માઇક્રોક્લાઇન : આલ્કલી ફેલ્સ્પાર સમૂહનું, ઑર્થોક્લેઝ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. અન્ય પ્રકાર ઍમેઝોનાઇટ. રાસા. બંધા. : K2O·Al2O3·6SiO2 અથવા KAlSi3O8. સ્ફ.વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝ્મૅટિક, ગચ્ચાં જેવા, ક્યારેક ઘણા પહોળા; મેજ-આકાર, b અક્ષ પર વધુ ચપટા. દળદાર, વિભાજનશીલથી દાણાદાર ઘનિષ્ઠ.

ફાચર-યુગ્મતા

યુગ્મતા સર્વસામાન્ય, અનેકપર્ણી, કાર્લ્સબાડ, માનેબાક, બેવેનો પ્રકારના યુગ્મસ્ફટિકો પણ મળે. પારદર્શકથી પારભાસક. (001) ફલક પર મળતાં રેખાંકનો પરથી તે સરળતાથી પરખાય. સંભેદ : (001) અને (010) ફલકો પર પૂર્ણ. ઉપરાંત (100), (110) (), (), ફલકો પર વિભાજકતા. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય; સંભેદ-સપાટીઓ ક્યારેક મૌક્તિક ચમક દર્શાવે. રંગ : સફેદ, રાખોડી, લીલો, પીળાશ કે રતાશપડતો. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 6થી 61. વિ. ઘ. : 2.55થી 2.63. પ્રકા. અચ. : α = 1.514થી 1.529, β = 1.518થી 1.533, γ = 1.521થી 1.539. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 66°થી 103°. પ્રાપ્તિસ્થિતિ : ગ્રૅનાઇટ, સાયનાઇટ અને પેગ્મેટાઇટ જેવા અંત:કૃત ખડકોમાં સામાન્ય ઘટક તરીકે વ્યાપક. સ્ફટિકમય શિસ્ટમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલું મળે; સંપર્કવિભાગો અને ઉષ્ણજળજન્ય શિરાઓમાં ઓછા પ્રમાણમાં મળે. આલ્કલી ફેલ્સ્પારનું ઓછા તાપમાને તૈયાર થયેલું સ્વરૂપ. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ (ઍમેઝોનાઇટ), માડાગાસ્કર, ભારત, નૉર્વે, સ્વીડન, જર્મની, ઇટાલી, રશિયા, જાપાન તેમજ અન્યત્ર.

સોડા માઇક્રોક્લાઇન એ ઍનૉર્થોક્લેઝ છે, જેમાં પૉટાશ કરતાં સોડાની માત્રા વધુ હોય છે. ક્રૉસ હૅચિંગ (cross hatching) એ માઇક્રોક્લાઇનનો વિશિષ્ટ પ્રકાશીય ગુણધર્મ છે. તે ફાચર-આકારની યુગ્મતાનાં આવર્તનોથી થતું હોય છે.

ગિરીશભાઈ પંડ્યા