મહેતા, વી. આર. (જ. 22 જૂન 1919, રાજકોટ, સૌરાષ્ટ્ર) : પ્રબુદ્ધ અને કાર્યદક્ષ વહીવટદાર અને કુલપતિ. તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે પછી, ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેમણે આઇ.એ.એસ.(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી. તેમણે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કલેક્ટર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટ, રાજ્યોના વિલીનીકરણ માટે જોડાણ યોજના નાબૂદીની ઝુંબેશ અને જમીનસુધારણા કાયદાઓના અમલમાં મદદનીશ કમિશનર તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. નિવૃત્તિ (1972) અગાઉ તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ, મજૂર અને સમાજકલ્યાણ ખાતાના સચિવ હતા. તે દરમિયાન ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના કાયદાઓના આધુનિકીકરણ માટે ડોંગરકેરી કમિશનના સભ્યસચિવ તરીકે કામગીરી બજાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના શિક્ષણની ભાવિ યોજના સૌપ્રથમ વાર તૈયાર કરવામાં આવી. તે સમયની યુથ બોર્ડ પ્રવૃત્તિને (1) યુવક પ્રવૃત્તિ, (2) સંગીત, નૃત્ય, નાટક એકૅડેમી અને (3) લલિત કલા એકૅડેમી – એવા ત્રણ વિભાગમાં તેમણે વ્યવસ્થિત કરી હતી. પૂજ્ય મોટાની પ્રેરણાથી તેમણે સાગર તરણ યોજના તથા વેદપંડિતોના સન્માનની યોજના પણ શરૂ કરી હતી. કોઠારી કમિશનની ભલામણ મુજબ માધ્યમિક કક્ષાએ વ્યવસાયીકરણની યોજના તેમણે અમલમાં મૂકી હતી.
ગુજરાતમાં નવી સ્થપાયેલી કૃષિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે તેઓ નિમાયા હતા. દાંતીવાડામાં નવા કૅમ્પસ અને ટાઉનશિપની તેમણે સ્થાપના કરી. આ હોદ્દો તેમણે બે મુદત સુધી સંભાળ્યો. તેમણે જામનગરમાં સ્થપાયેલી આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ બે મુદત સુધી સેવાઓ આપી. યુનિવર્સિટી ઍક્ટની સુધારણા માટેની પાલેજવાળા સમિતિમાં તેઓ સભ્યપદે નિમાયા હતા. યુ.જી.સી.ની રાષ્ટ્રભાષા અને પ્રૌઢશિક્ષણ સમિતિના તથા આઇ.સી.એ.આર.ની કૃષિવિજ્ઞાન કેન્દ્રની રાષ્ટ્રીય સમિતિના તેઓ સભ્ય હતા. આયોજન પંચે નીમેલી આયુર્વેદ શિક્ષણ તથા સંશોધન અને વનૌષધિના વિકાસ માટેની સમિતિમાં તેમણે સભ્ય તરીકે કામગીરી બજાવી હતી. ગુજરાત રાજ્યે તેમના અધ્યક્ષપદે આયુર્વેદ કૉલેજોની તથા હોમિયોપથી કૉલેજોની સુધારણા સમિતિ નીમી હતી. ખેતમજૂરોના ન્યૂનતમ વેતન માટેની સમિતિના તેઓ અધ્યક્ષ હતા.
ભારતની સર્વ કૃષિ યુનિવર્સિટીઓના ઉપ-પ્રમુખ અને તે પછી પ્રમુખ તરીકે તેમણે વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું. ઇન્ડિયન યુનિવર્સિટીઝ ઍસોસિયેશનના તેઓ ઉપપ્રમુખ હતા. અખિલ ભારતીય શિક્ષણ સંમેલનના કન્વિનર તરીકે તેમણે સેવાગ્રામ, બૅંગાલુરુ, હૈદરાબાદ અને દિલ્હીમાં સંમેલનો યોજ્યાં હતાં.
તેઓશ્રી ચોથા પગારપંચ(અહમદી પે કમિશન)ના સભ્ય હતા. જસ્ટીસ હિદાયતુલ્લાના અધ્યક્ષપદ હેઠળની, પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઍવૉર્ડની સલાહકાર સમિતિના તેઓ સભ્ય હતા. તેઓ ગુજરાત કેળવણી મંડળના ઉપાધ્યક્ષ હતા. હાલમાં તેઓ એકૅડેમી ઑવ્ આયુર્વેદ ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચના પ્રમુખ છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ધારામાં સુધારા સૂચવવા વાસ્તેની સર્ચ કમિટીના તેઓ અધ્યક્ષ છે.
ગુજરાત રાજ્યે તેમને ‘જસ્ટીસ ઑવ્ પીસ’ નીમ્યા હતા. એકૅડેમી ઑવ્ ઇન્ડિયન મેડિસિન તરફથી તેમને ફેલોશિપ મળી હતી. ‘હર્બલ કલ્ચર’ના વિકાસ વાસ્તેની તેમની વિશિષ્ટ સેવાઓ બદલ તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે. વિશિષ્ટ સિદ્ધિઓ તથા યોગદાન વાસ્તે તેમને નૅશનલ યુનિટી ઍવૉર્ડ મળ્યો છે. ઉમંગ સંસ્થા તરફથી સમાજસેવા બદલ તથા જીવનભર ઊર્જામય સ્વાસ્થ્યના ઉદાહરણ રૂપે તેમને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