માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા)

January, 2002

માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા) : ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ સ્પંદનદિશા નિર્ધારિત કરવા માટેનું ઉપકરણ. પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ વિષમદિક્ધર્મીય (અસાવર્તિક) ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ ખનિજ-સ્ફટિકની તેજ (fast, X) અને ધીમી (slow, Z) સ્પંદનદિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક નાનું પણ અગત્યનું ઉપકરણ છે. માઇકા-પ્લેટની રચનામાં મસ્કોવાઇટ ખનિજની તદ્દન પાતળી પતરી (કે આડછેદ) એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવી હોય છે કે માઇક્રોસ્કોપની ક્રૉસ્ડ નિકોલ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો ભૂખરો (first order grey) ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. મસ્કોવાઇટનો આ પ્રકારનો આડછેદ ધાતુની માળખાકીય પટ્ટીમાં કે કાચની બે પટ્ટી વચ્ચે એવી રીતે બેસાડવામાં આવેલો હોય છે કે ખનિજની તેજ (fast, X) કે ધીમી (slow, Z) સ્પંદનદિશા તેની લંબાઈને સમાંતર રહે. માઇકા-પ્લેટને quarter undulation plate કે plate પણ કહે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે