મહેતા, મફતલાલ મોહનલાલ (જ. 27 સપ્ટેમ્બર 1917, મુંબઈ) : હીરાના અગ્રગણ્ય વ્યાપારી અને દાનવીર. માતાનું નામ દિવાળીબેન. કુમળી વયમાં જ પિતાનો સ્વર્ગવાસ થવાથી મોટા ભાઈ ચંદુલાલે તેમને મૅટ્રિક સુધી અભ્યાસ કરાવ્યો. સંજોગવશાત્ નાની વયે રાયચંદ ઍન્ડ સન્સ નામની કૌટુંબિક પેઢીમાં મફતલાલ જોડાયા, જ્યાં હીરાના ઉદ્યોગની ઘનિષ્ઠ તાલીમ પામ્યા. 1939માં મોટા ભાઈનું અવસાન થવાના કારણે પેઢીનો વહીવટ પોતે સંભાળ્યો.

મફતલાલ મોહનલાલ મહેતા

1956માં મુંબઈમાં ‘મેસર્સ જિતેન્દ્ર બ્રધર્સ’ અને થોડા સમય પછી ‘સમીર ડાયમંડ્ઝ’ નામની પોતાની આગવી કંપનીઓની સ્થાપના કરી. 1960માં હીરાનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ગણાતા બેલ્જિયમમાં જ્યમ પી.વી.બી. એ નામની કંપનીની શરૂઆત કરી. 1975માં હીરાની આયાતનું કેન્દ્ર ગણાતા ન્યૂયૉર્કમાં ‘પારસ ડાયમન્ડ કૉર્પોરેશન’ની સ્થાપના કરી. 1978માં બેલ્જિયમમાં હીરા ઓપવાના કારખાનાની શરૂઆત કરી. 1979માં હૉંગકૉંગ અને સિંગાપુર તથા સમયાંતરે તેલ અવીવ, લૉસ ઍન્જલસ વગેરે અનેક કેન્દ્રોમાં, જ્યમ કંપનીની શાખાઓ સ્થાપી. 1982માં સૂરતમાં હીરા ઓપવાનું કારખાનું શરૂ કરી ભારતમાં હીરાઘસુઓને રોજગારી આપવામાં અગ્રગણ્ય પ્રદાન કર્યું.

દુનિયાનાં જુદાં જુદાં કેન્દ્રોમાં હીરા ઓપવાની સફળતાપૂર્વક ગોઠવેલી વ્યવસ્થાને પરિણામે મફતલાલભાઈ હીરાના ઉદ્યોગમાં વિશ્વની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન પામ્યા અને તે ઉદ્યોગના પ્રમુખ આંતરરાષ્ટ્રીય અગ્રણી તરીકે ખ્યાતિ મેળવી.

1955માં મહાસતીજી ઉજ્જ્વલકુમારીજીના આધ્યાત્મિક સંસર્ગથી તેમજ મધર ટેરેસા, બાબા આમટે, સંત ગાડગે મહારાજ અને પાંડુરંગ શાસ્ત્રીના પ્રભાવથી તેમના જીવનમાં માનવબંધુઓ માટે પ્રેમ અને કરુણાનાં મૂલ્યો વણાઈ ગયાં.

બેલ્જિયમના મધર ટેરેસા ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે વર્ષોથી તેઓ અનેક સેવાપ્રવૃત્તિઓ ચલાવે છે. 1970માં તેમણે માતુશ્રીની યાદમાં દિવાળીબેન મોહનલાલ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે, જેના દ્વારા સૌને મદદરૂપ થવા ઉદારદિલે દાન આપી રહ્યા છે.

મફતલાલભાઈએ મુંબઈની હરકિશનદાસ હૉસ્પિટલમાં રૂ. 1 કરોડ 11 લાખ, કરમસદની સરદાર પટેલ હૉસ્પિટલમાં રૂ. 20 લાખ અને પાલનપુરમાં શિશુશાળાને રૂ. 5 લાખનું દાન કર્યું છે.

ગ્રામીણ વિસ્તારનાં દર્દીઓને અને તેમનાં સંબંધીઓને રહેવાજમવાની મુશ્કેલી દૂર કરવા જે. જે. હૉસ્પિટલ, મુંબઈમાં એક અને નાયગાંવ, મુંબઈમાં બીજું આરોગ્યધામ શરૂ કર્યું છે. અનાથ બાળાઓ માટે થાણેમાં ‘મા-નિકેતન’, અંધબાળાઓ માટે મુંબઈમાં કમલા મહેતા દાદર નિશાળ અને પુણેમાં એનએફબીએમ શ્રીમતી કમલા મહેતા અંધકન્યા છાત્રાલયની સ્થાપના કરી છે. મફતલાલભાઈએ નેત્રયજ્ઞો માટે, ર્દષ્ટિરોગના સંશોધન માટે, અનાથ બાળા તથા બાળકોની સંસ્થાઓ માટે, અપંગોના કૃત્રિમ અવયવો માટે, અંધબધિર શાળાઓ, માનસિક અને વિકલાંગ બાળકોના પુનર્વસન માટે અને ઔષધાલયો વગેરે માટે દાન આપીને ઉચ્ચકક્ષાની દાનશીલતા દાખવી છે.

માનવતાની સેવા કરવા બદલ ભારત અને પરદેશની અનેક સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યું છે. 1986માં તેમને વિશ્વગુર્જરી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. તેમણે સ્થાપેલ દિવાળીબેન મોહનલાલ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટ તરફથી વિવિધ ક્ષેત્રોમાં માનવતાની સેવા કરવા બદલ દર વર્ષે 10 ઍવૉર્ડ્ઝ એનાયત કરવામાં આવે છે.

જિગીશ દેરાસરી