મહેસૂલ : સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો કર. તેનો સંબંધ જાહેર સંસ્થાઓ દ્વારા આવક ઊભી કરવાની પદ્ધતિ સાથે છે. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકારો, નગર-નિગમો, નગરપાલિકાઓ, નગરપંચાયતો અને ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. આ બધી જ સંસ્થાઓ લોકોપયોગી કાર્યો કરવા માટે રચાયેલી છે. તેમને નાણાંની જરૂર પડે છે અને તે નાણાં આવી જાહેર સંસ્થાઓ મહેસૂલ દ્વારા ઊભાં કરવાનો પ્રયાસ કરતી હોય છે. તે માટે જ્યારે તેઓ લોકો પર કર લાદે છે ત્યારે તે કરને મહેસૂલી કર (revenue tax) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવો કર ખેડૂતોની જમીન પર લાદવામાં આવે છે ત્યારે તેને જમીન-મહેસૂલ કહેવામાં આવે છે. જ્યારે રાજ્ય દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓના બદલામાં તેના ખરીદનારાઓ પાસેથી તેની કિંમત લેવામાં આવે છે ત્યારે તેને ‘વેપારી મહેસૂલ’ (commercial revenue) કહેવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય માટે આવક ઊભી કરવાના સ્રોત તરીકેનો હોય છે. તેમાં તારટપાલની સેવાઓ, રેલવેની સેવાઓ, સરકાર દ્વારા નિર્મિત શાખ-નિગમો પાસેથી લીધેલાં ધિરાણના વળતર રૂપે ચૂકવાતું વ્યાજ, સરકારી ગોદામોમાંથી વેચાતી વસ્તુઓના બદલામાં ચૂકવાતાં નાણાં, જાહેર રસ્તાઓ કે પુલો વાપરવાના બદલામાં આકારવામાં આવતો કર (toll) વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત, સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના બદલામાં લેવાતી ફી, પરવાના આપવા માટેની ફી, દંડ રૂપે ઉઘરાવવામાં આવતાં નાણાં, ખાલસા તરીકે સરકારમાં જમા થતી રકમો તથા વિશિષ્ટ આકારણી(special assessments)ના રૂપમાં લેવાતી રકમોને વહીવટી મહેસૂલ (administrative revenue) તરીકે ઓળખવામાં આવે છે. જૂના જમાનામાં રજવાડાંઓ કે નવાબો દ્વારા સ્વીકારવામાં આવતાં નજરાણાં પણ મહેસૂલ તરીકે ગણાતાં, પરંતુ હવે તેવું રહ્યું નથી.

ભારતની મહેસૂલ અંગેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના સંદર્ભમાં તપાસતાં જાણવા મળે છે કે સરકારી તંત્રમાં અને લોકમાનસમાં તેનો સંબંધ જમીન-મહેસૂલ સાથે જ મુખ્યત્વે રહ્યો છે. મુઘલ તથા મરાઠા કાળમાં તે અલગ અલગ નામથી ઓળખાતો રહ્યો છે; દા.ત., મરાઠાકાળમાં તે ‘ચોથ’ એટલે કે કુલ પેદાશના ચોથા ભાગ તરીકે ઉઘરાવવામાં આવતો; એટલું જ નહિ, પરંતુ અલગ અલગ પ્રાંતોમાં તેનાં ધોરણો જુદાં જુદાં હતાં. અઢારમી સદીમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થતાં તેણે જે તે પ્રદેશમાં મહેસૂલની જે પદ્ધતિ હતી તે ચાલુ રાખવાના નિર્ણય સાથે તેમાં નિશ્ચિતતા, એકરૂપતા, સુરક્ષિતતા અને સલામતી દાખલ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે કંપનીના અમલદારોએ જુદા જુદા પ્રદેશની જમીન-મહેસૂલ-પદ્ધતિની તપાસ શરૂ કરી ત્યારે તેમણે જોયું કે કેટલાક પ્રદેશોમાં જમીનદારી, કેટલાકમાં રૈયતવારી, કેટલાકમાં મહાલવારી અને કેટલાકમાં માલગુજારી હેઠળ જમીન-મહેસૂલની આકારણી અને ચુકવણી થતી હતી. આમાં રહેલી અનિશ્ચિતતા દૂર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં કેટલાક પ્રયોગો કર્યા; દા.ત., 1772–77 દરમિયાન પાંચ વર્ષની આકારણીની પદ્ધતિ દાખલ કરવામાં આવી. ત્યારબાદ 1778, 1779 અને 1780 આ ત્રણ વર્ષમાં વાર્ષિક આકારણી કરવામાં આવી. 1786માં દસ વર્ષની આકારણી-પદ્ધતિ દાખલ કરવામાં આવી. આ પ્રયોગોમાં રહેલી અનિશ્ચિતતાને કારણે ભારતની કૃષિ-વ્યવસ્થા અને ખેડૂતોની આર્થિક સ્થિતિને પારાવાર નુકસાન થયું. છેવટે 1793માં લૉર્ડ કૉર્નવાલિસે કાયમી જમાબંધી દાખલ કરી. 1795માં તે બનારસમાં અને 1802–05 દરમિયાન મદ્રાસ પ્રાંતમાં દાખલ કરવામાં આવી. 1857માં ભારતમાં બ્રિટિશ સલ્તનત દાખલ થતાં ‘કાયમી જમાબંધી’ પર પુનર્વિચારણા કરવામાં આવી અને ઘણી ચર્ચાવિચારણા બાદ 1883માં તેને રદિયો આપવામાં આવ્યો. તેને બદલે જુદા જુદા પ્રદેશોમાં અગાઉ જે પદ્ધતિ અસ્તિત્વમાં હતી તે જ પદ્ધતિ પુનર્જીવિત કરવામાં આવી.

આઝાદી પછી જમીનસુધારાના ધ્યેય હેઠળ ચાર-સૂત્રી કાર્યક્રમનાં મંડાણ થયાં : (1) મધ્યસ્થીઓની નાબૂદી : આ હેઠળ 1948માં જમીનદારી નાબૂદ કરવામાં આવી અને વાસ્તવિક ખેડાણ કરનારાઓને જમીનની માલિકી બક્ષવામાં આવી. (2) ગણોત-સુધારણા : તે દ્વારા ગણોતનું નિયમન અને ખેડૂતોને ખેડાણની સુરક્ષિતતા બક્ષવાનો નિર્ણય કરવામાં આવ્યો. (3) જમીન-માલિકીની ટોચમર્યાદા : તે નિયમન મુજબ કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જમીન ધરાવી શકે તેનું ધોરણ નિર્ધારિત કરવાનું ઠરાવાયું. (4) કૃષિના માળખામાં ફેરફાર કરવા અને તે દ્વારા ખેડાણ-ઘટકોનું એકત્રીકરણ કરવાનું તથા જમીનનું વિભાજન અને ખંડવિભાજન અટકાવવાનું નક્કી થયું.

ભારતના બંધારણ મુજબ, કૃષિક્ષેત્ર રાજ્યની સત્તામાં આવતું હોવાથી દરેક રાજ્યે તે માટે જુદા જુદા કાયદાઓ ઘડ્યા છે, પરંતુ બ્રિટિશ શાસન હેઠળ જમીન-મહેસૂલની આકારણીમાં જે શોષણ થતું હતું તે નાબૂદ કરવામાં આવ્યું છે અને મધ્યસ્થીઓની નાબૂદીને લીધે હવે ખેડૂત અને રાજ્ય વચ્ચે સીધા સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે