માંડ્યા : કર્ણાટક રાજ્યના દક્ષિણ વિભાગના મધ્ય પટ્ટામાં આવેલો જિલ્લો. તે 12° 13´થી 13° 04´ ઉ. અ. અને 76° 19´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 4,961 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં તુમકુર, પૂર્વમાં બૅંગાલુરુ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ચામરાજનગર, મૈસૂર તથા પશ્ચિમ અને વાયવ્યમાં હસન જિલ્લાઓ આવેલા છે. માંડ્યા તેનું જિલ્લામથક છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા મેદાની વિસ્તારનો એક ભાગ છે. અહીંના મેદાની ભાગનું ભૂપૃષ્ઠ 750થી 900 મીટર ઊંચાઈ ધરાવે છે. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ખડકાળ ટેકરીઓ તેમજ ઓછી ઊંડાઈવાળી ફળદ્રૂપ ખીણો પણ જોવા મળે છે. અહીંની એકમાત્ર પર્વતમાળા જિલ્લાના અગ્નિ કોણમાં આવેલી છે. તે બિલીગિરિરંગન બેટ્ટા હારમાળાનું વિસ્તરણ છે, આ હારમાળા અહીં પૂરી થાય છે. કાવેરી નદી આ ટેકરીઓને વીંધીને આગળ વધે છે. નજીકનાં સ્થળો પરથી ગગનચક્કી અને બડાચક્કી નામના બે જળધોધ ઊંચાઈએથી ખાબકે છે. મેલુકોટ ટેકરીઓની ખંડિત હારમાળા પણ અહીં જ શિખરોની શ્રેણી રચે છે. તે પૈકીનાં કેટલાંક શિખરો 1,159; 1,064 અને 1,050 મીટર સુધીની ઊંચાઈવાળાં છે. શ્રીનાગપટ્ટન નજીક હુલીકેર-કારિગાટા ટેકરીઓની હારમાળા પણ જોવા મળે છે. જિલ્લાની જળપરિવાહરચના બંગાળના ઉપસાગર તરફની છે. અહીં કાવેરી, લોકપાવની અને શિમશાનાં નદીથાળાં આવેલાં છે. મુખ્ય નદીઓમાં કાવેરી, લોકપાવની, શિમશા, હેમાવતી અને વીરવૈષ્ણવીનો સમાવેશ થાય છે. તે બધી શરૂઆતમાં દક્ષિણ તરફ અને પછીથી પૂર્વ તરફ વહે છે તથા પૂર્વ ઘાટની ટેકરીઓને વીંધીને દરિયાકિનારા તરફ આગળ વધે છે. પાંચ નદીઓ ઉપરાંત અહીં 139 મહત્વનાં અને 279 નાનાં તળાવો છે. કાવેરી બંધના જળાશય ‘કૃષ્ણરાજસાગર’માંથી ઘણી નહેરો કાઢવામાં આવેલી છે. તેમાંથી ડાંગરનાં ખેતરોને સિંચાઈ અપાય છે.

ખેતીપશુપાલન : શેરડી, ડાંગર, રાગી, જુવાર, ચણા, મગફળી, નારિયેળી, એરંડા, મરચાં અને તમાકુ આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. શેરડી અને ડાંગર નહેર-સિંચાઈથી થાય છે. પરિણામે આ જિલ્લામાં ખાંડ-ગોળના ઉદ્યોગ વિકસ્યા છે. અહીં કેળાં અને કેરી પણ પુષ્કળ થાય છે. પશુપાલન અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ગણાય છે. બળદોનું અહીં વિશેષ મહત્વ છે. દૂધ માટે ગાય-ભેંસ પાળવામાં આવે છે. મત્સ્ય-ઉછેરને પણ વિશેષ મહત્વ અપાય છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લો રાજ્યભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. જળવિદ્યુત-યોજના અહીં કાર્યરત છે. અહીંનાં ખાંડનાં કારખાનાં રાજ્યને તેમજ જિલ્લાને ખાંડ પૂરી પાડે છે. આલ્કોહૉલની એક ડિસ્ટિલરી પણ વિકસાવી છે, જે વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક જરૂરિયાતો પૂરી પાડે છે. આલ્કોહૉલ, સ્પિરિટ, બ્રાન્ડી, વ્હિસ્કી, જિન તથા રમ જેવાં મદ્યોનું ઉત્પાદન અહીં થાય છે. આ ઉપરાંત ખાંડસરી અને ગોળનું ઉત્પાદન કરતા એકમો પણ આવેલા છે. બેલગોડા ખાતેની મૈસૂર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઇઝર લિ.માંથી સિન્થેટિક એમોનિયાનું અને બીજા એક ફર્ટિલાઇઝરના કારખાનામાંથી ફટકડી તેમજ ઍલ્યુમિના સલ્ફેટનું ઉત્પાદન લેવાય છે. બેલગોડા ખાતેની માંડ્યા નૅશનલ પેપર મિલ્સમાં લખવાના અને છાપવાના કાગળો તૈયાર થાય છે. ખાંડનાં કારખાનાં આ પેપર-મિલને કાચો માલ પૂરો પાડે છે. આ સિવાય અહીં મૈસૂર ઍસિટેટ ઍન્ડ કેમિકલ્સ કંપની તથા શ્રી ચામુંડેશ્વરી શુગર્સ લિ. પણ આવેલી છે.

રેશમી અને હાથસાળ-વણાટની આર્થિક ર્દષ્ટિએ મહત્વની પ્રવૃત્તિઓ પણ અહીં ચાલે છે. રેશમના કીડાઉછેર માટે આ જિલ્લાની 8,000 હેક્ટર ભૂમિમાં શેતૂરનાં ઝાડ ઉગાડવામાં આવેલાં છે. તે ઘણા લોકોને રોજી પૂરી પાડે છે. અહીંથી હાથવણાટના સુતરાઉ કાપડનું તથા રેશમના રેસા, કામળીઓ અને રેશમી પીતાંબરનું પણ ઉત્પાદન લેવાય છે.

જિલ્લાનાં મુખ્ય નગરોમાં રેશમના રેસા, સિંગતેલ, સાડીઓ (સુતરાઉ તથા રેશમી), કૃષિસાધનો, ચામડાનાં પગરખાં, માટીનાં પાત્રો, સાબુ, ખાંડ અને ગોળનું ઉત્પાદન લેવાય છે; જ્યારે નાળિયેર, રેશમી રેસા, કાપડ, ચોખા, ઢોરો માટેની ખાદ્ય ચીજો, કાચું રેશમ અને તેલીબિયાંની નિકાસ તથા કાપડ, ધાન્ય, શેરડી અને ડાંગરની આયાત થાય છે. વેપાર-લેવડદેવડની સરળતા જળવાય તે માટે બૅંકો તથા બજારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો બૅંગાલુરુ અને મૈસૂર સાથે તેમજ જિલ્લાની અંદરનાં તથા બહારનાં મહત્વનાં તાલુકામથકો અને બજારમથકો સાથે માર્ગની ગૂંથણીથી સારી રીતે જોડાયેલો છે. અહીં રેલમાર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

માંડ્યા, શ્રીરંગપટ્ટન, મડ્ડુર, માલવલ્લી, મેલુકોટ (તિરુનારાયણપુર), નાગમંગલા, પાંડવપુર, બેલકાવાડી, બેલ્લુરુ, હોંગાહલ્લી અને કૃષ્ણરાજપેટ અહીંનાં જોવાલાયક પ્રવાસ-સ્થળો છે. આ પૈકી શ્રીરંગપટ્ટન અને માંડ્યા વિશેષ ઉલ્લેખનીય છે. અહીં વારતહેવારે કેટલાક મેળા ભરાય છે તથા ઉત્સવો ઊજવાય છે.

શ્રીરંગપટ્ટન : અગાઉના સમયમાં આ સ્થળ ત્રણ સદી સુધી પાટનગર રહેલું. 1495માં નાગમંગલા મુખીઓ પાસેથી વિજયનગરના રાજાએ તે લઈ લીધું. ત્યારપછી થોડા વખત માટે તે બ્રિટિશ સામ્રાજ્યના વાઇસરૉયોનું મુખ્ય વહીવટી સ્થળ (પાટનગર) રહેલું. એ જ રીતે 1799માં ટીપુ સુલતાન હાર્યો ત્યાં સુધી તે મૈસૂર સામ્રાજ્યનું પાટનગર રહેલું.

