મહેતા, વિજયા (જ. 4 નવેમ્બર 1933, વડોદરા) : ભારતીય રંગમંચનાં પ્રખ્યાત અભિનેત્રી તથા દિગ્દર્શિકા. મૂળ નામ વિજયા જયવંત. જાણીતાં ચલચિત્ર-અભિનેત્રી શોભના સમર્થ અને નલિની જયવંત તેમનાં નજીકનાં સગાં થાય છે. તેથી ર્દશ્ય-શ્રાવ્ય કલાઓ પ્રત્યેની રુચિ નાનપણથી કેળવાઈ. તેમનાં પ્રથમ લગ્ન વિખ્યાત ચલચિત્ર-અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરીન સાથે થયાં હતાં, પરંતુ યુવાન વયે હરીનનું અવસાન થતાં વિજયાએ ફારૂક મહેતા સાથે બીજાં લગ્ન કર્યાં અને ત્યારથી તે વિજયા મહેતા નામથી જાણીતાં થયાં છે. મુંબઈમાં કૉલેજશિક્ષણ દરમિયાન મરાઠીના સાહિત્યકાર પ્રોફેસર વા. લ. કુલકર્ણીની પ્રેરણાથી રંગમંચ તરફ આકર્ષાયાં. 1955માં શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના ડેસ્ડિમોનાના પાત્ર દ્વારા રંગમંચ પરની કારકિર્દીની શરૂઆત કરી. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ ત્યાંની વ્યવસાયી રંગભૂમિ સાથે સંકળાયેલાં રહ્યાં (1955–60). તે દરમિયાન અભિનય અને દિગ્દર્શન કરતાં રહ્યાં. વિજય તેંડુલકરના નાટક ‘શ્રીમંત’ના દિગ્દર્શનથી દિગ્દર્શિકા તરીકે ખ્યાતનામ થયાં. 1960માં તેમણે ‘રંગાયન’ નામથી રંગમંચને વરેલી સંસ્થાની સ્થાપના કરી, જેની સાથે 6–7 વર્ષ સંકળાયેલાં રહ્યાં. આ સંસ્થાના નેજા હેઠળ 18 ત્રિઅંકી અને 25 એકાંકી નાટકોનું દિગ્દર્શન કર્યું. તેમાંનાં મોટાભાગનાં નાટકોમાં અભિનય પણ કર્યો. તેમના નેતૃત્વ હેઠળની આ સંસ્થા ઊગતા કલાકારોની તાલીમશાળા (nursery) બની રહી.

1955માં મુંબઈની વ્યવસાયી રંગભૂમિ સાથે સંપર્ક થતાં ભારતીય રંગભૂમિના ઇબ્રાહીમ અલકાઝી અને અદી મર્ઝબાન જેવા કેટલાક અગ્રણીઓ સાથે પરિચય થયેલો. વિજયાએ માત્ર વ્યાવસાયિક જ નહિ, પરંતુ હેતુલક્ષી અને પ્રયોગશીલ નાટકોની પ્રારંભિક તાલીમ ઇબ્રાહીમ અલકાઝી પાસેથી પ્રાપ્ત કરી હતી; સાથોસાથ દિગ્દર્શનકલાની ઊંડી સમજ પણ પ્રાપ્ત કરતાં રહ્યાં. ભારતીય અને પાશ્ચાત્ય રંગભૂમિના અધ્યયન સાથે નાટ્યકલા સાથે સંલગ્ન કલાઓની પણ તાલીમ લેતાં રહ્યાં; દા.ત., જાણીતા ચિત્રકાર માધવ સાતવળેકર અને અકબર પદમસી પાસેથી ચિત્રકલાની તાલીમ; વિખ્યાત શાસ્ત્રીય સંગીતકારો રવિશંકર અને કુમાર ગંધર્વ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અને પ્રખ્યાત નર્તકો સચિન શંકર અને પાર્વતીકુમાર પાસેથી નૃત્યની તાલીમ લીધી અને આ રીતે દિગ્દર્શન અને અભિનય માટે જરૂરી તજ્જ્ઞતા ઉપરાંત સર્વાંગી ર્દષ્ટિ કેળવી.

વિજયા મહેતા

1955–96ના ગાળામાં તેમણે માત્ર મરાઠી નાટ્યકારો જ નહિ, પરંતુ અન્ય ભાષાઓના નાટ્યકારોનાં નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે; જેમાં સંસ્કૃત, હિંદી અને પશ્ચિમના નાટ્યકારોનો સમાવેશ થાય છે. ‘રંગાયન’ સંસ્થાના નેજા હેઠળ તેમણે પુ. લ. દેશપાંડે (‘તુઝ આહે તુજપાશી’), મહેશ એલકુંચવાર (‘વાડા ચિરેબંદી’), વિજય તેંડુલકર (‘શ્રીમંત’), અનિલ બર્વે (‘હમીદાબાઈચી કોઠી’), જયવંત દળવી (‘બૅરિસ્ટર’, ‘મહાસાગર’, ‘પુરુષ’), વસંત કાનેટકર (‘અખેરચા સવાલ’) જેવા પ્રથમ કક્ષાના નાટ્યકારોની 29 જેટલી કૃતિઓ રંગદેવતાને સમર્પિત કરી. પશ્ચિમની જે નાટ્યકૃતિઓનું તેમણે નિર્માણ અને દિગ્દર્શન કર્યું તેમાં સાર્ત્ર, પિરાન્દેલો, આયૉનેસ્કો અને બ્રેખ્તનો સમાવેશ થાય છે. જયંત દળવીની નવલકથાના નાટ્યાંતર ‘બૅરિસ્ટર’માં તેમણે ભજવેલ ભૂમિકા તથા ‘સંધ્યા-છાયા’ નાટકમાંની તેમની વૃદ્ધાની ભૂમિકા યાદગાર બની રહી છે. દળવીના જ ‘મહાસાગર’ના અઢી સો પ્રયોગો થયા પછી તેમણે જ તે બંધ કર્યું. તેઓ એકના એક નાટકના વધુ પડતા પ્રયોગો ભજવવામાં માનતાં નથી.

જર્મન ડેમોક્રૅટિક રિપબ્લિકના જાણીતા દિગ્દર્શક ફિટ્ઝ બેનિવિટ્ઝના સહકારમાં તેમણે બ્રેખ્તના પ્રખ્યાત નાટક ‘કૉકેશિયન ચૉક સર્કલ’ મરાઠીમાં ‘અજબ ન્યાય વર્તુળાચા’ નામે મરાઠી લોકનાટ્ય તમાશાની શૈલીમાં ભજવ્યું, જેમાં ‘રંગાયન’નાં કલાકારો સાથે પરંપરાગત નાટ્યતમાશાનાં કલાકારોનો સુમેળ સધાતાં એક સુંદર અને યાદગાર કહી શકાય એવો પ્રયોગ થયો હતો.

ફ્રિટ્ઝ બેનિવિટ્ઝના સહકારથી તેમણે પૂર્વ જર્મનીમાં ‘શાકુંતલ’ અને ‘મુદ્રારાક્ષસ’ ભરતના નાટ્યમંડપનો આભાસ ઉત્પન્ન કરે તેવા રંગમાં ભજવ્યાં હતાં અને તેનો જર્મન કલાકારો અને નાટ્યવિવેચકો પર ઘણો પ્રભાવ પડ્યો હતો. તે એટલે સુધી કે એમના આ પ્રયોગોનાં વિવેચનો કરતાં લખાણોનાં પુસ્તકો પણ થયાં છે. આ બે સંસ્કૃત નાટકો એમનાં જ કલાકારો દ્વારા તેમણે મુંબઈ તથા ઉજ્જૈનના કાલિદાસ સમારોહમાં પણ ભજવ્યાં હતાં, જેનો પણ સારો પ્રભાવ પડ્યો હતો.

