માંડવીનું સુંદરવનનું મંદિર

May, 2024

માંડવીનું સુંદરવનનું મંદિર  (ઈ. સ. 1574) : કચ્છના રાવ ખેંગારજીએ વિ. સં. 1631માં બંધાવેલું મંદિર. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં 3 303 મીટરનું છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુંદરવરજીની ઊભી શ્યામ-શિલામાં કંડારેલી પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમંડપ કાઢેલા છે. મંડપનું વિતાનક આઠ સ્તંભો પર ટેકવેલું છે. સ્તંભ અંશતઃ અષ્ટકોણ અને અંશતઃ વૃત્તાકાર છે. એમાં ઝુમ્મર ઘાટની પદ્મશિલા છે, જેમાં નીચે જતાં સાંકડાં થતા જતા સમકેંદ્રવૃત્ત સ્તરોની મધ્યમાંથી નીચે પદ્માકાર લટકણ લટકે છે. વિતાનક(છત)ના અંદરનો ઘૂમટનો વ્યાસ પાંચ મીટરનો છે. સભામંડપની બહારની બાજુએ પીઠના ટેકાવાળી વેદિકાઓ(ઓટલીઓ) છે. પ્રાસાદના મંડોવરમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ વિવિધ કલાત્મક સ્તરો કાઢેલા છે. તેમાં પ્રતિમાઓ ઇત્યાદિના બે પટ્ટ નજરે પડે છે. વળી ગોખલાઓમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ભવાની, લક્ષ્મી તેમજ ભૈરવ વગેરે દેવદેવીઓની પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. ગર્ભગૃહ પરનું શિખર લગભગ 10.8 મીટર ઊંચું છે.

પ્રવીણચંદ્ર પરીખ