માઇકોટૉક્સિન (ફૂગ-વિષ) : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા તે દ્વિતીય ચયાપચયકો (secondary metabolites) છે. માનવી તેમજ પાલતુ જાનવરોના ખોરાક પરની ફૂગ ઝેરનો સ્રાવ કરે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિઓની ફૂગ પણ ચેપ લગાડી ઝેરનો સ્રાવ કરે છે. ફૂગથી ચેપી બનેલ આવો ખોરાક ખાવામાં આવતાં વિવિધ રોગો થાય છે.
માઇકોટૉક્સિનની ઝૅરી અસરથી થતા વિવિધ રોગોમાં લોહીના રોગો, ચેતાતંત્રના રોગો ઉપરાંત યકૃત અને મૂત્રપિંડના પણ નુકસાનકારક રોગો ઉત્પન્ન થાય છે.
માઇકોટૉક્સિન ઝેર ઉત્પન્ન કરતી ફૂગની જાતિઓ આ પ્રમાણે છે : (1) એસ્પરજિલસ ફ્લેવસ; (2) પેનિસિલિયમની કેટલીક જાતિઓ, (3) ફ્યુઝૅરિયમની કેટલીક જાતિઓ, (4) ક્લેવિસેપ્સ પુરપુરીઆ અને (5) કેટલાક બિલાડીના ટોપ (mushrooms), દા.ત., એમાનિટા વેર્ના.
વિવિધ ફૂગ વડે ઉત્પન્ન થતા બે વધુ જાણીતા માઇકોટૉક્સિનો : (1) આફલાટૉક્સિન : (1.1) એસ્પરજિલસ ફ્લેવસ વડે ઉત્પન્ન થતું આ ઝેર કૅન્સરકારક છે. ભારતમાં યકૃતનાં કૅન્સર ઉપજાવવામાં, આફલાટૉક્સિન એક અગત્યનું કારક છે. (1.2) એસ્પરજિલસ ફ્લેવસ ઉપરાંત આ ઝેર એસ્પરજિલસ ફ્યુમિગેટસ, એસ્પરજિલસ પેરાસિટિકસ તેમજ પેનિસિલિયમ ઇસલેન્ડિકસ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. (1.3) ચોખા; મકાઈ, સોરગમ, સૉયાબીન, વટાણા વગેરે ખોરાકને આવી ફૂગનો ચેપ લાગવાથી, આ ખોરાકના પ્રાશનથી મનુષ્ય ઉપરાંત ઘેટાં, મરઘાં, કૂતરાં, ડુક્કર તેમજ અન્ય પ્રાણીઓને પણ આ રોગ ઉત્પન્ન થાય છે.
(2) અર્ગટ આલ્કેલૉઇડ : ક્લેવિસેપ્સ પુરપુરીઆ નામની ફૂગ આ પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે. આ ઝેરથી થતા રોગોને અર્ગટિઝમ કહે છે.
અર્ગટમાં LSD નામનું સક્રિય તત્વ છે. અર્ગટ આલ્કેલૉઇડના પ્રકારો છે : (1) અર્ગોમેટ્રીન, (2) અર્ગોટામીન, (3) અર્ગોટામિનીન.
ક્લેવિસેપ્સ પુરપુરીઆ ફૂગ રાઈ તેમજ અન્ય ધાન્ય-પાકને તેમજ ઘાસને ચેપ લાગતાં તેમાં આ ઝેર ઉત્પન્ન કરે છે. આ ઝેરથી થતાં રોગચિહ્નોમાં ઊલટી, ઝાડા, તરસ, ભ્રાંતિ તથા તાણ કે આંચકી જણાય છે.
મનુષ્ય ઉપરાંત ઘોડા, ડુક્કર, મરઘાં તેમજ અન્ય પ્રાણીઓમાં આ ઝેરથી વિવિધ રોગો થાય છે.
જોકે અર્ગટ આલ્કેલૉઇડમાં LSD સક્રિય તત્વ હોવાને લીધે તેનો ઓછા ડોઝમાં દવા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે, જે રક્તદાબ(blood-pressure)ને ઘટાડે છે તેમજ માઇગ્રેન જેવા માથાના દુખાવાને ઓછો કરે છે.
પ્રમોદ રતિલાલ શાહ