માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના તેઓ પ્રથમ અધ્યક્ષ. તે પછી ગુજરાત રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન, અમદાવાદમાં પણ સભ્ય તરીકેની કામગીરી. પછીથી નિવાસ ગાંધીનગરમાં. ‘સંદેશ’, ‘સમકાલીન’ જેવાં અખબારોમાં કટારલેખન. 2007નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મળ્યો છે.
તેમની પ્રથમ લઘુનવલ ‘કાયર’(1959)માં રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરની ચિત્તલીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણ થયેલું જોવા મળે છે. ‘ધુમ્મસ’ (1965) બીજી મહત્ત્વપૂર્ણ લઘુનવલ છે. નાયક-નાયિકાના સ્વભાવના બે વિરુદ્ધ છેડાઓને લઈ લખાયેલી આ કથા જીવનવૈતથ્યના ભિન્ન ભિન્ન સ્તરોને ઉકેલી આપીને માણસને, માનવીય સંબંધોને સમજવાની ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત ત્રણ જ પાત્રો ધરાવતી લઘુનવલ ‘અજાણ્યાં બે જણ’ (1968) ઉપરાંત, ‘ગ્રહણરાત્રિ’ (1971), ‘મોરપિચ્છના રંગ’ (1973), ‘વંચિતા’ (1973), ‘રાતવાસો’ (1976), ‘ખેલ’ (1976), ‘દંતકથા’ (1977), ‘મંદારવૃક્ષ નીચે’ (1981), ‘બંધનગર’ 1-2 (1986–87), ‘ઝંખના’ (1987), ‘અનુત્તર’ (1988), ‘અશ્વદોડ’ (1994) વગેરે તેમની લોકપ્રિય નીવડેલી, સાહિત્યિક સત્વ દાખવતી નવલકથાઓ છે. ‘બંધનગર’ 1-2માં તેમણે 1,350 પાનાંના વિસ્તૃત ફલક ઉપર ગુજરાતના પોતાના સમયના અટપટા રાજકારણનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર આપ્યું છે. માનવી માત્ર એક યા બીજી રીતે બંધનગરનો કેવો કેદી બની રહે છે, અને જ્ઞાનીમાં જ્ઞાની મનુષ્યનું જ્ઞાન પણ તેના કોચલાની અંદરની કેવી એક સફર બની રહે છે તે તેમણે અહીં સુપેરે બતાવ્યું છે.
તેમના વાર્તાસંગ્રહોમાં ‘ઝાકળનાં મોતી’ (1958), ‘મનના મરોડ’ (1961), ‘વાતવાતમાં’ (1966), ‘ના’ (1967), ‘તપ’ (1974), ‘મોહમ્મદ માંકડની વાર્તાઓ’ ભા. 1–2 (1988), ‘માટીની મૂર્તિઓ’, ‘સંગાથ’, ‘ક્યારે આવશો ?’ વગેરે છે. જૂના-નવા અનેક પ્રવાહોને પોતાનામાં સમાવી લેતી તેમની વાર્તાઓ વિષયનું અને નિરૂપણનું સારું એવું વૈવિધ્ય પ્રકટ કરે છે. માનવીનાં પ્રેમ, ડર, આનંદ, દુ:ખ, વેદના, પીડાની આ કથાઓમાં માનવજીવન અનેકશ: ઊઘડતું જણાય છે. હિન્દી જેવી અન્ય ભારતીય ભાષામાં પણ તેમની વાર્તાઓના અનુવાદો થયા છે.
‘કેલિડોસ્કોપ’ ભા. 1થી 4, (1981–83), ‘સુખ એટલે’ (1984), ‘આપણે માણસો’ ભા. 1–2 (1985–86), ‘ચાલતા રહો’ (1990), ‘આજની ક્ષણ’, ‘ઉજાસ’ વગેરે તેમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહો છે. આ નિબંધોમાં જીવનને ટકાવી રાખે, તેમાં ઉત્સાહ પ્રેરે, માનવીની સમજદારી વધારે તેવું વ્યાપક ચિંતન-વિમર્શન મળે છે. સરળ, ર્દષ્ટાંતસભર શૈલીને કારણે આ નિબંધોને બહોળો વાચકવર્ગ સાંપડ્યો છે.
‘ચંપૂકથાઓ’ 1–2 (1985), તેમની બાલવાર્તાઓના સંચયો છે. ‘મહાનગર’ તેમનું અનૂદિત પુસ્તક છે. ‘સમય’ વિશે પણ તેમણે કેટલુંક સ્વકીય રીતનું ચિંતન-મનન કર્યું છે.
પ્રવીણ દરજી