મહેતા, વિદ્યાબહેન (જ. 1921, અમદાવાદ; અ. ? અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની અને અગ્રણી સામાજિક કાર્યકર. પિતા છક્કડભાઈ શાહને રેંટિયાપ્રવૃત્તિ અને ખાદી અંગેના કામમાં ઊંડો રસ હતો. તેમના પિતાની બનાવેલી રૂની પૂણીઓ યરવડા જેલમાં ગાંધીજી ઉપયોગમાં લેતા. પિતાની સાથે આ પુત્રી પણ ગાંધીઆશ્રમની પ્રાર્થનાઓમાં ભાગ લેતી. આમ વિદ્યાબહેને બાલ્યાવસ્થામાં જ ખાદી, રેંટિયો અને સ્વાતંત્ર્ય અંગેની પ્રવૃત્તિના સંસ્કાર ઝીલ્યા હતા. સાત વર્ષની વયે શ્રીમદભગવદ્ગીતા તેમણે કંઠસ્થ કરી લીધી હતી. સામાજિક માહોલમાં બહેનોના પ્રશ્નો તેમને પીડતા. આથી સત્તર-અઢારની યુવા વયે પૈતૃક નિવાસસ્થાન તળિયાની પોળ, સારંગપુરમાં ‘ભગિની સેવા સમાજ’ સંસ્થા રચી અને સામાજિક કાર્યોના ક્ષેત્રે નાની-શી શરૂઆત કરી.

કૉલેજકાળ દરમિયાન ફેબ્રુઆરીથી મે, 1942 સુધી સેવાગ્રામમાં ગાંધીજી અને કસ્તૂરબા, મહાદેવભાઈ દેસાઈ, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, રાજકુમારી અમૃતકૌર જેવાં અગ્રણી રાષ્ટ્રવાદીઓના સાન્નિધ્ય અને માર્ગદર્શન હેઠળ કામ કરવાની તક મળી. બીજી તરફ ‘હિંદ છોડો’ આંદોલન છેડાતાં અભ્યાસ છોડી તેમણે સક્રિય રીતે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં ઝુકાવ્યું. આ પ્રવૃત્તિ દરમિયાન 5 ફેબ્રુઆરી, 1943ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને સાત માસ જેલયાત્રા કરી 28 ઑગસ્ટ, 1943ના રોજ મુક્ત થયાં. પછીના વર્ષે અભ્યાસ પૂરો કરી સ્નાતક બન્યાં. આ કાળ દરમિયાન મહિલા પ્રવૃત્તિઓના ક્ષેત્રે તેમની કામ કરવાની ધગશ જોઈ મૃદુલાબહેન સારાભાઈએ જ્યોતિસંઘમાં જોડાઈ જવા અનુરોધ કર્યો. પરિણામે 1 જાન્યુઆરી, 1946થી તેઓ જ્યોતિસંઘમાં જોડાયેલાં અને 15 મે, 1995 સુધીની ઓગણપચાસ વર્ષની સુદીર્ઘ કારકિર્દી આ સંસ્થામાં વિતાવી. સામાન્ય કાર્યકરમાંથી પાંગરીને તેઓ આ સંસ્થાનાં મુખ્યમંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખ – એમ વિવિધ પદો પર નિષ્ઠાપૂર્વક કામ કરતાં રહ્યાં હતાં. સામાજિક સંસ્થા તરીકે જ્યોતિસંઘ પાસે વિધવા અને ત્યક્તા બહેનો, સામાજિક કુરિવાજ, રૂઢિ, કૌટુંબિક સતામણી, આર્થિક ભીંસ – એમ વિવિધ પ્રશ્નો–સમસ્યાઓ આવે. આવી પરિસ્થિતિમાં મુકાયેલી બહેનોમાં આત્મવિશ્વાસ પ્રેરી, શક્ય તેટલાં તેમને સ્વાવલંબી બનાવી, તેમનામાં તેઓ ખુમારી પ્રગટાવતાં. વ્યાવસાયિક તાલીમ, ચર્ચા, અભ્યાસવર્તુળ, શિબિર, પ્રવાસ, પ્રવચનો, પ્રદર્શન અને મનોરંજન – એમ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા 30થી 35 હજાર બહેનોને તાલીમ આપવામાં તેઓ નિમિત્ત બન્યાં.

‘મથુરા બળાત્કાર કેસ’થી તેઓ ભારે વ્યથિત હતાં. એ અંગે ગુજરાતની મહિલાશક્તિનું વ્યાપક પ્રદર્શન કરતું આંદોલન તેમણે આરંભેલું. બહેનોને કાયદાથી માહિતગાર કરવા ‘સ્ત્રીઓ આટલું તો જાણે જ’ પુસ્તિકા તેમણે ગુજરાતી અને હિંદીમાં તૈયાર કરી હતી.

1981થી તેઓ ગ્રાહક સુરક્ષાના પ્રશ્ને સક્રિય બન્યાં હતાં. આ અંગેની તેમની સક્રિય કામગીરીને કારણે ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ સામાજિક સંસ્થા અંગેનો એક લાખનો ઍવૉર્ડ જ્યારે જ્યોતિસંઘને એનાયત થયો, ત્યારે વિદ્યાબહેન તેનાં પ્રમુખ હતાં. તે પછી શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તરીકેનો રૂ. 50,000નો વ્યક્તિગત ઍવૉર્ડ તેમને માટે જાહેર થયો હતો, જે તેમના નિધન બાદ તેમના પતિ જયંતીલાલ મહેતાએ સ્વીકાર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, ગુજરાત રાજ્ય સમાજકલ્યાણ બોર્ડ, કેન્દ્રીય સમાજકલ્યાણ વિભાગ, ગુજરાત બાલકલ્યાણ સંઘ, ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ, ગુજરાત રાજ્ય વૉલન્ટરી ઍક્શન બ્યૂરો, વિકાસગૃહ, ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, પોલીસ ઍડવાઇઝરી કમિટી, ગુજરાત દૂરદર્શન પ્રીવ્યૂ કમિટી, વગેરેમાં તેમણે વિવિધ સ્તરની સેવાઓ આપી હતી. ગાંધીકાળ અને જીવનના મહત્વના પ્રસંગોને આવરી લેતું ‘સ્મરણોના સથવારે’ તેમનું પ્રશંસનીય પુસ્તક છે.

રક્ષા મ. વ્યાસ