મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય (જ. 21 માર્ચ 1905, પ્રભાસ પાટણ; અ. 2 એપ્રિલ 1988, અમદાવાદ) : સમાજસેવા અને નારીકલ્યાણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર. અને ગુજરાતની અનેક સમાજકલ્યાણની સંસ્થાઓના આદ્ય સ્થાપક. સંસ્કારી વડનગરા કુટુંબમાં પિતા હરપ્રસાદ દેસાઈ અને માતા હેતુબહેનનાં પુત્રી પુષ્પાબહેનને ગળથૂથીમાંથી જ સ્વદેશીની ભાવના અને ઉદાત્ત વિચારોનો વારસો મળ્યો હતો. ઘરમાં ખાનગી શિક્ષક દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધું. એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. 1919માં એમનાં લગ્ન ભાવનગરના જનાર્દનરાય મહેતા સાથે થયાં. પુષ્પાબહેનની બુદ્ધિ, શક્તિ અને પ્રતિભા જોઈને એમના પતિએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું. 1922માં પુત્રી ઉષાનો જન્મ થયો. તે પછી પણ અભ્યાસ ચાલુ રાખીને વડોદરામાં મૅટ્રિકની પરીક્ષા આપી. 1931માં એમના પતિનું અવસાન થયું ત્યારે તેઓ ઇન્ટરમાં અભ્યાસ કરતાં હતાં. એમણે સ્વનિર્ભર થવાનો સંકલ્પ કર્યો અને એમ.એ. સુધી અભ્યાસ કર્યો.
1934–35માં મહાત્મા ગાંધીજીના આંદોલન સમયે મૃદુલાબહેન સારાભાઈને પુષ્પાબહેનની શક્તિ અને આંતરસૂઝનો અનુભવ થયો અને તેથી તેમને જાહેર ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રેરિત કર્યાં. 1934ના નવેમ્બર મહિનામાં તેઓ જ્યોતિસંઘમાં જોડાયાં. તેમણે અનેક શોષિત, પીડિત, તરછોડાયેલી બહેનોની વ્યથા, વેદના દૂર કરીને એમને નિર્ભયતાથી જીવન જીવતાં શીખવ્યું. જ્યોતિસંઘના વિકાસમાં પણ એમનું વિશેષ પ્રદાન રહ્યું. આવી દુ:ખી બહેનોને અને બાળકોને આશ્રય આપવાનો પ્રશ્ન ઊભો થતાં અમદાવાદની સૌરાષ્ટ્ર સોસાયટીમાં 1937માં વિકાસગૃહની સ્થાપના કરી. નિરાધાર, લાચાર, દલિત બહેનોને જ્યોતિસંઘની માફક વિકાસગૃહ દ્વારા સ્વમાનપૂર્વક જીવન જીવવાનો સધિયારો મળ્યો. વિકાસગૃહમાં બાળમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, છાત્રાલય, વૃદ્ધો માટેનું માતૃગૃહ, દવાખાનું, સીવણ તથા સંગીતના વર્ગો, પ્રિન્ટિંગ પ્રેસ વગેરે શરૂ કરીને નિવાસી બહેનોને સ્વાવલંબી બનાવી. 1954માં તેમણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે વિકાસગૃહના નવા મકાનનું ઉદઘાટન કરાવ્યું.
આ સમયે સૌરાષ્ટ્રની બહેનોના પ્રશ્નો ઉકેલવા માટે પુષ્પાબહેને 1943માં હળવદમાં ‘પ્રગતિગૃહ’ ને 1945માં વઢવાણમાં ‘વિકાસ વિદ્યાલય’ અને રાજકોટમાં ‘કાન્તા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરી.
આ સંસ્થાઓના વિકાસમાં પુષ્પાબહેને પ્રાણ રેડી દીધો. 250થી વધુ મહિલા મંડળોના મહામંડળ જેવું સમસ્ત ગુજરાત સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળ રચવામાં આવ્યું અને તેના પ્રમુખ તરીકે પુષ્પાબહેનની વરણી થઈ.
1946–47ના જૂનાગઢની આરઝી હકૂમતમાં તેમણે સક્રિય ભાગ લીધો. 1950માં ગુજરાતમાં દુષ્કાળ વખતે સૌરાષ્ટ્રના માલધારીઓના જીવનની મુશ્કેલી જોતાં તેમણે ‘માલધારી સંઘ’ની સ્થાપના કરી. એ પછી રાજસભાનાં સભ્ય તરીકે 1966માં ચૂંટાયાં અને દિલ્હી રહીને ગુજરાતની નારી-શિશુ કલ્યાણની સંસ્થાઓ માટે મહત્વની કામગીરી બજાવી. 1972 સુધી રાજસભામાં રહીને એમણે વખતોવખત સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નો અંગે પોતાનાં મંતવ્યો નિર્ભયતાથી વ્યક્ત કર્યાં.
1952, ’56 અને ’61માં તેઓ વિધાનસભાનાં સભ્ય થયાં. 1954થી ’65 સુધી તેઓ સમાજકલ્યાણ બૉર્ડનાં અધ્યક્ષ રહ્યાં. 1955માં એમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. 1946થી 1972 સુધી સતત રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહ્યાં. મહાગુજરાત સમાજ કલ્યાણ બૉર્ડના અધ્યક્ષપદે પણ એમણે કાર્ય કર્યું. 1983માં જાનકીદેવી બજાજ ઍવૉર્ડ તેમને મળ્યો હતો.
અનેક રાહતકાર્યોમાં એમણે ભાગ લીધો હતો. આમ ગુજરાતમાં પાંચ દાયકા સુધીની સમાજસેવા કરનાર પુષ્પાબહેનને વિશાળ વટવૃક્ષ બની ગયેલી અનેક સંસ્થાઓનાં સંસ્થાપક તરીકે યાદ કરાય છે.
પ્રીતિ શાહ