મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ

January, 2002

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા.

વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી ભોળાનાથ સારાભાઈનાં પૌત્રી થતાં હતાં. જ્યુબિલીબહેન વૈકુંઠભાઈનાં સૌથી મોટાં બહેન, ત્યારપછી સુમતિબહેન, તે પછી વૈકુંઠભાઈ (બટુકભાઈ), ત્યારબાદ જ્યોતીન્દ્રભાઈ (ખંડુભાઈ) અને સૌથી નાના ગગનવિહારીભાઈ – એમ તેઓ પાંચ ભાઈ-બહેન હતાં.

વૈકુંઠભાઈનાં લગ્ન 1910માં તેમની ઓગણીસ વર્ષની ઉંમરે થયાં હતાં. મુંબઈની એ વખતની પ્રસિદ્ધ ભરડા હાઈસ્કૂલમાંથી 1907માં મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા હતા. 1910માં ગણિતના વિષય સાથે બી. એ.ની પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ કરી. અંગ્રેજી તેમજ ગણિત વિષયમાં તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં સૌથી વધારે ગુણ મેળવવા માટે તેમને ‘ઍલિસ પ્રાઇઝ’ મળ્યું હતું. યુનિવર્સિટીની ત્રણેય પરીક્ષાઓમાં તેમણે ગણિત વિષયમાં પહેલા વર્ગના કરતાંયે ઘણા ઊંચા ગુણ મેળવ્યા હતા. શિક્ષણ-કારકિર્દીમાં સ્કૉલરશિપો અને નાના-મોટા અનેક ઍવૉર્ડ તેમણે પ્રાપ્ત કર્યાં હતાં.

વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા

ગ્રૅજ્યુએટ થયા બાદ સર હોરમસજી વાડિયા દ્વારા સંચાલિત બૉમ્બે ફેમિન રિલીફના કામમાં તેઓ જોડાયા. એ રીતે પ્રારંભથી જ તેમનું વલણ સામાજિક અને જનકલ્યાણ પ્રવૃત્તિ તરફ હતું. બૉમ્બે સેન્ટ્રલ (પ્રૉવિન્શિયલ) કો-ઑપરેટિવ બૅંક લિ. માં મૅનેજર તરીકે 1913થી 1923 સુધી અને ત્યારપછી 1924થી 1946 સુધી ‘મૅનેજિંગ ડિરેક્ટર’ તરીકે લગભગ 33 વર્ષ સુધી સેવા આપી. વળી તેઓ સોશ્યલ સર્વિસ લીગ, મુંબઈના ઉપાધ્યક્ષ હતા અને બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયન, મુંબઈ, જે દેશનું સહકારી મંદિર કહેવાય છે તેના 1953થી 1960 સુધી ચૅરમૅન હતા. વળી બૉમ્બે પ્રૉવિન્શિયલ બૅંકિંગ ઇન્ક્વાયરી કમિટી, 1929ના તેઓ સભાસદ હતા. 1914–15માં ભારતની સામાજિક અને કૃષિ-અર્થતંત્રની સમસ્યાના ઉકેલ અર્થે મેક્લેગન કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. સર લલ્લુભાઈ શામળદાસ અને વૈકુંઠભાઈ બંને તેના સભ્ય હતા અને દેશ-વિદેશનો અભ્યાસ-પ્રવાસ પણ એકસાથે જ કર્યો હતો. 1946થી 1952 દરમિયાન મુંબઈ સરકારના મંત્રી-મંડળમાં મુખ્યમંત્રી શ્રી બી. જી. ખેર તેમને નાણાપ્રધાન અને સહકારમંત્રી બનાવવા ઇચ્છતા હતા. વૈકુંઠભાઈની નામરજી છતાં રાષ્ટ્રપિતા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ખાસ સંમતિ મેળવી ખેરે તેમને પ્રધાનમંડળમાં સામેલ કર્યા. નાણાં અને સહકારમંત્રી તરીકે તેમણે તેમના બજેટમાં પહેલી વાર જ ‘વેચાણવેરો’ દાખલ કર્યો તેમજ ‘સહકારી કાયદા’માં સુધારો કરી નફો કરતી દરેક પ્રકારની નાની-મોટી સહકારી મંડળી કે સંસ્થાઓએ નફાની ફાળવણી કરતી વખતે સૂચવેલા દર પ્રમાણે સહકારી શિક્ષણફંડમાં ફાળો આપવાની કાયદાકીય જોગવાઈ પણ પ્રથમ વાર જ કરી. રાજ્યકક્ષાની ટોચની બૉમ્બે પ્રૉવિન્શિયલ કો-ઑપરેટિવ ઇન્સ્ટિટ્યૂટ એ ‘નૉન ઑફિશિયલ’ મધ્યવર્તી સહકારી શિક્ષણસંસ્થા છે અને તે રાજ્યની તમામ પ્રકારની સહકારી મંડળીના સભાસદ તેમજ તમામ પ્રકારના કર્મચારીઓ-અધિકારીઓને વિવિધ કક્ષાના સહકારી શિક્ષણની તાલીમ આપે છે. તેના ખર્ચાને નિભાવવા માટે તથા તેની આત્મનિર્ભરતા માટે સહકારી શિક્ષણ ફંડ ફાળાની જોગવાઈ પ્રશંસાપાત્ર બની રહી. તેની અનિવાર્ય જોગવાઈના કારણે ભારતની સહકારી પ્રવૃત્તિએ વિકાસ સાધી વિશ્વના ફલક ઉપર પોતાનું નામ રોશન કર્યું. વૈકુંઠભાઈએ કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી નક્કી કરવાને લગતા ફાઇનાન્સ કમિશનમાં (1952) તેમજ ટૅક્સેશન ઇન્ક્વાયરી કમિટીમાં સભ્ય તરીકે મહત્વની કામગીરી કરી હતી. તેમણે હરિજન સેવક સંઘના મુંબઈ ઇલાકાના બૉર્ડમાં વર્ષો સુધી સેવાઓ આપી હતી. વળી કમિટી ઑન ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ ક્રેડિટ(1959)ના ચૅરમૅન તરીકે તેમજ કમિટી ઑન કો-ઑપરેટિવ ઍડમિનિસ્ટ્રેશનના ચૅરમૅન તરીકે તેમણે આપેલ અહેવાલો તથા ભલામણો સહકારી પ્રવૃત્તિને સર્દઢ બનાવવામાં ખૂબ ઉપકારક થાય એવાં છે. 1953ની સાલમાં, ભારત સરકારે સ્થાપેલા ‘ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રિઝ કમિશન’ના પણ તેઓ ચૅરમૅન નિમાયેલા અને 1960 સુધી તેમાં તેમણે માનાર્હ સેવાઓ આપી હતી.