આજે આ નગરને ફરતો  મોટો કિલ્લો ખંડિયેર હાલતમાં જોવા મળે છે. તેનું બાંધકામ તે વખતની તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે. 1880 સુધી તો તે ભારતમાં બીજા ક્રમે આવતો મજબૂત કિલ્લો ગણાતો હતો. મૂળ હોયસળ સમયમાં બંધાયેલું અહીંનું રઘુનાથસ્વામીનું મંદિર વિશાળ છે. પછીના રાજવીઓએ તેને વધુ વિસ્તારેલું છે. વળી અહીં કાંતિરાવ નરસિંહ રાજા વાડિયારે (1638–1659) બંધાવેલાં નરસિંહનાં અને ગંગાધારેશ્વરનાં મંદિરો પણ છે. વિશેષ ઉલ્લેખનીય અવશેષો હૈદર અને ટીપુ સુલતાનના સમયના ગણાય છે. હૈદરે બંધાવેલો દરિયા દૌલત બાગ એક બગીચામહેલ છે. મહેલની દીવાલો પર લડાઈઓનાં તથા રાજ્યદરબારનાં ર્દશ્યો (રંગચિત્રો) નજરે પડે છે. તાજમહાલની પ્રતિકૃતિ સમો ગુંબજ અહીંનું એક એવું સ્થળ છે જ્યાં હૈદર, તેની બેગમ તથા ટીપુને દફનાવેલાં છે. અહીં બે મિનારાવાળી ભવ્ય જુમા મસ્જિદ પણ છે, બે મોટાં બંદીખાનાં તેમજ યુરોપિયનોની કબરો પણ છે. અજાયબી તો એ છે કે ટીપુના ભવ્ય સુંદર મહેલ માટે બુચાનને ઉલ્લેખ કરેલો હોવા છતાં તેના કોઈ અંશો જોવા મળતા નથી! અહીંનું ભગવાન રંગનાથને અર્પિત મંદિર પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. નગરની નૈર્ઋત્ય તરફ કાવેરી નદી પર પશ્ચિમવાહિનીનું પવિત્ર સ્થાનક છે. નદી અહીં પશ્ચિમ તરફ વળાંક લેતી હોવાથી આ પ્રકારનું નામ અપાયેલું છે. આ સાથે પવિત્ર ગણાતા ઘણા સ્નાનઘાટ આવેલા છે. અહીં લોકો મૃત માણસોની રાખ પધરાવવા આવે છે. લોકો લગ્ન તેમજ અન્ય ઉત્સવો પણ ઊજવે છે. શ્રીરંગપટ્ટનથી આશરે 3 કિમી. અંતરે રંગનાથીટુ પક્ષી અભયારણ્ય આવેલું છે, જેમાં હજારો રંગબેરંગી પક્ષીઓ રહે છે. કુદરતી પર્યાવરણ ધરાવતું રાજ્યનું આ અભયારણ્ય ખૂબ જાણીતું છે. અહીં જંગલખાતાએ પ્રવાસીઓ માટે પક્ષીઓ નિહાળવા એક ટાવર બાંધેલો છે. પક્ષીવિદો તેમજ અન્ય જિજ્ઞાસુઓ માટે નદીમાં નૌકાવિહારની સગવડ પણ છે. આ સ્થળ મૈસૂરથી નજીક છે અને પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 18,08,680 જેટલી છે. જિલ્લામાં કન્નડ, હિન્દી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 15,68,015; મુસ્લિમ : 65,301; ખ્રિસ્તી : 6,762; શીખ : 157; બૌદ્ધ : 117; જૈન 3,087; અન્યધર્મી 20 તથા અનિર્ણીત ધર્મવાળા 915 જેટલા છે. વસ્તીવાળાં 1,365 ગામડાં પૈકી 1,151 ગામોમાં પ્રાથમિક શાળાઓ છે. લગભગ બધાં જ નગરો અને મુખ્ય ગામડાંઓમાં માધ્યમિક શાળાઓ તેમજ તબીબી સેવાની સગવડો છે. માંડ્યામાં જુદી જુદી વિદ્યાશાખાઓની 18 જેટલી કૉલેજો છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 7 તાલુકાઓમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 1,478 (113 વસ્તીવિહીન) ગામડાં છે. માંડ્યા શહેરની વસ્તી 1,37,735 (2011) જેટલી છે.

ઇતિહાસ : વહીવટી એકમ તરીકેનો માંડ્યાનો ઇતિહાસ 1956 પછીનો જ ગણાય. શ્રીરંગપટ્ટન અહીંનું ઘણું પ્રાચીન સ્થળ મનાય છે. દંતકથાઓ મુજબ આજનું માંડ્યા શહેર સતયુગ વખતે ગીચ જંગલ-પ્રદેશનો ભાગ હતું. તે વેદારણ્ય કહેવાતું. કદંબ, કણ્વ અને ગૌતમ જેવા ઋષિઓ અહીં કાવેરી અને શિમશા નદીઓને કાંઠે આશ્રમો સ્થાપીને રહેતા હતા.

ઐતિહાસિક સંદર્ભમાં જોતાં, આ જિલ્લો મૈસૂરના ઉચ્ચપ્રદેશનો એક ભાગ છે. ઈ. સ.ના પ્રારંભથી 10મી સદી સુધી તો તે ગંગ વંશના રાજ હેઠળ હતો. આજનો માંડ્યા-વિસ્તાર અષ્ટગ્રામ ફોજદારીનો ભાગ હતો. તે પછી અષ્ટગ્રામ વિભાગ બનેલો. 1869માં બ્રિટિશ લોકોએ જ્યારે આ બધા વિસ્તારને જિલ્લાઓમાં વિભાજિત કર્યો ત્યારે માંડ્યા મૈસૂર જિલ્લામાં મુકાયેલું. તે વખતે તેના 3 ઉપવિભાગો અને 14 તાલુકા હતા. તે પછી 1930 સુધીમાં ઘણા ફેરફારો થતા રહ્યા. કૃષ્ણરાજસાગર બંધ બંધાયા પછી તેનું મહત્ત્વ વધી ગયું. 1939માં મૈસૂર જિલ્લાનું વિભાજન થતાં 7 તાલુકાઓ સહિતનો માંડ્યા જિલ્લો અલગ પડેલો છે. ત્યારપછીથી તેમાં કોઈ ખાસ ફેરફારો થયેલા નથી.

માંડ્યા (શહેર) : આ સ્થળ અતિપ્રાચીન હોવાનું મનાય છે. અગાઉ તે વેદારણ્ય અને પછીથી વિષ્ણુપુર તરીકે જાણીતું હતું. સતયુગ દરમિયાન અહીંનો બધો પ્રદેશ એક ગીચ જંગલ હતો. ત્યાં એક ઋષિએ સ્થાનિક દેવ જનાર્દનની મૂર્તિની અને બીજા ઋષિએ સકલેશ્વરની મૂર્તિની સ્થાપના કરેલી એવી અનુશ્રુતિ છે. દ્વાપરયુગના અંતે ઇન્દ્રવર્માએ આ દેવોને રીઝવીને સોમશર્મા નામનો પુત્ર મેળવેલો. સોમશર્માએ અહીં એક કિલ્લો બંધાવેલો અને સ્થળને માંડવેમુ નામ આપેલું. એમ પણ કહેવાય છે કે ભૂતકાળમાં અહીં માંડવ્ય ઋષિ રહેતા હતા. તેમના પરથી આ નામ પડ્યું હશે. તાજેતરના અહેવાલ મુજબ, વિજયનગરના કૃષ્ણદેવરાયે તિરુપતિના દેવ વેંકટરામનના ભક્ત ગોવિંદરાજાને આ સ્થળ દાન કરેલું. અહીં સર્વપ્રથમ તિરુપતિનાં વૈષ્ણવ બ્રાહ્મણ કુટુંબો આવીને વસેલાં, તેમણે તિરુપતિ નજીકના તેમના મૂળ વતનના નામ પરથી આ નામ આપેલું એમ કહે છે.

આ સ્થળ ઘણા લાંબા વખતથી દેશનાં ખાંડનાં મોટાં ગણાતાં કારખાનાંઓ પૈકીનું એક કારખાનું ધરાવે છે. અહીં આધુનિક કક્ષાની દારૂ ગાળવાની ભઠ્ઠી (ડિસ્ટિલરી), ચોખાની આધુનિક મિલ અને ઓજારો બનાવવાનું એક કારખાનું આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા