મહેતા, વેદ (જ. 1934, લાહોર) : ભારતના નિબંધલેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક. તેમણે ભારત ઉપરાંત અમેરિકા અને બ્રિટનમાં ઑક્સફર્ડ તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ પત્રકાર તરીકે કર્યો હતો. તેમનાં નિબંધો તથા સંસ્મરણોમાં આ પત્રકારત્વની ખૂબી-ખામીઓ વણાઈ આવી છે. તેમની ઉત્તમ લેખાતી કૃતિ ‘પૉર્ટ્રેટ ઑવ્ ઇન્ડિયા’ (1970) ખૂબ અંગત મંતવ્યોથી રંગાયેલી છે. ‘ધ ન્યૂયૉર્કર’માં લેખશ્રેણી રૂપે તે છપાઈ હતી. આ કૃતિમાં આ ઉપખંડ વિશે ઉત્તમ અર્થઘટન તથા સમજ જોવા મળે છે. તેની જોડાજોડ બેસે તેવી કૃતિ તે ‘ફેસ ટુ ફેસ’ (1957) છે. તેમાં તેમણે ભારતમાં ગાળેલાં પ્રારંભિક વર્ષો તેમજ ભારત તથા અમેરિકામાં શિક્ષણ માટે તેમણે કરવા પડેલા સંઘર્ષનું રસપ્રદ ચિત્રણ છે. આ સંઘર્ષ વિશેષ વેદનામય અને કારુણ્યસભર એટલા માટે બની રહ્યો છે કે 3 વર્ષની નાની વયે જ તેઓ ર્દષ્ટિ ગુમાવી બેઠા હતા. ‘વૉકિંગ ધી ઇન્ડિયન સ્ટ્રીટ્સ’(1963)માં તેઓ ભારત પાછા ફર્યા ત્યાંથી કથા આગળ ચાલે છે. આત્મકથાવિષયક અન્ય પુસ્તકોમાં ‘વેદી’(1982)માં મુંબઈમાં ર્દષ્ટિવિહોણા વિદ્યાર્થીઓ માટેની શાળામાં ગાળેલો અભ્યાસકાળ આલેખાયો છે. ‘ધ લેજ બિટવીન ધ સ્ટ્રીમ્સ’(1985)માં પંદરમી વર્ષગાંઠ સુધીનું ચિત્રણ છે. મોટાભાગની આ કૃતિઓમાં ભારતીય જનજીવનના રસપ્રદ ચિત્રણ સાથે ભારતનાં રાજકારણ તથા નેતાગીરીનું વેધક નિરૂપણ છે. આ શ્રેણીની તેમની અન્ય કૃતિઓ છે ‘દાદાજી’ (1972), ‘મામાજી’, ‘ફ્લાય ઍન્ડ ફ્લાય બૉટલ’ (1963) અને ‘જૉન ઇઝ ઈઝી ટુ પ્લીઝ’ (1971). તેઓ અંગ્રેજીમાં લખે છે, પરંતુ તેમની કૃતિઓના અનેક અનુવાદો થયા છે. તેઓ કદાચ એક એવા ભારતીય લેખક છે જેમની કૃતિઓ ભારત બહાર સૌથી વધારે વંચાય છે. સ્વદેશમાં તેઓ ખૂબ આદરપાત્ર સર્જક લેખાય છે; અલબત્ત, ક્યારેક તેઓ વિવાદાસ્પદ પણ થયા છે ખરા.

મહેશ ચોકસી