મહેબૂબનગર  (જિલ્લો) : તેલંગાણા જિલ્લામાં આવેલો જિલ્લો તેમજ જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લો પાલામુરુ જિલ્લા તરીકે પણ ઓળખાય છે. તે 15 55´ ઉ. અ.થી 17 29´ ઉ. અ. અને 77 15´ પૂ. રે.થી 79 15´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર આશરે 2,737 ચો.કિમી. છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 498 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે કર્ણાટક રાજ્યના રાયચૂર અને ગુલબર્ગ જિલ્લા આવેલા છે. જ્યારે તેલંગાણા રાજ્યના નારાયણપેટ, વિક્રાબાદ, રંગારેડ્ડી નાગરકૂર્નુલ, વાનાપાર્થી અને જોગુલામ્બા ગડવાલ જિલ્લા પણ સીમા રૂપે આવેલા છે. આ સિવાય દક્ષિણે કૃષ્ણા નદી તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે સીમા રૂપે વહે છે.

મહેબૂબનગર જિલ્લો

ભૂપૃષ્ઠ – જળપરિવહન : તેલંગાણા રાજ્યમાં આવેલા આ જિલ્લામાં મેદાનો, ટેકરીઓ અને ખીણો જે તેની લાક્ષણિકતા છે.  આ જિલ્લાના ભૂપૃષ્ઠને બે વિભાગમાં વહેંચી શકાય. (અ) છૂટીછવાઈ ટેકરીઓ અને મેદાની વિસ્તાર (બ) ઉચ્ચપ્રદેશ અને આશરે 800 મીટરથી સરેરાશ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ. આ ટેકરીઓની હારમાળાની દક્ષિણે કૃષ્ણા નદીને સમાંતર પૂર્વ-પશ્ચિમ ફેલાયેલી છે. કૃષ્ણા નદી અને તેની શાખા નદીઓએ  આ ઉચ્ચપ્રદેશોમાં ઘસારાકાર્ય દ્વારા અનેક ખીણો નિર્માણ કરી છે. મેદાનો પરથી ખીણમાં જવાનું અતિ કઠિન છે. કૃષ્ણા નદી અને તુંગભદ્રાએ વિશિષ્ટ જળપ્રણાલી રચી છે. કૃષ્ણા નદીની શાખા નદીઓ ડીંડી, પેદાનગુ અને ચીનાનગુ વહે છે. જિલ્લાની અગ્નિ દિશાએ ઉત્તર-દક્ષિણ ગોઠવાયેલી સપાટ શિરોભાગવાળી થરબદ્ધ ગોઠવાયેલી ટેકરીઓની હારમાળા આવેલી છે.

આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ જિલ્લો અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી આબોહવા પ્રમાણમાં ગરમ અનુભવાય છે. ઉનાળામાં મહત્તમ તાપમાન 42 સે.થી 44 સે. અનુભવાય છે. શિયાળામાં તાપમાન 36 સે.થી 38 સે. અનુભવાય છે. વર્ષાઋતુ દરમિયાન નૈર્ઋત્યના પવનો વરસાદ આપે છે. સરેરાશ અહીં વરસાદ 700થી 800 મિમી. જેટલો પડતો હોય છે. કેટલીક વાર ઈશાની પવનો પણ વરસાદ આપતા હોય છે. જો નૈર્ઋત્યના પવનો સમયસર પૂરતો વરસાદ ન આપે તો અહીં દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાય છે. ઉચ્ચપ્રદેશના વિસ્તારમાં તાપમાન ઊંચું અનુભવાતું હોવાથી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ જિલ્લાના ગડવાલ અને આલમપુર તાલુકામાં પ્રમાણમાં વધુ તાપમાન અનુભવાય છે.

આ જિલ્લામાં છોડ, વૃક્ષો, પ્રાણીઓનું વૈવિધ્ય રહેલું છે. અહીં ઉષ્ણકટિબંધીય સૂકાં અને પાનખર જંગલો આવેલાં છે. અહીંનાં જંગલોમાં જલાઉ લાકડાં માટેનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે અહીં સાગ, બાવળ અબનૂસ, આંબા, આંબલી સરગવો મહુડો જેવાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. અહીં વાઘ, દીપડો વાનર, જંગલી કૂતરા, વરુ, શિયાળ, જરખ, સાબર, હરણ, ચિત્તલ જેવા વન્ય પ્રાણીઓ છે. સરિસૃપોનું પ્રમાણ પણ વધુ છે.

અર્થતંત્ર : અહીંની જમીનો રતાશ પડતી જેમાં ગોરાડુ – રેતાળ (દબ્બા) રેતાળ-ગોરાડુ (ચાલ્કા) અને રેતાળ-મૃદુવાળી ગોરાડુ પ્રકારની જમીનો આવેલી છે. તદુપરાંત કૃષ્ણા તુંગભદ્રા તેમજ નાની નદીઓના કિનારા નજીક માટીના મિશ્રણવાળી કાળી જમીનનો પટ્ટો વિસ્તરેલો છે. અહીંની રાતી અને કથ્થઈ જમીનો ઓછી ફળદ્રૂપ તેમજ બિનક્ષારવાળી અને બિનઆલ્કલી છે. પરિણામે અહીં મુખ્ય ખાદ્ય-કૃષિપાકોમાં ડાંગર, જુવાર, બાજરી રાગીની ખેતી લેવાય છે. રોકડિયા પાકોમાં કપાસ તમાકુ, મગફળી, દિવેલા, શેરડી; કઠોળમાં ચોળા, ચણા અને તુવેર જ્યારે શાકભાજીમાં મરચાં, લસણ, ડુંગળી અને ફળોમાં કેળા, કેરી વગેરેની ખેતી લેવાય છે. પશુપાલન પર નભતા ગ્રામીણ લોકો મુખ્યત્વે દુધાળાં અને માંસ મેળવી શકાય એવાં પ્રાણીઓ પાળે છે. નદીકિનારા અને તળાવોમાંથી મત્સ્ય પણ મેળવાય છે. આદિવાસી લોકો જંગલોમાંથી લાકડાં, લાખ, ગુંદર, ટીમરુંનાં પાન વગેરે મેળવીને ગુજરાન ચલાવે છે.

આ જિલ્લામાં રહેલી ખનીજસંપત્તિમાં કીમતી પથ્થરો (હીરા), સોનાના અયસ્ક પણ મળે છે. પરિણામે ખાણઉદ્યોગ દ્વારા લોકો રોજીરોટી મેળવે છે. નાના પાયાના ઉદ્યોગો જેમાં આર્ટ સિલ્કની સાડીઓ, શેતરંજીઓ, ટસર કાપડ તેમજ હસ્તકલાઉદ્યોગ જોવા મળે છે. આ જિલ્લામાં સૂર્યશક્તિનો ઉપયોગ વધતો જતો હોવાથી નાના ઉદ્યોગોને વિકસાવવાની શક્યતા ઊભી થઈ છે.

આ સિવાય અહીં અરિહંત ઍગ્રો પ્રોડક્ટ્સ લિ., સૂર્યલક્ષ્મી કૉટન મિલ્સ લિ. જેવા મુખ્ય ઔદ્યોગિક એકમો આવેલા છે. આ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા ‘Backward Region Grant Fund Programme’ (BRGE) અન્વયે રાહત મળે છે.

રાજ્યના ધોરી માર્ગ અને રેલ માર્ગની સુવિધા તે ધરાવે છે. નગરો અને ગામડાંઓને જિલ્લામાર્ગો, તાલુકામાર્ગો અને ગ્રામ્યમાર્ગોથી સાંકળી લેવામાં આવ્યાં છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 9,97,359 છે. જેમાં 4,93,265 પુરુષો અને 4,12,076 મહિલાઓ છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 987 મહિલાઓ છે. સાક્ષરતા 63.35% છે. 34.72% લોકો શહેરોમાં વસે છે. આશરે 64% લોકો ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે આશરે 14.06% અને 11.47% છે. આ જિલ્લામાં મુખ્ય ભાષા તેલુગુ, ઉર્દૂ લામ્બાડી છે. જેની ટકાવારી અનુક્રમે 76.23%, 12.23% અને 10.57% છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન ધર્મીઓ વસે છે.

અહીં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. સરકાર માન્ય અને ખાનગી મેડિકલ કૉલેજો આવેલી છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિવિધ કૉલેજોમાં ચલાવાય છે. અહીં ઑસ્માનિયા અને પાલામુરુ યુનિવર્સિટી આવેલી છે. પ્રાથમિક સારવાર કેન્દ્રો હૉસ્પિટલો પણ આવેલાં છે.

કોઈલસાગર બંધ

પ્રવાસન સ્થળો : આ જિલ્લામાં રંગાનાયકા સ્વામી મંદિર, પીલ્લીમારી વડનું વૃક્ષ, કોઈલસાગર બંધ, સાયન્સ મ્યુઝિયમ, મહેબૂબનગર સરોવર, મન્યાકોકાન્ડા શ્રી લક્ષ્મી મંદિર, ધાનપુર, માન્ડાગોપાલ સ્વામી મંદિર, માધવસ્વામી મંદિર વગેરે આવેલાં છે.

પીલ્લીમારી વડનું વૃક્ષ

ઇતિહાસ : અગાઉ આ જિલ્લો નગર કુર્નુલ જિલ્લા તરીકે ઓળખાતો હતો. 1883માં જિલ્લામથક નગર કુર્નુલથી મહેબૂબનગર લઈ જવામાં આવ્યું અને એ નામથી જિલ્લો ઓળખાવા લાગ્યો. હૈદરાબાદના નિઝામ મીર મહેબૂબઅલીખાનના નામથી આ ‘મહેબૂબનગર’ વસાવવામાં આવ્યું હતું.

પ્રાચીન સમયમાં નંદ અને મૌર્ય વંશના સમ્રાટોની સત્તા હેઠળ આ પ્રદેશ હતો. મૌર્યોના પતન બાદ સાતવાહન અને પલ્લવ વંશના રાજાઓ ત્યાં સત્તા ભોગવતા હતા. વરંગલના કાકતીય શાસકોએ બારમીથી ચૌદમી સદી પર્યંત ત્યાં રાજ્ય કર્યું. ત્યારબાદ બહમની સુલતાનો અને તેમના પછી ગોલકોંડાની કુતુબશાહી હેઠળ આ પ્રદેશનો સમાવેશ થયો હતો. હૈદરાબાદમાં અસફજાહ વંશની નિઝામશાહી 1724માં સ્થપાઈ ત્યારથી દેશની સ્વતંત્રતા પર્યંત ત્યાં નિઝામની સત્તા પ્રવર્તતી હતી.

મહેબૂબનગર (શહેર) : મહેબૂબનગર જિલ્લાનું શહેર અને જિલ્લામથક.

તે 16 73´ ઉ. અ. અને 77 98´ પૂ. રે. પરસ્થિત છે. જે સમુદ્રસપાટીથી આશરે 498 મીટર ઊંચાઈ ધરાવે છે. તેનો વિસ્તાર 98.64 ચો.કિમી. છે. શહેરની વસ્તી (2025 મુજબ) 2,29,000 અને મેટ્રો શહેરની વસ્તી 3,05,000 છે.

જિલ્લાનું મુખ્ય શહેર હોવાથી ગ્રામ્યવિસ્તારની ખેત-પેદાશોના વેપારનું મુખ્ય મથક છે. મોટે ભાગે ડાંગર, મગફળી, કઠોળ, દિવેલાનો અને શાકભાજીનો વેપાર અધિક થાય છે. આ શહેરમાં નાનામોટા ઉદ્યોગો જોવા મળે છે; તેમાં અનાજ દળવાની મિલો, કપાસની જિનિંગ મિલો અને મગફળી પીલવાની મિલો આવેલી છે. કાપડ, ડાંગર, મરચાં, સિંગતેલ, હાથસાળની સાડીઓ અને સિંગદાણાની નિકાસ થાય છે.

અહીં મહેબૂબનગર રેલવેસ્ટેશન આવેલું છે. આ શહેરમાં ચાર રેલવેસ્ટેશન આવેલાં છે. જેમાં મહેબૂબનગર ટાઉન, યેનુગોન્ડા, ડીપીટીપલ્લી અને મહેબૂબનગર જંકશન. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44, 167 N  અને 167 સાથે સંકળાયેલું છે. રાજ્ય ધોરી માર્ગ નં. 20 અને 23 પણ પસાર થાય છે. આ શહેરની નજીકમાં આવેલું હવાઈ મથક ‘રાજીવનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ જે હૈદરાબાદ ખાતે આવેલું છે.

આ શહેરમાં શિક્ષણને લગતી અનેક સંસ્થાઓ આવેલી છે. પાલામુરુ યુનિવર્સિટી સાથે વિનયન, સાયન્સ, કૉમર્સ અને મેડિકલ કૉલેજો સંકળાયેલી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. ‘CBSC’ અભ્યાસક્રમ ધરાવતી શાળાઓ પણ આવેલી છે.

ઇતિહાસ : આ શહેર એક સમયે પાલામુરુ તરીકે ઓળખાતું હતું. જેનો અર્થ ‘Land of Milk’ એટલે કે ‘દૂધની ભૂમિ’ થાય છે, પરંતુ 1890ની 4 ડિસેમ્બરે મીર મહેબૂબઅલી ખાન અસફ જ્હા–VIના માનમાં આશહેરનું નામ બદલવામાં આવ્યું હતું. આ શહેરથી હૈદરાબાદ 98 કિમી, કુર્નુલ 130 કિમી. અને ગુલબર્ગ 151 કિમી. દૂર છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી