મહેન્દ્રગિરિ : એક પર્વત તથા એ નામનું શહેર. ઓરિસાથી માંડીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લા સુધીની સમગ્ર ગિરિમાળા. તેને મહેન્દ્રપર્વત પણ કહે છે. આ ગિરિમાળા પૂર્વ ઘાટની દ્યોતક છે. ગંજામ પાસેનો એનો એક ભાગ હજી ‘મહેન્દ્રમલેઈ’ (મહેન્દ્ર ટેકરીઓ) કહેવાય છે. તે મલય પર્વતમાં ભળે છે. રામથી પરાજય પામ્યા પછી પરશુરામ આ પર્વત પર જઈ રહ્યા હતા એવી માન્યતા છે. ‘રઘુવંશ’ (6, 54) તથા ‘ઉત્તરનૈષધચરિત’ (12, 24) એને કલિંગમાં મૂકે છે, જ્યારે ‘ચૈતન્યચરિતામૃત’ પરશુરામનો આશ્રમ મદુરાઈ જિલ્લામાંની હારમાળાના દક્ષિણ છેડા પર હોવાનું જણાવે છે. ગંજામ પાસે મહાનદીની ખીણથી અલગ પાડતી ગિરિમાળાને આ નામ મુખ્યત્વે લગાડવામાં આવતું હતું.
ઓરિસાની દક્ષિણ સીમા પાસે હાલ પણ મહેન્દ્રગિરિ નામે એક શહેર આવેલું છે. 18° 58´ ઉ. અ. અને 84° 26´ પૂ. રે. ઉપર પૂર્વ ઘાટના એક પર્વત પર વસેલું એ શહેર સમુદ્રની સપાટીથી 1501.515 મીટર ઊંચાઈ પર આવેલું છે. ત્યાં ચાર પ્રાચીન મોટાં મોટાં શિવાલયોના ભગ્નાવશેષ નજરે પડે છે. પ્રાચીન સમયમાં એ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હતું. એના કેન્દ્રમાં ગોકર્ણસ્વામીનું સ્થાનક આવેલું હતું. ગાંગ વંશના રાજાઓ ગોકર્ણસ્વામીના ઉપાસક હતા. હનુમાન મહેન્દ્રગિરિ ઓળંગી સીતાની શોધ માટે લંકા ગયા હતા એવો ઉલ્લેખ રામાયણમાં છે.
તિનેવલ્લીની સામે આ પર્વતીય પ્રદેશમાં ત્રિચેનગુડ્ડી નામે નગર આવેલું છે. ત્યાં એક સુંદર પ્રાચીન ગોપુરયુક્ત મંદિર છે.
હાલ મહેન્દ્રગિરિનો મહિમા અગાઉ જેટલો રહ્યો નથી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી