મહેબૂબનગર : આંધ્રપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 15° 50´થી 17° 20´ ઉ. અ. અને 77° 20´થી 79° 20´ પૂ. રે. વચ્ચેનો 18,432 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લા, પૂર્વમાં નાલગોંડા અને ગુંતુર જિલ્લા, અગ્નિકોણમાં પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણમાં કૃષ્ણા અને તુંગભદ્રા નદી-સીમાથી અલગ પડતો કુર્નુલ જિલ્લો તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યના રાયચુર અને ગુલબર્ગા જિલ્લા આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક મહેબૂબનગર પરથી અને મહેબૂબનગરનું નામ હૈદરાબાદના નિઝામ મીર મહેબૂબઅલીખાન પરથી પાડવામાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) છૂટીછવાઈ નીચી ટેકરીઓ સહિતનો મેદાની વિસ્તાર તથા (2) અમરાબાદ-ફરાહાબાદનો ઉચ્ચપ્રદેશ અને આશરે 800 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ટેકરીઓની સળંગ હારમાળા. આ હારમાળા જિલ્લાની દક્ષિણ સરહદે કૃષ્ણા નદીને સમાંતર પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે. હારમાળામાં વચ્ચે વચ્ચે ઘણી ઊંડી ખીણો પણ છે. મેદાનો પરથી ખીણોમાં જવાનું દુષ્કર છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ ઉત્તર અને પશ્ચિમ તરફ ઊંચાણવાળું છે. જ્યારે વાયવ્યથી અગ્નિ દિશામાં તેમનો ઢોળાવ નીચે ઊતરે છે. જિલ્લાના અગ્નિકોણમાં પણ ઉત્તર-દક્ષિણ ગોઠવાયેલી સપાટ શિરોભાગવાળી થરબદ્ધ ગોઠવાયેલી ટેકરીઓની હારમાળાઓ છે.
અહીંની જમીનો રતાશ પડતા રંગવાળી છે. તેમાં ગોરાડુ-રેતાળ (દબ્બા), રેતાળ-ગોરાડુ (ચાલ્કા) અને રેતાળ-મૃદવાળી ગોરાડુ પ્રકારની જમીનો આવેલી છે. કૃષ્ણા, તુંગભદ્રા તેમજ અન્ય નાની નદીઓના કિનારા નજીક માટીના મિશ્રણવાળી કાળી જમીનનો પટ્ટો વિસ્તરેલો છે. અહીંની રાતી અને કથ્થાઈ જમીનો ઓછી ફળદ્રૂપ તેમજ બિનક્ષારવાળી અને બિનઅલ્કલ છે. અહીંનાં જંગલોમાં લાકડાં આપતાં વૃક્ષો થાય છે. તેમાં અબનૂસ, સાગ, બાવળ, આંબા અને આંબલી મુખ્ય છે. અન્ય વૃક્ષોનાં લાકડાં ઇંધનના ઉપયોગમાં લેવાય છે. કૃષ્ણા અને તુંગભદ્રા – એ બે આ જિલ્લાની મુખ્ય નદીઓ છે, જ્યારે ડીંડી, પેદાનગુ અને ચીનાનગુ કૃષ્ણાની સહાયક નદીઓ છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : અહીંના મુખ્ય ખાદ્ય-કૃષિપાકોમાં ડાંગર, જુવાર, બાજરો, રાગી તથા રોકડિયા પાકોમાં મગફળી, દિવેલી, મરચાં, તમાકુ અને ચોળા(Redgram)નો સમાવેશ થાય છે. પશુપાલન પર નભતા ગ્રામીણ લોકો મુખ્યત્વે દુધાળાં અને માંસ મેળવી શકાય એવાં પ્રાણીઓ પાળે છે. રાજ્યભરમાં પશુરોગો માટે જરૂરી સારવારવિભાગો ઊભા કરવામાં આવેલા છે. જિલ્લામાં મત્સ્યવિભાગ પણ છે.
ઉદ્યોગ–વેપાર : ઉદ્યોગક્ષેત્રે આ જિલ્લો ઓછા પ્રમાણમાં વિકસેલો છે. ગ્રામીણ ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગોનું મહત્વ વધુ છે, તેમ છતાં અરિહંત ઍગ્રોપ્રૉડક્ટ્સ લિ., સૂર્યલક્ષ્મી કૉટન મિલ્સ લિ. – એ બે આ જિલ્લાના મહત્વના ઉદ્યોગો ગણાય છે. અહીં શેતરંજીઓ, માટલાં-કૂજા, બ્રેડ, હાથસાળની સાડીઓ, સિંગતેલ અને ટસર કાપડનું ઉત્પાદન લેવાય છે. કાપડ, ડાંગર અને ચોખા, મરચાં, સિંગતેલ, ઇંધનનાં લાકડાં, હાથસાળની સાડીઓ અને સિંગદાણાની નિકાસ; જ્યારે રેસા, ડાંગર, જુવાર, ગોળ, ખાંડ, ખાદ્યતેલો, ઘઉં વગેરેની આયાત કરવામાં આવે છે.
