મહેતાબ, હરેકૃષ્ણ (ડૉ.) (જ. 4 નવેમ્બર 1899, અગરપરા, જિ. બાલાસોર, ઓરિસા; અ. 2 જાન્યુઆરી 1987, ભુવનેશ્વર) : સ્વાતંત્ર્ય-સેનાની, ઓરિસાના મુખ્યમંત્રી, મુંબઈ રાજ્યના રાજ્યપાલ. તેઓ ઓરિસાના વિખ્યાત ખેત્રી કુટુંબના જમીનદાર કૃષ્ણચંદ્રદાસના પુત્ર હતા. આમ છતાં તેમના પાલક પિતા જગન્નાથ મહેતાબ તથા માતા તોફા બીબી હતાં. તેમણે માધ્યમિક શિક્ષણ કટકની ભદ્રક હાઇસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ રેવેન્શો કૉલેજમાં મેળવ્યું હતું.

હરેકૃષ્ણ મહેતાબ

વિચારોનું આદાનપ્રદાન કરવાના સાહજિક ઉદ્દેશથી તેઓ બાલાસોરમાં કેટલાક બ્રિટિશ અધિકારીઓના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન સાથે પણ તેઓ સંકળાયેલા હતા. પરિણામે તેમના પર ભગવદગીતાના ઉપદેશની ઘેરી અસર પડી. રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક જીવન અને તેમના ઉપદેશોએ પણ તેમના પર પ્રભાવ પાડ્યો હતો.

ચુસ્ત રાષ્ટ્રવાદી હોવાને કારણે મહેતાબ ભારતીય સ્વાતંત્ર્ય-ચળવળમાં જોડાયા. 1921માં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો. 1921માં તેઓ બાલાસોર જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે ચૂંટાયા. ત્યારબાદ 1924 અને 1938માં ઓરિસા પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ બન્યા. કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે પણ તેમણે કેટલાંક વર્ષો સુધી સેવા આપી. 1952–53 દરમિયાન સંસદમાં તેઓ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે રહ્યા અને 1963માં શાસક પક્ષના લોકસભામાં ઉપનેતા તરીકે તેઓ ચૂંટાયા હતા.

1924થી 1928 દરમિયાન મહેતાબ બાલાસોર જિલ્લા સમિતિના અધ્યક્ષપદે રહ્યા અને 1946થી 1950 દરમિયાન ઓરિસાનું મુખ્ય પ્રધાનપદ સંભાળ્યું. 1950થી 1952 દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાં તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના મંત્રી તરીકે હતા અને 1955થી 1956 દરમિયાન મુંબઈ રાજ્યના રાજ્યપાલપદનો ભાર સંભાળ્યો. 1956માં તેઓ ફરીથી ઓરિસાના મુખ્યમંત્રી બન્યા અને 1961ના પ્રારંભ સુધી આ પદ પર જ રહ્યા. તેમની રાજકીય પ્રવૃત્તિઓનાં ક્ષેત્રો બંગાળ, બિહાર, ઓરિસા, મહારાષ્ટ્ર અને ગુજરાત હતાં.

1951 અને 1952માં તેમણે યુરોપ, અમેરિકા અને જાપાનનો પ્રવાસ ખેડ્યો. 1951માં તેમણે રાષ્ટ્રસમૂહના ઉદ્યોગ-પ્રધાનોની લંડન ખાતે યોજાયેલી પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

ડૉ. મહેતાબ લબ્ધપ્રતિષ્ઠ લેખક હતા. તેઓ વિદ્યાવ્યાસંગી, જાણીતા ઇતિહાસકાર અને નોંધપાત્ર સાહિત્યસર્જક પણ હતા. ‘ઓરિસાનો ઇતિહાસ’ નામક ગ્રંથમાં તેમણે યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય ર્દષ્ટિકોણથી ઇતિહાસ આલેખ્યો છે. તેમના આવા સાહિત્યિક અર્પણ માટે આંધ્ર, ઉત્કલ અને સાગર યુનિવર્સિટીઓએ તેમને ડી. ફિલ. અને ડી. લિટ્.ની માનાર્હ ઉપાધિઓ આપીને સન્માન્યા હતા. 1950થી તેઓ ઉત્કલ વિશ્વવિદ્યાલયની સેનેટના સભ્ય હતા અને થોડાં વર્ષ માટે આ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે સેવાઓ આપી હતી.

હરેકૃષ્ણ મહેતાબ પત્રકાર અને રાજનીતિજ્ઞ હતા. તેઓ અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થાના વિરોધી હતા. તેમણે વિધવા-પુનર્લગ્નની હિમાયત કરી અને સ્ત્રી-પુરુષના સમાન અધિકારોનું સમર્થન કર્યું. તેઓ પશ્ચિમની ઉદાર શિક્ષણપ્રણાલીના સમર્થક હતા. ડૉ. મહેતાબ બુનિયાદી તાલીમ સૈદ્ધાંતિક રીતે બરાબર છતાં તેનાથી કોઈ વ્યવહારુ હેતુ ન સર્યો હોવાનું માનતા હતા. વિદેશોમાં આંતરરાષ્ટ્રીય મંચ પર તેમણે ભારતના પક્ષની રજૂઆત કરી હતી. કોઈ પણ આંતરરાષ્ટ્રીય વિકાસની પ્રક્રિયા ભારતને અસર કરતી હોય તેવાં સ્થળોએ કે સંમેલનોમાં રાષ્ટ્રીય ર્દષ્ટિકોણથી તેઓ ભારતનો પક્ષ રજૂ કરતા હતા.

તેમના મત પ્રમાણે પ્રદેશવાદ રાષ્ટ્રીય એકતા માટે ખતરનાક બાબત છે. બ્રિટિશ સત્તાધીશોના અભિમાની અને ઇંગ્લૅન્ડપરસ્ત અભિગમનો તેમણે સતત વિરોધ કર્યો હતો. ભારત તરફના અંગ્રેજોના ઊંડા પૂર્વગ્રહની તેઓ સતત ઝાટકણી કાઢતા હતા. આમ છતાં બ્રિટિશ સંપર્કને કારણે ભારત પર કેટલીક સારી અસરો થઈ હોવાનું પણ તેઓ સ્વીકારતા હતા. તેઓ રાજકારણમાં પ્રગતિશીલ વિચારસરણીને વરેલા હતા. કાયદાના શાસનના પાયા પર ઊભેલી બ્રિટિશ પદ્ધતિની સંસદીય સરકારના તેઓ હિમાયતી હતા.

1920થી 1944 દરમિયાન ચાલેલા ભારતના મુક્તિસંગ્રામના તેઓ બહાદુર સિપાઈ હતા. પાછળથી કૉંગ્રેસના નેતાઓ સાથે સૈદ્ધાંતિક મતભેદ ઊભા થતાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો અને ઓરિસામાં જનકૉંગ્રેસ નામના પક્ષની સ્થાપના કરી. 1967માં ઓરિસામાં રચાયેલી સ્વતંત્ર-જન કાગ્રેસ પક્ષની સંયુક્ત સરકારના તેઓ મુખ્યાધાર હતા.

ડૉ. મહેતાબ સાચા ગાંધીવાદી હતા. આઝાદીના ઉષ:કાળે તેમણે ઓરિસાનાં દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવાની મહત્વની કામગીરી બજાવી. કેન્દ્રમાં ઉદ્યોગ અને પુરવઠા ખાતાના મંત્રી હતા ત્યારે તેમણે ઔદ્યોગિક પરવાના પદ્ધતિની નીતિ દાખલ કરી. ઓરિસાને તેમનું સૌથી મોટું પ્રદાન નવી રાજધાની ભુવનેશ્વર અને સાંબલપુર પાસેનો હીરાકુડ બંધ છે. મહેતાબ જીવ્યા ત્યાં સુધી સતત કાર્યશીલ રહ્યા. સક્ષમ વહીવટકર્તા, ઉચ્ચ કક્ષાના મુત્સદ્દી રાજનીતિજ્ઞ, પ્રતિભાસંપન્ન સર્જક તેમજ સન્માનનીય સુધારક તરીકે તેઓ સ્મરણીય છે. તેમને અર્વાચીન ઓરિસાના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

ઈશ્વરલાલ ઓઝા