વૈકુંઠભાઈએ અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. રિઝર્વ બૅંકમાં તેમજ સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયાની કો-ઑર્ડિનેશન કમિટીમાં તેઓ પોતાનું યોગદાન આપતા રહ્યા હતા. ‘મુંબઈ કો-ઑપરેટિવ ક્વૉર્ટર્લી જર્નલ’માં 1918માં તંત્રી તરીકે તેમની વરણી થઈ હતી. ત્યારથી તે છેવટ સુધી આ જર્નલમાં તેમજ ખાદી-કમિશનના ‘ખાદી-ગ્રામોદ્યોગ જર્નલ’માં વર્ષો સુધી તેમના માર્ગદર્શનાત્મક, ચિંતનાત્મક લેખો પ્રસિદ્ધ થયેલા. વળી તેઓ સ્ટૅંન્ડિંગ કમિટી ઑન ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ, આર. બી. આઈ–મુંબઈના સભ્ય હતા. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બકમાં તેમજ મુંબઈ રાજ્ય સરકારના નાણા તથા સહકારમંત્રી તરીકે પગારરૂપે મળતી રકમ સમાજના લોકોપયોગી કામમાં, રાષ્ટ્રની ઉન્નતિ ખાતર તેઓ વાપરતા હતા. ગાંધીજીના સર્વોદય-તત્વજ્ઞાન કાર્યક્રમના રચનાત્મક કાર્યકર તરીકે, તેમણે સહકારી બૅંકિંગ માળખા દ્વારા કૃષિ-ધિરાણ, નાગરિક-ધિરાણ તેમજ ગ્રાહક-સહકારી પ્રવૃત્તિ, સહકારી હાઉસિંગ યોજના તેમજ જમીનવિકાસ માટેનાં લાંબી મુદતનાં ધિરાણ પૂરાં પાડી શોષણમુક્ત સમાજ-નિર્માણની દિશામાં ગણનાપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. આમ દેશમાં બેરોજગારી-નાબૂદી માટે, પદદલિતો અને દરિદ્રનારાયણોની સેવા તેમજ સહકારી પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિકારક યોજનાઓના તેઓ અગ્રણી પ્રણેતા રહ્યા. તેમનાં આવાં રાષ્ટ્રોન્નતિનાં કાર્યોની અને સેવાની કદરરૂપે 1954માં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ પદવીથી નવાજ્યા હતા. એ અગાઉ 1916માં બ્રિટિશ સરકારે પણ ‘કૈસરે હિન્દ’ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક તેમને અર્પણ કર્યા હતા; પરંતુ વિદેશી સરકારની દમનનીતિના વિરોધ તરીકે તેમણે આ બંને ચંદ્રક બ્રિટિશ સરકારને પરત કર્યા હતા. વૈકુંઠભાઈના લખેલા ગ્રંથોમાં : ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ’ (1915); ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ (1918), ‘સ્ટડિઝ ઇન કો-ઑપરેટિવ ફાઇનાન્સ (1927); ‘પ્લાનિંગ ફૉર કો-ઑપરેટિવ મૂવમેન્ટ’ (1941); ‘કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ન્યૂ ઇન્ડિયા’ (1957), ‘કો-ઑપરેટિવ ફાર્મિંગ’ (1958); ‘ટૉવર્ડ્ઝ કો-ઑપરેટિવ કૉમનવેલ્થ’; ‘ઍગ્રિકલ્ચરલ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’ તથા ‘ટૉવર્ડ્ઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકૉનૉમી’ (ખાદી કમિશન) ઉલ્લેખનીય છે.

સહકારી પ્રવૃત્તિ પરપોટા જેવું ક્ષણભંગુર આંદોલન બની ન જાય તેની વૈકુંઠભાઈએ ખૂબ કાળજી રાખી હતી. એમની ર્દઢ માન્યતા હતી કે સહકારી પ્રવૃત્તિ હંમેશ માટે ચાલુ રહે, સમાજજીવનનો એક ભાગ બને અને ખાસ તો, ‘સહકાર’ શબ્દમાંની ભાવના આમજનતાને આત્મસાત્ થાય તે માટે એમણે સહકારી ક્ષેત્રે માણસોને તૈયાર કરવાનો ખૂબ આગ્રહ રાખ્યો.

તેમણે સહકારી પ્રવૃત્તિના ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપી. સહકારી ક્ષેત્રે કેવા ‘સહકાર’ની ભાવનાથી છલોછલ, ચીવટવાળા અને પ્રામાણિક માણસો હોવા જોઈએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું.

સૂર્યકાન્ત શાહ

બાલમુકુન્દ પંડિત