મહેતા, મનુભાઈ નંદશંકર (સર)

January, 2002

મહેતા, મનુભાઈ નંદશંકર (સર) (જ. 22 જુલાઈ 1868, સૂરત; અ. 1946, મુંબઈ) : વડોદરા અને બીકાનેર રાજ્યના મુખ્ય દીવાન, વિચક્ષણ અને વિદ્વાન રાજપુરુષ. વડનગરા નાગર બ્રાહ્મણ. પિતા ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક રાવબહાદુર નંદશંકર તુળજાશંકર મહેતા. તેઓ પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા માટે જાણીતા તથા વિદ્યાવ્યાસંગી અને સંસ્કારી હતા. પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં. માધ્યમિક ભાવનગર તથા મુંબઈમાં લઈને મનુભાઈ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક થયા. તેમની કૉલેજની કારકિર્દી ઉજ્જ્વળ હતી. ત્યાંનું એલ્ફિન્સ્ટન પ્રાઇઝ તથા હોમજી કરસેદજી દાદી પ્રાઇઝ મેળવવા ઉપરાંત તેઓ એલિસ સ્કૉલર અને આર્નલ્ડ સ્કૉલર હતા. તેઓ એમ.એ. અને પછી એલએલ.બી. પણ થયા હતા.

મનુભાઈ નંદશંકર મહેતા

કારકિર્દીનો આરંભ તેમણે બરોડા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કર્યો. 1891થી 1899 સુધી તેમણે લૉજિક અને ફિલૉસોફીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. સયાજીરાવ ગાયકવાડે (ત્રીજા) તેમની પ્રતિભા પારખીને રાજ્યના વહીવટી તંત્રમાં તેમની શ્રેષ્ઠ સેવાઓનો લાભ લીધો. તેમણે નાયબ દીવાન, લીગલ રિમેમ્બ્રેન્સર અને પછી 1916થી 1927 સુધી રાજ્યના મુખ્ય દીવાન તરીકે સેવાઓ આપી. આ દરમિયાન આધુનિક વડોદરાના ઘડતરમાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું. ત્યારબાદ તેઓ બિકાનેર રાજ્યના દીવાન અને તે પછી ગ્વાલિયર રાજ્યના ગૃહમંત્રી (હોમ મિનિસ્ટર) અને રાજકીય મંત્રી (પોલિટિકલ મિનિસ્ટર) થયા હતા. લંડનમાં 1930થી 1932 દરમિયાન ભારતના બંધારણ અંગે ચર્ચા કરવા ભરાયેલી ગોળમેજી પરિષદોમાં તેમણે દેશી રાજ્યોના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતમાં બંધારણીય સુધારાનો અમલ કરવા વાસ્તે 1933માં નીમવામાં આવેલી લંડનની સંસદીય સમિતિના પણ તેઓ સભ્ય હતા. એમની રાજકીય દક્ષતાને કારણે દેશના અગ્રણી રાજપુરુષોમાં એમની ગણના થતી હતી. 1933માં મળેલી વિશ્વ આરોગ્ય પરિષદમાં પણ ભારત તરફથી તેમણે ભાગ લીધો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ તેમને ‘ઉદયાદિત્ય’નો ખિતાબ એનાયત કર્યો હતો. લોકોના પ્રશ્નો માટે તેમણે સહાનુભૂતિ દાખવી હતી અને લોકોએ તેમને ઘણું માન આપ્યું હતું. 1926ના મુંબઈ સાહિત્ય સંમેલનના કલાપ્રદર્શનનું ઉદઘાટન કરતી વેળાએ તથા પ્રથમ પુસ્તકાલય પરિષદના પ્રમુખપદેથી એમણે આપેલાં વ્યાખ્યાનો વિચાર અને વિદ્વત્તાથી ભરેલાં હતાં. બ્રિટિશ સરકારે તેમને ‘સર’નો ઇલકાબ આપ્યો હતો.

તેમણે ‘હિંદ, રાજસ્થાન ઍન્ડ ઍનૅલ્સ ઑવ્ ધ નેટિવ સ્ટેટ્સ’ અને ‘પુરાવાના કાયદાના સિદ્ધાંતો’ નામનાં બે પુસ્તકો લખ્યાં હતાં. દેશી રાજ્યોના શ્રેષ્ઠ દીવાન તરીકે તેઓ પ્રસિદ્ધ હતા. તેમનાં પુત્રી હંસાબેન મહેતાનાં લગ્ન ડૉ. જીવરાજ મહેતા (ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી) સાથે થયાં હતાં.

શિવપ્રસાદ રાજગોર