પરિવહન–પ્રવાસન : 1973 પછીના ગાળામાં આ જિલ્લાનો પરિવહનક્ષેત્રે વધુ વિકાસ થયો છે. નગરો અને ગામડાંઓને માર્ગોથી સાંકળી લેવામાં આવ્યાં છે. જિલ્લાનાં પ્રવાસ-સ્થળોમાં રંગપુર, આલમપુર, બોરવીલે, નરવા, ગડવાલ, મલ્દાકલ્લુ, વેલદાંડા (યેલદાંડા), કોસગી, પાંગલ, કોઈલકાંડા, મહેબૂબનગર, મણિકાંડા, નારાયણપેઠ, જોગમ્માગુડા, શ્રીરંગપુર અને વનપારથીનો સમાવેશ થાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 30,77,050 જેટલી છે. તે પૈકી 15,59,616 પુરુષો અને 15,17,434 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 27,34,858 અને 3,42,192 જેટલું છે. જિલ્લામાં મુખ્યત્વે તેલુગુ, ઉર્દૂ અને હિન્દી ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 27,93,748; મુસ્લિમ : 2,66,389; ખ્રિસ્તી : 15,697; શીખ : 136; બૌદ્ધ : 1; જૈન : 9; અન્યધર્મી : 7 અને અનિર્ણીત ધર્મવાળા 1,063 છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 7,35,244 છે. તે પૈકી 5,14,448 પુરુષો અને 2,20,796 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોની સંખ્યામાં અનુક્રમે 55,512 પુરુષો અને 1,80,131 સ્ત્રીઓ છે. 1996 મુજબ અહીં મહેબૂબનગર ખાતે 16 જેટલી કૉલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. એક કે બીજા પ્રકારની તબીબી સેવા જિલ્લાનાં 349 (જિલ્લાનાં 23 %) ગામડાંઓમાં ઉપલબ્ધ છે. તેમાં હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો અને ઉપકેન્દ્રો તથા કુટુંબનિયોજન-કેન્દ્રોનો સમાવેશ થઈ જાય છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 64 મંડળોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 1,545 (69 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. માત્ર મહેબૂબનગરની વસ્તી 1 લાખથી વધુ છે.
ઇતિહાસ : અગાઉ આ જિલ્લો નગર કુર્નુલ જિલ્લા તરીકે ઓળખાતો હતો. 1883માં જિલ્લામથક નગર કુર્નુલથી મહેબૂબનગર લઈ જવામાં આવ્યું અને એ નામથી જિલ્લો ઓળખાવા લાગ્યો. હૈદરાબાદના નિઝામ મીર મહેબૂબઅલીખાનના નામથી આ ‘મહેબૂબનગર’ વસાવવામાં આવ્યું હતું.
પ્રાચીન સમયમાં નંદ અને મૌર્ય વંશના સમ્રાટોની સત્તા હેઠળ આ પ્રદેશ હતો. મૌર્યોના પતન બાદ સાતવાહન અને પલ્લવ વંશના રાજાઓ ત્યાં સત્તા ભોગવતા હતા. વરંગલના કાકતીય શાસકોએ બારમીથી ચૌદમી સદી પર્યંત ત્યાં રાજ્ય કર્યું. ત્યારબાદ બહમની સુલતાનો અને તેમના પછી ગોલકોંડાની કુતુબશાહી હેઠળ આ પ્રદેશનો સમાવેશ થયો હતો. હૈદરાબાદમાં અસફજાહ વંશની નિઝામશાહી 1724માં સ્થપાઈ ત્યારથી દેશની સ્વતંત્રતા પર્યંત ત્યાં નિઝામની સત્તા પ્રવર્તતી હતી.
મહેબૂબનગર (શહેર) : મહેબૂબનગર જિલ્લાનું અને તાલુકાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 44´ ઉ. અ. અને 77° 59´ પૂ. રે. . તે હૈદરાબાદથી 90 કિમી. અંતરે નૈર્ઋત્ય તરફ આવેલું છે તથા સડકમાર્ગે જોડાયેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણનું સ્થળ શહેરથી આશરે 3 કિમી. અંતરે આવેલું ઘણું જૂનું હોવાનું મનાતું ‘પિલ્લાલામારી’ નામથી ઓળખાતું વટવૃક્ષ છે. આ વૃક્ષ નીચે મુસ્લિમ સંતનું સ્થાનક છે. દૂરથી આ વટવૃક્ષ લીલા રંગની ટેકરી જેવું અને નજીકથી વિશાળ છત્રી જેવું દેખાય છે. તેની નીચે એક સાથે એક હજાર માણસો આશ્રય લઈ શકે એટલી જગા છે. તે આશરે 3 એકર જેટલો વિસ્તાર આવરી લે છે. શહેરમાંથી રેલ અને સડકમાર્ગો પસાર થાય છે. આ શહેર જિલ્લા તેમજ રાજ્યનાં લગભગ બધાં જ મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે. વસ્તી : 1,16,775 (1991).
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