એમણે બે જ નાટકો છપાયેલી નાટ્યપ્રત (script) પરથી ભજવ્યાં છે : ગિરીશ કર્નાડનું ‘હયવદન’ અને સંસ્કૃતમાંનું ‘મુદ્રારાક્ષસ’; કારણ કે વણછપાયેલી નાટ્યપ્રતમાં પોતાને અનુકૂળ ફેરફારો લેખકની સાથે બેસીને તેઓ કરાવી શકે છે તેમજ પાત્રોમાં તેઓ જુદી જુદી રંગછાયાઓ (shades) લાવી શકે છે અને પ્રસંગોને પણ જુદી રીતે ઢાળી શકે છે અને એ રીતે નાટકમાં પ્રયોગની ર્દષ્ટિએ જરૂરી ફેરફારો કરાવી શકાય છે. દળવીનું ‘સંધ્યા-છાયા’ અને એલકુંચવારનું ‘વાડા ચિરેબંદી’માં લેખક સાથે બેસીને તેમણે મૂળ નાટકમાં ફેરફારો કરાવેલા. નાટકમાં સંગીતની – વાદ્ય કે કંઠ્ય સંગીત જ નહિ, પણ સાથોસાથ પ્રતીકાત્મક સંગીતની પણ તેઓ વાત કરે છે, જે દ્વારા નાટકમાં પ્રાણ પુરાય. આનો દાખલો આપતાં તેઓ કહે છે કે છત પર દોડતા ઉંદરોની દોડધામથી ખરતી ધૂળ – આ પ્રકારનું કલ્પન ઘણું ઘણું કહી જાય – નાટકના સમગ્ર વાતાવરણ વિશે કે પાત્રોનાં ખવાઈ ગયેલાં અંતર વિશે.

તેમણે દિગ્દર્શિત કરેલું બ્રેખ્તનું ‘કૉકેશિયન ચૉક સર્કલ’ 1974માં પૂર્વ જર્મનીમાં રજૂ થયેલું. તે પૂર્વે સ્વિટ્ઝર્લૅન્ડના ઝૂરિચ શહેરમાં આંતરરાષ્ટ્રીય સપાટી પર તેનો પ્રયોગ રજૂ થયેલો. બર્લિન નાટ્યસમારોહમાં પ્રેક્ષકોએ નાટક પૂરું થતાં નાટ્યગૃહમાં ઊભા થઈને તેને વધાવેલું એટલું જ નહિ, પરંતુ સતત અઠ્ઠાવીસ મિનિટ સુધી પ્રક્ષકોએ તેનું અભિવાદન (curtain calls) કરેલું. 1992માં તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલ ‘નાગમંડલમ્’ જર્મનીમાં રજૂ થયેલું. યુરોપનાં અન્ય શહેરો અને અમેરિકામાં પણ તેમણે તૈયાર કરેલ નાટકોના પ્રયોગો થયા છે.

વિજયા મહેતાનું નાટકમાં બે રીતનું પ્રદાન છે : એક તો અખંડ-સંવાદી કલાએકમ તરીકે નાટકનું મંચન કરવા માટે જરૂરી નાટ્યસર્જક, સંગીત-નિર્દેશક, સંનિવેશકાર વગેરેનાં કાર્યોનું સંકલન-સંશ્લેષીકરણ(ensembling)નું દિગ્દર્શકની ભૂમિકાનું કાર્ય, અને બીજું અભિનયનું કાર્ય.

1975માં તેમને સંગીત-નાટક અકદામી ઍવૉર્ડ એનાયત થયેલો તથા 1987માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજ્યાં હતાં.

વિજયા મહેતા પોતે પોતાને મૂળભૂત રીતે તો અભિનેત્રી જ ગણાવે છે. એમણે ઘણાં નાટકોને પોતાની અભિનયશૈલીથી ચિરસ્મરણીય બનાવ્યાં છે. 1996થી તેઓ ‘ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ’-(ICPA)નાં નિયામક તરીકે કાર્યશીલ છે.

ગોવર્ધન પંચાલ