ્રૉબેરીમાં તે સામાન્યપણે જોવા મળે છે. અત્રે ફૂગની કવકજાળ, યજમાન વનસ્પતિના મૂળની બાહ્યકની પેશીના કોષોની અંદર જ પ્રવેશી વૃદ્ધિ પામી જીવન ગુજારે છે.
આ ફૂગના કવકતંતુઓ યજમાન વનસ્પતિના કોષની અંદર પ્રવેશીને બે પ્રકારની રચના બનાવે છે :
(1) પુટિકામય (vesicular) : તે લીસી પુટિકા આકારની રચના છે, જે ખોરાકસંગ્રહનું કામ કરે છે. (2) તંતુમય (કૂર્ચક) (arbuscules) : વનસ્પતિકોષની અંદર તંતુમય (કૂર્ચક) રચના પણ બને છે. જમીનમાંથી ફૂગના કવકતંતુઓ દ્વારા ચુસાતાં પોષક તત્ત્વો કૂર્ચકમાં આવી ત્યાંથી ક્રમશ: તૂટીને તેમનું વનસ્પતિમાં વહન થાય છે.
આથી જ આવી અંત:જીવી માઇકોર્હિઝા Vesicular Arbuscular (VA) Mycorrhiza તરીકે ખૂબ જ પ્રચલિત છે.
આ પ્રકારનું સહજીવન જીવતી ફૂગમાં મુખ્યત્વે (1) જીજાસ્પૉરા, (2) ગ્લૉમસ, (3) એક્યુલોસ્પૉરા અને (4) એન્ટરોફોસ્પૉરા વગેરેનો સમાવેશ થાય છે.
વનસ્પતિની વૃદ્ધિમાં સારો સુધારો કરતી આ ફૂગની જાતો ખેતીવાડીમાં યજમાનના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રમોદ રતિલાલ શાહ