મહેશ્વરી, પંચાનન (જ. 9 નવેમ્બર 1904, જયપુર; અ. 18 મે 1966) : ભારતના એક ખ્યાતનામ જીવવિજ્ઞાની. શાળા અને કૉલેજનું શિક્ષણ જયપુરમાં. ત્યારબાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડૉક્ટર ઑવ્ સાયન્સ(ડી.એસસી.)ની ઉપાધિ 1931માં લીધી. આ સાથે તેમના ઉચ્ચ કોટિના સંશોધનને કારણે મૅકગિલ યુનિવર્સિટીએ તેમને ઑનરરી ડી.એસસી.ની ઉપાધિ આપી. આ સમય દરમિયાન તેમણે સંવૃત બીજ (angiosperms) અને અનાવૃત બીજ(gymno-sperms)નો વિશિષ્ટ અભ્યાસ કર્યો.
આગ્રા યુનિવર્સિટીથી તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યાં તેમણે વ્યાખ્યાતા તરીકે 1930–37 સુધી કાર્ય કર્યું. ત્યારબાદ બે વર્ષ માટે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં કામ કર્યું. 1939–47 દરમિયાન તેમણે ઢાકા યુનિવર્સિટીમાં રીડર અને જીવવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. એ જ યુનિવર્સિટીમાં 1947–49 સુધી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 1949માં તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા.
તેમનાં શિક્ષણ અને સંશોધનને લક્ષમાં લઈ તેમને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના ફેલો તરીકે 1935માં નીમવામાં આવ્યા. વળી આ સંસ્થાના સચિવપદે તેઓ 1956–60 સુધી રહ્યા. આ સાથે ઇન્ડિયન બૉટનિકલ સોસાયટી, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ, અને લિયોપૉલ્ડિન એકૅડેમીના ફેલો તરીકે રહ્યા.
તેઓ અમેરિકન બૉટનિકલ સોસાયટી તથા જર્મન બૉટનિકલ સોસાયટીના સભ્ય પણ હતા.
પાદપ-આકારવિજ્ઞાનીઓ(plant morphology)ની આંતરરાષ્ટ્રીય સોસાયટીના સભ્ય અને 1956–60 દરમિયાન તેના પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા. ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના સક્રિય સભ્ય તરીકે તેમણે કામ કર્યું. તેમણે પાદપ-આકારવિજ્ઞાન અને ભ્રૂણવિજ્ઞાન (embryology) ઉપર નોંધપાત્ર સંશોધન કર્યું છે.
પ્રહલાદ છ. પટેલ