મહેતા, બળવંતરાય (જ. 19 ફેબ્રુઆરી 1899, ભાવનગર, સૌરાષ્ટ્ર; અ. 19 સપ્ટેમ્બર, 1965, કચ્છ) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની. બળવંતરાયનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ઘોઘારી દશા પોરવાડ વૈશ્ય જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા ગોપાળજી ત્રિભુવનદાસ ભાવનગર રાજ્યની રેલવેમાં નોકરી કરતા હતા. તેમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1916માં મૅટ્રિક થયા બાદ 1920માં મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા પાસ કરી; પરન્તુ ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરવાથી, ડિગ્રી લીધી નહિ, તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ‘અર્થશાસ્ત્રવિશારદ’ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે અહિંસા, અસહકાર અને સાદું જીવન અપનાવ્યું. તેમનું વાચન વિશાળ અને વૈવિધ્યસભર હતું. આ દરમિયાન તેમણે ગુજરાતી શિષ્ટ સાહિત્ય સહિત ડ્રાયડન, સ્કૉટ, એચ. જી. વેલ્સ, અપ્ટન સિંકલેર જેવા પ્રસિદ્ધ લેખકોના ગ્રંથો વાંચ્યા. તેમને ભારતના ઇતિહાસ અને પુરાતત્વમાં ઊંડો રસ હતો. સમાજસુધારા માટે પણ તેઓ ઉત્સુક હતા અને ગોરા અધિકારીઓના જાતીય શ્રેષ્ઠતાના દાવાને ધિક્કારતા હતા.
ભાવનગર રેલવે સંઘની 1920માં સ્થાપના સાથે તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેમણે સ્ત્રીઓનો ઉત્કર્ષ, હરિજન-કલ્યાણ અને કુદરતી આપત્તિ દરમિયાન રાહતનાં કાર્યોને વિશેષ મહત્ત્વ આપ્યું. ઠક્કરબાપાની પ્રેરણાથી તેમણે 1927માં ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. તેનાથી તે વિસ્તાર(ગોહિલવાડ)નાં હરિજન બાળકોના વિકાસની સુવિધા વધી. તે વરસે ગુજરાતમાં રેલસંકટથી ઘણું નુકસાન થયું હોવાથી તેમણે સૌરાષ્ટ્ર સેવા સમિતિ સ્થાપીને રાહતનાં કાર્યો શરૂ કર્યાં. વળી લાલા લજપતરાયે સ્થાપેલ સર્વન્ટ્સ ઑવ્ પીપલ સોસાયટીના તેઓ આજીવન સભ્ય બન્યા અને પાછળથી તે તેના અધ્યક્ષ પણ થયા હતા.
અગાઉ 1921માં કાઠિયાવાડ રાજકીય પરિષદની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લઈને ગુજરાતી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ની સંપાદક-સમિતિમાં જોડાઈને તેમણે દેશી રાજ્યોના લોકોના અવાજને વાચા આપી હતી. લોકોના અધિકારો માટે 1923માં તેમણે ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે ત્યાં પુખ્તવય મતાધિકારના ધોરણે નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વાર યોજવામાં આવી. તેમણે સુધરાઈની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવાકાર્યો કર્યાં. 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવા ગુજરાતથી જતી ટુકડીમાં તેઓ જોડાયા, ત્યાં તેમની ધરપકડ થઈ અને જેલવાસ ભોગવ્યો. 1928માં બારડોલી સત્યાગ્રહ દરમિયાન મોતા ગામની છાવણીની આગેવાની તેમણે સંભાળી. 1930માં ધોલેરા મીઠા સત્યાગ્રહમાં સત્યાગ્રહી ટુકડીની આગેવાની લઈને ધરપકડ વહોરી અને બે વર્ષની કેદની સજા ભોગવી. બીજા તબક્કાની લડતમાં 1932માં રાણપુરથી તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે છ માસની કેદની સજા નાસિકની જેલમાં ભોગવી. એ જ વર્ષે ધંધૂકા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જિલ્લા કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા જતાં તેમની ધરપકડ કરીને નવ માસની સજા કરવામાં આવી. ગાંધીજીએ હરિજનસેવાનું કામ ઉપાડી લેવાનો કાર્યકરોને આદેશ આપતાં ભાવનગરથી પોરબંદરની પદયાત્રા યોજીને તેમાં જોડાયા. ડિસેમ્બર 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને એક વર્ષની કેદની સજા ભોગવી. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં તેમને 10 ઑગસ્ટ ’42થી 30 ઑગસ્ટ 1945 સુધી રાજકોટમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. તે પહેલાં 1939માં રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લેવા માટે તેમણે એક માસની સજા ભોગવી હતી. તેમણે કુલ સાત વર્ષની સજા ભોગવી. તે દરમિયાન દેશનેતાઓ સાથે નિકટના સંપર્ક સહિત આત્મકેળવણી અને સ્વાધ્યાયનો તેમને અમૂલ્ય લાભ મળ્યો. 1942ના જેલજીવન દરમિયાન મૅડમ ક્યૂરીના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો.
તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી તરીકે 1931થી 1947 સુધી સેવાઓ આપી. તેને કારણે તેમણે મૈસૂર, ત્રાવણકોર, કોચીન, પતિયાળા તથા ગુજરાત અને મહારાષ્ટ્રનાં રાજ્યોનો વિસ્તૃત પ્રવાસ ખેડ્યો. આ કાર્યને લીધે દેશનાં તમામ દેશી રાજ્યોમાં ચાલતાં પ્રજાકીય આંદોલનોના સતત સંપર્કમાં તેઓ રહ્યા અને તેમાં માર્ગદર્શન આપ્યું. એ સંસ્થાના મુખપત્ર ‘સ્ટેટ્સ પીપલ’(પાક્ષિક)નું સંપાદન પણ કર્યું.
ભાવનગર રાજ્યની ધારાસભાની ચૂંટણી 1946માં યોજવામાં આવી. તેમાં તેઓ ચૂંટાઈ આવ્યા અને વિરોધપક્ષના નેતા તરીકે બંધારણીય લડત આપી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણસભામાં તેઓ ચૂંટાયા અને 1950 સુધી તેમાં કામ કર્યું. 15 જાન્યુઆરી 1948ના રોજ ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર રચાતાં તેઓ ત્યાંના મુખ્ય મંત્રી બન્યા. ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેઓ તેના નાયબ મુખ્ય મંત્રી બન્યા. તેઓ 1952માં અને ફરીવાર 1957માં લોકસભામાં ચૂંટાયા. તેમણે અંદાજસમિતિના અધ્યક્ષની મહત્વની કામગીરી સંભાળીને રેલવે, શિક્ષણ, સંરક્ષણ, આયોજન, આરોગ્ય, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વગેરે વિશે 100 અભ્યાસપૂર્ણ હેવાલો સંસદ સમક્ષ રજૂ કર્યા. તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો હેવાલ તૈયાર કર્યો. વડાપ્રધાન નહેરુના સૂચનથી ‘હિસ્ટરી ઑવ્ ધ ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધી ઇન્ડિયન સ્ટેટ્સ’ની સંપાદકોની સમિતિના વડાની જવાબદારી તેમણે સ્વીકારી. 1948માં અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે અને 1950-52માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાભાવી અને નિષ્ઠાવાન કાર્યકર તરીકેની પ્રતિષ્ઠા તેમણે મેળવી હતી. સપ્ટેમ્બર 1963માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના સર્વતોમુખી વિકાસમાં તેમણે ઊંડો રસ લીધો. ભારત-પાકિસ્તાન યુદ્ધ (1965) દરમિયાન સરહદના વિસ્તારમાં તેમનું વિમાન તોડી પાડવામાં આવતાં તેમનું તથા તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.
તેમણે શ્રીલંકા તથા પૂર્વ આફ્રિકાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયોની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. તેઓ સ્વભાવે વિનમ્ર, દેખાવમાં સાદા તથા વર્તનમાં સૌજન્યશીલ હતા. તેમનામાં સંગઠન-શક્તિ, ઉપાડેલું કાર્ય પૂર્ણ કરવાનું ર્દઢ મનોબળ તથા સમસ્યાને સમજીને તેનો ઉકેલ શોધવાની કોઠાસૂઝ હતાં.
જયકુમાર ર. શુક્લ