મહેતા, લલ્લુભાઈ શામળદાસ (સર) (જ. 14 ઑક્ટોબર 1863, ભાવનગર; અ. 14 ઑક્ટોબર 1936) : ભારતમાં સહકારી પ્રવૃત્તિના અગ્રણી. પિતા ભાવનગર રિયાસતના દીવાન હતા. તેઓ સંસ્કૃત, ફારસી, હિંદી અને વ્રજ ભાષાઓના જાણકાર હતા.
માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લઈ મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો છોડી 1881માં ભાવનગર આવવું પડ્યું. ત્યાં તેઓ મહારાજાના રહસ્યમંત્રી તરીકે નિમાયા અને વ્યવહારુ રાજકારણની તાલીમ મેળવી. 1884થી 1899 દરમિયાન તેમણે મહેસૂલ કમિશનર તરીકે કામ કર્યું. રેલવે મહેસૂલ, ખેતી, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સુધારો કરવાની તેમણે પહેલ કરી.
1900માં મુંબઈ સ્થાયી થવા માટે ગયા અને શરૂઆતમાં શેરદલાલની એક પેઢીમાં વેપારી કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ક્રમશ: બૅંકિંગ તથા સહકારી ક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતના દરેક જિલ્લામાં સહકારી બૅંક સ્થાપવામાં તેમણે રસ લીધો. વળી 1914માં અખિલ ભારતીય સહકારી બૅંક સ્થાપવામાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી, જેની કદરરૂપે સરકારે તેમને સી.આઇ.ઈ.નો ખિતાબ આપ્યો હતો. 1921માં મૈસૂર રાજ્યની સહકારી પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે રિયાસતે સ્થાપેલ સમિતિના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. ઇન્ડિયન કો-ઑપરેટિવ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષપદે તેમણે કામ કર્યું હતું. 1936માં બૉમ્બે પ્રૉવિન્શિયલ કો-ઑપરેટિવ લૅન્ડ મૉર્ગિજ બૅંકના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના ચૅરમૅન તરીકે તેમની નિમણૂક થઈ હતી. તેમને ભારતની સહકારી પ્રવૃત્તિના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
લલ્લુભાઈ ખાંડ, સિમેન્ટ, કાગળ, કાચ, વીજળી, ડેરી વગેરે ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા. 1908માં તેમણે બૉમ્બે લાઇફ ઇન્શ્યૉરન્સ કંપની તથા 1919માં સિંધિયા સ્ટીમ નૅવિગશન કંપની લિ.ની સ્થાપનામાં સક્રિય ભાગ લીધો અને તે દ્વારા રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું. આ કાર્ય માટે મહાત્મા ગાંધીજીએ તેમને આશીર્વચન પણ આપ્યાં હતાં. ઉદ્યોગના વિકાસ માટે તેમણે ઇંગ્લૅન્ડ, જર્મની, ઇટાલી અને જાપાનનો પ્રવાસ કર્યો હતો.
ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરની સ્થાપનામાં પણ તેમણે સક્રિય ભાગ લીધો અને 1918માં તેના તેઓ પ્રમુખ નિમાયા હતા. 1925માં ઇન્ડિયન ઈકોનૉમિક કૉન્ફરન્સના વારાણસીમાં ભરાયેલા અધિવેશનના તેઓ પ્રમુખ હતા. મુંબઈ ઇલાકાની સરકારના મહેસૂલ-મંત્રી તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેની કદરરૂપે 1926માં તેમને બ્રિટિશ સરકારે ‘સર’નો ઇલકાબ આપ્યો હતો.
તેમને શિક્ષણ અને સાહિત્યમાં પણ રસ હતો. મુંબઈમાં સિડનહામ કૉલેજની સ્થાપનામાં તથા ભાવનગરની શામળદાસ કૉલેજના વિકાસમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. 1912માં બૉમ્બે યુનિવર્સિટીની સેનેટના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 1915–26ના ગાળામાં મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય-પદે પણ તેમણે કામ કર્યું હતું.
જયકુમાર ર. શુક્લ